શશી ગોડબોલે યાદ છે? એ જ જે સારી રસોઈ બનાવતી હતી, લાડુ બનાવતી હતી, પતિ અને બાળકોનું ખૂબ ધ્યાન રાખતી હતી, પણ તેને અંગ્રેજી નહોતું આવડતું ને એટલે છોકરા અને પતિના અણગમા કે મજાકનું કારણ બનતી. અરે આ તો તમે જ છો ? હા ભારત સહિત ઘણા દેશોની લાખો-કરોડો હાઉસવાઈવ્સનું ચિત્રણ કરતી ઈંગ્લીશ-વીંગ્લીશ ફિલ્મની આપણી ચહેતી શશી ગોડબોલે એટલે કે શ્રીદેવીની વાત કરી રહ્યા છીએ. પાંચ વર્ષ પહેલા અચાનક આપણને બધાને છોડી જતી રહેલી આ ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી હિરોઈનની કમબેક હીટ ફિલ્મ ઈંગ્લીશ વીંગ્લીશ તેની મરણતિથિના દિવસે ચીનના 6000 જેટલા સિલ્વર સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે.
પુણેની મરાઠી ગૃહીણીની વિદેશમાં થોડા દિવસોના રહેવાસ દરમિયાન અંગ્રેજી શિખવાની સફર અને આ દ્વારા પોતાની જાતને ઓળખવાની અને સ્વીકારવાની વાત કરતી આ ફિલ્મે 2012માં એકેડમી એવોર્ડમાં એન્ટ્રી મેળવી હતી. પંદર વર્ષ બાદ શ્રીદેવીએ આ ફિલ્મ દ્વારા સિનેમાજગતમાં કમબેક કર્યું હતું.
આ ફિલ્મની દિગ્દર્શિકા ગૌરી શિંદેના માતાના જીવનથી પ્રેરણા લઈ ફિલ્મ બનાવવામાં આવી હતી, પરંતુ ઘણી સારું અંગ્રેજી ન જાણતી મહિલાઓના જીવનને સ્પર્શી જાય તેવી વાર્તા હતી અને શ્રીદેવીએ પોતાની અનોખી અભિનય ક્ષમતાથી તેને ખરેખર માણવાલાયક બનાવી દીધી હતી. 24 ફેબ્રુઆરીએ દુબઈ ખાતે બાથટબમાં થયેલા અકસ્માતમાં તેમનું નિધન થયું હતું. તેમની મરણતિથિએ આ ફિલ્મ ચીનમાં રિલીઝ થશે.
ચીન વિશ્વનું સૌથી મોટું બીજા નંબરનું મુવીમાર્કેટ છે. હવે અહીં ભારતીય ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે આપણી શશી ગોડબોલે ચોક્કસ ચીની દર્શકોનું પણ મન જીતી લેશે.