ચોથી ફેબ્રુઆરીના ભારતનો પડોશી દેશ શ્રીલંકા તેના 75મો સ્વતંત્રતા દિવસની ઊજવણી કરશે અને આ પ્રસંગની શોભા વધારવા માટે, તેમ જ ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે કેન્દ્રના રાજ્ય કક્ષાના વિદેશ ખાતાના પ્રધાન વી મુરલીધરન કાલે શ્રીલંકા પહોંચશે. મુરલીધરન અહીં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને વિદેશ મંત્રી અલી સાબરી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
મુરલીધરન ઉપરાંત સ્કોટલેન્ડના કોમનવેલ્થના વડા પેટ્રિશિયા સહિત અન્ય વિદેશી મહાનુભાવો રાજધાની કોલંબોમાં મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. સ્વતંત્રતા દિવસ અને હાઈ પ્રોફાઈલ વિઝિટને ધ્યાનમાં લેતાં રાજધાની કોલંબોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દેવામાં આવી છે. બે અઠવાડિયા વિદેશ ખાતા પ્રધાન એસ. જયશંકરે શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને હવે આ મુલાકાતના બે અઠવાડિયા બાદ મુરલીધરનની કોલંબોની મુલાકાતે જઈ રહ્યા છે.
આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે મુરલીધરન શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે અને વિદેશ પ્રધાન સાબરી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. મુરલીધરન ભારતીય ડાયસ્પોરાના અગ્રણી સભ્યો સાથે પણ વાતચીત કરશે.
શ્રીલંકા, જે IMF પાસેથી USD 2.9 બિલિયન બ્રિજ લોન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે તેના મુખ્ય લેણદારો – ચીન, જાપાન અને ભારત પાસેથી નાણાકીય ખાતરી મેળવવા માટે વાટાઘાટ કરી રહ્યું હતું, જે કોલંબોને બેલઆઉટ પેકેજ મેળવવાની મંજૂરી આપશે.