મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં શ્રીકાર વરસાદ

આમચી મુંબઈ

ગઢચિરોલીમાં ૩ જણ તણાયા

હવામાન ખાતાએ નાશિક જિલ્લામાં ૧૪મી જુલાઈ સુધી જાહેર કર્યું રેડ એલર્ટ

ગોદાવરી નદીના પાણીની સપાટી ભયજનક રીતે વધતાં ગંગાપુર બંધમાંથી પાણી છોડાયા હતા અને આને પગલે મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. (પીટીઆઈ ફોટો)

મુંબઈ: મહારાષ્ટ્રના અનેક ભાગોમાં સોમવારે ભારે વરસાદ વરસ્યો હતો. ગઢચિરોલી જિલ્લામાં ૩ વ્યક્તિ ગુમ થઇ ગઇ હોવાના અહેવાલ સાંપડ્યા હતા. નાશિક જિલ્લાની અનેક નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળતાં પરિસ્થિતિ ચિંતાજનક રહી હતી. બીજી બાજુ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદનું જોર ઓછું જોવા મળ્યું હતું.
નાશિક જિલ્લામાં ભારે વરસાદ થવાને કારણે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો હતો અને ગોદાવરી નદીના પટ પર આવેલાં ઘણાં મંદિરો પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં, એવું અધિકારીએ જણાવ્યું હતું. હવામાન ખાતાએ નાશિક જિલ્લાને ૧૪મી જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કર્યું હતું.
પુણેમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પૂર્વી મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિ વહેતા નાળામાં વહી ગઇ હતી. ત્રણેયના મૃતદેહો બાદમાં બહાર કાઢવામાં આવ્યા હતા, એવું ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન ઓફિસ (ડીઆઈઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું. ભારે વરસાદથી પ્રભાવિત ૧૨૯ સ્થાનોમાંથી ૩૫૩ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન નાશિક જિલ્લાના સુરગાનામાં સૌથી વધુ ૨૩૮.૮ મીમી, પેઠમાં ૧૮૭.૬ મીમી અને ત્ર્યંબકેશ્ર્વરમાં ૧૬૮ મીમી વરસાદ નોંધાયો હતો, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. ત્ર્યંબકેશ્ર્વર અને ઈગતપુરી જેવા ઘાટ વિસ્તારોમાં પરંપરાગત રીતે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતો હોય છે, પરંતુ આ વખતે સુરગાના અને પેઠમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો, એવું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
નાશિકમાં પણ મુશળધાર વરસાદ વરસવાને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. નાશિકના રહેવાસીઓ નદીના પટ પર સ્થિત દુતોંડ્યા મારુતિ (બે માથાંવાળા હનુમાન)ની મૂર્તિની આસપાસ પાણીનો સ્તર જોઇને પૂરની તીવ્રતા માપતા હોય છે. હાલમાં પાણીનો સ્તર મૂર્તિની કમરથી થોડું નીચે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
ગઢચિરોલીના પૂર્વ અને દક્ષિણ ભાગો, મુખ્યત્વે ભામરાગઢ, આહેરી અને સિરોંચામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. આહેરીમાં ૨૬૨ મીમી અને ભામરાગઢમાં ૧૨૫ મીમી વરસાદ નોંધાયો હતો, એવું એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. વહીવટીતંત્રે સાવચેતીના પગલારૂપે ચોમાસા દરમિયાન અનેક ગામોને રેશનિંગ અને દવાઓ પહેલેથી જ સપ્લાય કરી દીધી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે સાંજે ગઢચિરોલીની મુલાકાત લીધી હતી. (પીટીઆઈ)

શહેર અને ઉપનગરમાં વરસાદનાં ઝાપટાં ચાલુ રહેશે: હવામાન ખાતું
મુંબઈ: સોમવારે સવારે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો અને શહેરમાં કોઇ ઠેકાણે પાણી ભરાયાં હોવાના અહેવાલ નથી, એમ એક સુધરાઈના અધિકારીએ જણાવ્યું હતું. ઈન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટે (આઈએમડી) આગામી ૨૪ કલાકમાં શહેર અને ઉપનગરોમાં વરસાદનાં ઝાપટાં ચાલુ રહેશે, એવી આગાહી કરી હતી. જોકે અમુક સ્થળોએ ભારે વરસાદ પણ વરસી શકે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
દક્ષિણ મુંબઈમાં સોમવારે સવારે ૮ વાગ્યા સુધીના ૨૪ કલાકના સમયગાળામાં સરેરાશ ૧૨.૦૪ મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરોમાં અનુક્રમે ૨૨.૧૨ મીમી અને ૧૨.૭૬ મીમી વરસાદ નોંધાયો હતો, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. શહેરમાં કોઇ ઠેકાણે પાણી ભરાયાં નહોતાં અને બેસ્ટની બસે સેવાને ડાયવર્ટ કરવી પડી નહોતી, એવું અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈની જીવાદોરી સમી ગણાતી મધ્ય અને પશ્ર્ચિમ રેલવેની લોકલ ટ્રેનની સેવાઓ પણ સામાન્ય રીતે ચાલી હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.