Homeઈન્ટરવલશ્રીરામનો સ્વર્ગમાં પહોંચેલો પતંગ હનુમાનજી પરત લાવ્યા હતા

શ્રીરામનો સ્વર્ગમાં પહોંચેલો પતંગ હનુમાનજી પરત લાવ્યા હતા

પતંગ ચડાવવામાં આપણે આળસુ થતા જઇએ છીએ

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

આળસ આપણો રાષ્ટ્રીય શોખ છે, ટાળવું આપણી પરંપરા છે. દેશદુનિયાની અનેક સરકારોએ કેટલાય મુદ્દા ટાળીને સમસ્યાઓનું નિરાકરણ કર્યું છે. આપણે ય કેટલીક સમસ્યાઓ ટાળી છે, ઘણીવાર ઉકેલ સમય પાસે હોય છે….
કોઈ પણ કામમાં વિલંબ કરવો એ આપણો ગમતો નશો છે. આપણો એટલે વૈશ્ર્વિક માનવજાત… માણસને ટાળવામાં મજા આવવા લાગે છે. એક અભ્યાસ તો એવું કહે છે કે દુનિયાના ચોથા ભાગના એટલે કે, ૨૫% લોકોને કોઇપણ કામમાં વિલંબ કરવાનું ગમે છે. ઘણાને જવાબદારી મેળવ્યા પછી કામ ટાળવાની મજા આવતી હોય છે. ફેમિલી કે કોર્પોરેટ કે સરકારી તંત્રમાં બધાને અનુભવો છે કે કામ કેવી રીતે ટાળવામાં આવે છે…
એક અભ્યાસ મુજબ કામ સોંપવામાં આવે ત્યારે ફોન પર અગત્યની મીટિંગ ચાલતી હોય એવું દર્શાવીને કામને ટાળવાવાળાઓનો ૩૦% વર્ગ છે. સાહેબ મીટિંગમાં છે એવું કોમન સાંભળવા મળતું હોય છે, કામના સમયે ખાલી ખાલી વાંચવા કે મેઇલ ચેક કરીને ગંભીર મુખમુદ્રા ધારણ કરવાવાળો ૨૧% વર્ગ છે. ફોન પર અગત્યના મેસેજ અને ડિસ્કશન કરવું પડે તેમ છે કહેનાર તથા અકારણ શો બાજી માટે સોશિયલ સાઇટ ખોલનાર અધધધ ૬૦% ગ્રેટ નમૂના છે. કામના સમયે અગત્યના ન્યૂઝ કે મેચને ટીવી પર જોવા બેસી જનારા ૬૦% છે.
એક ખાસ પદ્ધતિ ભૂલી ગયા? અંદાજે ૫૦% લોકો કામ ટાળવા ઊંઘી જાય છે, તો મારે અર્જન્ટ ખરીદી કરવા જવું પડશે કહેવાવાળા ૧૦% છે….બોલો, કામ ટાળવાવાળાઓને હવે ઓળખ્યા? બહાનાબાજી તો સાઇકોલોજી ભણવાવાળા માટે મોટો વિષય છે.
ટાળવાવાળામાં મોટો વર્ગ નિષ્ફળતાની ડરવાળો, ઉત્સાહનો અભાવ, અકારણ ચિંતા, મફતમાં કોણ કરે એવું માનવાવાળો છે. ઘણા બધાને કોઈ કારણ વગર કામને ટાળવાની મજા આવતી હોય છે. કસરતના ફાયદા જાણવાથી કોણ કસરત કરે? એ તો એટેકનો ડર રિપોર્ટમાં દેખાય તો જિમ શરૂ થાય. નાના છોકરાને ચોકલેટની લાલચ આપી કામ કરાવવાની આદત કોણ પાડે છે? જે જીવન દરમિયાન ચાલુ જ રહે છે… કામ આવે ત્યારે કશું મળવું જોઈએ એ સમજ બાળપણથી વિકાસ પામી હોય ત્યારે રોજ તો કોણ કિંમત આપે? તો પછી બહાના શરૂ…
ઘણા તો માનતા હોય છે લાલચમાં કામ કરવાથી કશે ભેરવાઇ જવાય તો? એના કરતાં ટાળવાની મજા કરો… ઘણા કેસમાં એકનું એક જ કામ કરે તો ય આળસ આવે, દરવખતે પ્રેરણા કોણ આપે? માણસ સેલ્ફ મોટિવેટેડ તો હોતો નથી…એટલે થોડા સમય માટે ‘નો મૂડ’ કે ‘મૂડ ઓફ’ થઈ જાય… બસ કામ ટાળો… જ્યાં સુધી કોઇપણ કામમાં, યસ કોઇપણ કામમાં ઉત્તેજના ન હોય તો માણસ “કોઇપણ કામ ટાળી શકે છે… શું વિચાર્યું?
આ તો બધાં દેખીતાં કારણો વિચાર્યા પણ ઓરિજિનલ એક અગત્યનું કારણ તો રહી ગયું… શું કરવું અને શું ન કરવું એ માટે મગજમાં લિમ્બીક નામની સિસ્ટમ પેદાઇશી સક્રિય રીતે કામ કરતી હોય છે. ઉકળતા પાણીમાં હાથ બોળતા કે બરફ પર બેસતા આ સિસ્ટમ રોકતી હોય છે. આપણા કપાળ પાછળ એક બીજી સિસ્ટમ ઉર્ફે પ્રિફન્ટલ કોર્ટેક્સ ધીમે ધીમે ડેવલપ થતી હોય છે, જે માહિતી પ્રમાણે નિર્ણય લઇને આપણને કામ કરવા પ્રેરતી હોય છે. આ જ સિસ્ટમ આપણને જનાવરો કે અન્ય જીવોથી અલગ કરે છે…
સાદા અર્થમાં પૃથ્કકરણ કરવાની આપણી ક્ષમતા. આ સિસ્ટમ જાતે કશું કરતી નથી, પણ તે પેલા લિમ્બીકની મદદ લેતું હોય છે.
કામના સમયે લિમ્બીક સિસ્ટમને કામમાં રસ ન પડે તો શું થાય? બંને સિસ્ટમ નેગેટિવ થાય એટલે નોરેપીનેફ્રાઇન કેમિકલ પેદા થઈ પોઝિટિવ વિચારોના ડોપામાઇન જેવા ઉત્સાહિત કેમિકલને અટવાવીને કામ કરવા માટે ડરાવી દે છે…
તો શું કરવાનું? મગજમાં કામ કરવાનો ઉત્સાહ વધારવાનો… નહિતર ગોદડીમાં મોં નાખીને બહાનાના બગીચામાં ઊંઘી જવાનું. મિન્સ તમે કોઈ દાડો નહીં સુધરો…
ખોટું કહેતો હોય તો ઉતરાણ પર પતંગ નહીં ચગાવીને ટાળવાની વાતોનો અભ્યાસ કરજો… હાથ દુખે છે, બહુ ગરમી, પવન નથી, પવન વધારે છે, હવે પહેલા જેવું નથી, બધા ડ્રિંક લે છે, ગાયનો જોરથી વાગે છે, અમે નાના હતાં ત્યારે ફલાણું ને ઢીકણું… જેવી કોમન વાતો… હજી ટ્રાય કરવો છે? બે વખત ઉપર નીચે ધક્કો ખવડાવજો…. નેગેટિવ કેમિકલ મગજની બહાર પણ ફરતું દેખાશે….
તો આળસ છોડો, લહેરથી પતંગ ચગાવીએ. આજ મેરે પાસ પતંગ હૈ, દોરા હૈ, ધાબા હૈ, પવન હૈ, સાઉન્ડ સિસ્ટમ હૈ, ઘુમને કો ગાડી હૈ, દોસ્ત હૈ, પર ક્યા કરે? સમય જ નહીં હૈ… બધું હોવા છતાં એકલતાનો આસ્વાદ કરાવે એ ઉતરાણ… કપાયેલી પતંગ જેવું છે, કભી ઇધર તો કભી ઉધર… યે જીના ભી કોઈ જીના હૈ?
ગુજરાતીઓની ઉતરાણ એટલે પતંગ અને દોરાનો ખર્ચ કર્યા પછી ધાબા પર સગા અને મિત્રોનો મેળાવડો. ખાણીપીણીનો જલસો… ઊંધિયાથી માંડીને ચણીબોર સુધી… અનલિમિટેડ રેન્જ ધરાવતી તલસાંકળીઓ અને ચીકીઓ… અને ધાબા પરની કેટલીય સ્વીટ સ્વીટ ચીકુડી… પણ આ બધું કર્યા પછી સવાલ એ છે કે પતંગ ચગાવવાથી ફાયદો ખરો? મનોવિજ્ઞાનના જાણકારો કહે છે કે લાંબો સમય આકાશમાં જોવાથી સતત બ્લ્યુ કલર નજરે ચડતાં મન શાંત થાય છે, મનમાં પ્રેમની લાગણી વધે છે. આકાશમાં પતંગો જોતા રહેવાથી ટેન્શનમાં ઘટાડા સાથે ડિપ્રેશન જેવી તકલીફોમાં તે ક્ષણ પૂરતી રાહત થાય છે. હા, માથાનો દુખાવો ઘટે છે. કસરત આપોઆપ થાય છે, ફેમિલી અને ફ્રેન્ડસ મળવાથી સ્ટ્રેસ દૂર થાય છે. રખડવાનું મન થાય ખેતરમાં કે પહાડીઓમાં જઇને ય પતંગો ચગાવવાનો લુફ્ત લેવા જેવો…
હા, ઇલેક્શન હોય કે મસ્કા મારવા… પવન મુજબ પતંગ ચગાવવા જેવું જરૂરી લેશન મગજમાં ઓટોમેટિક જાય છે… બ્રિટનમાં એક શિક્ષકે ૧૮૨૨માં ચાર પતંગની મદદથી ગાડી ચલાવી હતી… હવા કા ઝોખાને સમજતા શીખો…
હા, હિલ સ્ટેશન સિવાય આ એક જ તહેવાર છે જ્યાં સાંજના સમયે સૂર્યનારાયણને ક્ષિતિજ પર ડૂબતા જોઇએ છીએ. સનસેટ સાથે પંખીઓના અવાજ વચ્ચે સહજ રીતે પ્રકૃતિની નિકટ પહોંચી જવાય છે.
આમ તો હજારો વર્ષોથી પતંગની મજા લોકો માણે છે, માણસજાતની હજારો વર્ષથી મહેચ્છા હતી કે આકાશમાં પંખીની જેમ ઊડી શકે, પતંગ એવું રમકડું મળ્યું કે જેનો કંટ્રોલ પોતાની પાસે હોય. આકાશને કંટ્રોલ કરવાની ઇચ્છાએ ત્રણ હજાર વર્ષ ગ્રીસમાં પહેલા પતંગો શોધવામાં આવી. પતંગો ગ્રીસથી ચીન થઇને છેક જાપાન સુધી વાયા ઇરાન કે ભારત સિલ્ક રુટ મારફતે પહોંચી…
એક અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે પતંગની ઉત્પત્તિ ચીનમાં થઈ. પતંગની શોધ થઈ ત્યારથી, વિશ્ર્વભરની વિવિધ સંસ્કૃતિઓએ પોતાની રીતે પતંગના આગવા ઉત્સવો બનાવી દીધા.પ્રાચીન સમયમાં ચીનમાં લાકડા અને કાપડ જેવી સાદી સામગ્રીનો ઉપયોગ તથા પક્ષીઓના આકારની પતંગો બનતી. આજકાલ તો એલઇડી લાઇટ સાથે પણ ચીનમાં પતંગો ઉડાવવામાં આવે છે.
ચીની ફિલોસોફર ક્ધફ્યુશિયસ પછી આવેલા બે ફિલોસોફર મોઝી અને લુ બાન દ્વારા પતંગની શોધ થયેલી (૪૭૫ – ૨૨૧ બી.સી.). પતંગ કેવી રીતે બનાવવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જ્ઞાન ગુપ્ત રાખવામાં આવતું હતું, પતંગોએ ચીની દળોને લશ્કરી ગુપ્ત માહિતી પ્રદાન કરવામાં ભૂમિકા ભજવી હતી. એક યુગમાં પતંગો લશ્કરી હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી હતી. આજે ડ્રોન વપરાય છે…ખાલી ટેકનોલોજી બદલાઇ છે, માણસજાત એની એ જ છે.
લડાયક ચંગીઝખાનને પણ પતંગ ચગાવવાનો શોખ હતો, એ એશિયાના ઘણા દેશોમાં પતંગો લઈ ગયો. નોર્થ ઇસ્ટ દેશોમાં પાંદડાઓની પતંગો બનતી, પતંગો માટે લોકકથાઓ છે, આ દેશો પણ માને છે કે પતંગોની શરૂઆત ત્યાંથી થઈ…
પતંગોમાં પણ અંધશ્રદ્ધા આવી, પતંગ દુષ્ટ આત્માને દૂર રાખે છે… પતંગો ચગાવવાથી સમૃદ્ધિ આવે છે એવું પણ ઘણા દેશોમાં માનવામાં આવતું. માર્કો પોલોએ પતંગ અંગે વ્યવસ્થિત લખાણ લખ્યા હતા.
અઢારમી સદીથી પતંગોનો વૈજ્ઞાનિક ઉપયોગ થવા લાગ્યા, ઊંચી ઉડાડેલી પતંગ સાથે યુરોપમાં થર્મોમીટર બાંધીને હવામાનની આગાહીઓ થવા લાગી. વીજળીના કડાડાભડાકાના સંશોધન હોય કે વિમાન ઉડાવવાના નિયમો શોધવામાં પતંગો આશીર્વાદ બની છે. ભારતમાં સત્તરમી સદીમાં લખાયેલી કથા મુજબ, ભગવાન રામની સ્વર્ગમાં ગયેલી પતંગ હનુમાનજી પરત લાવ્યા હતા. છેલ્લા બસો અઢીસો વર્ષથી પતંગોનો શોખ વધવા લાગ્યો, અવધ પતંગો માટે પોપ્યુલર હતું.
મૂળ વાત, પતંગો જેણે શોધી હોય, જે લાવ્યું હોય પણ… પતંગોના જલસા તો ગુજરાતીઓએ જ કર્યા છે… ઉતરાણ અને પછી વાસી ઉતરાણ…
ચાલીસ ઉપરની ઉંમરવાળા યાદ કરો, દિવાળી પતે એટલે જૂના દોરા લઇને સાંજે ધાબે જ હોય… ઉતરાણની પણ કેટલી બધી તૈયારીઓ? દોરા સૂતાવવામાં આખો દિવસ, કિન્ના બાંધવાની, ગુંદરપટ્ટી, આંગળીઓ પર ખાસ ટેપ, ધમાકેદાર ગાયનોની કેસેટો અને દિવાળી કરતાં વધારે ફૂટતા ફટાકડાઓ વચ્ચે ધાબા પરના સેટિંગની તૈયારીઓ…
પેલી ક્યાં હશે એના પ્લાનિંગ… પતંગો પર શાયરીઓ લખીને ચગાવવાની… કેટલાયના પેચ થયા ને કેટલાયની હાથમાંથી ગઇ…. કોણે કોની ફિરકી પકડી, એના પર નજરો રહેતી. મસ્ત જલસો હતો… કોઈ લૌટા દે મેરે વો દિન… નવરાત્રિ, દિવાળી અને લગ્નસરા વચ્ચે ઉતરાણ એક એવો તહેવાર હતો જેમાં વેસ્ટર્ન ડ્રેસ ડ્રેસ વચ્ચે દિલથી આકાશ સુધી કલરફૂલ યુગ હતો… વો જવાની થી જીસ કી બહુત સારી કહાનીયાં થી… ભલા માણસ, યાદ તો કરો.
ઘણા પાક્કા પતંગિયા પણ ખરા… જેમનું ફોકસ ઓન્લી ઓન પતંગ, પતંગ એન્ડ પતંગ… એકદમ સિન્સીયર… દોરીમાં ગૂંચળું પડે તો કલાક કાઢે ને કેટલાક ગૂંચળું પડે એટલે દોરો તોડીને ગાંઠ બાંધી દે. કુછ સમજે? કેટલાક વિઘ્નસંતોષીઓ આપણી જ દોરી જ તોડી નાખે. માણસની જાતને સમજવા પતંગ કેટલી ઉપયોગી… સૌથી પોપ્યુલર તુક્કલ પતંગોનો ઇતિહાસ ધરાવતા ગુજરાતમાં ખંભાત, જંબુસર, વડનગર, અમદાવાદ, સુરત જેવાં અનેક નગરોની ઇકોનોમી પતંગ અને દોરા પર આધારિત છે. હા, પતંગો માટે એક વાત કહી શકાય કે પતંગ સામ્યવાદી વિચારધારા ધરાવે છે, મોટી બાલ્કની હોય કે રસ્તા પર પતંગ ચગાવવાનો આનંદ, અમીર ગરીબ સરખે ભાગે ભોગવે છે.
ધ એન્ડ :
वो तो गयी किसी के संग, गम ना कर
धुमा फिरकी तू फिर से, आसमा है तेरा प्यारे
हौसला बुलंद कर, दम नहीं है आँखो में
लडा ले पेच फिर से तु होने दे जंग
नजर सदा हो उँची सिखाती है पतंग
जैसे ही मस्ती में आये, उस पतंग
को खींच दे…..
(હમ દિલ દે ચુકે સનમ)
મિન્સ હસતા રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો પણ હવામાં ન રહો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular