શિવભક્તિનું મહિમાગાન કરતું શ્રી જડેશ્ર્વર મંદિર

ઇન્ટરવલ

તસવીરની આરપાર -ભાટી એન.

“જડીયો જંગલમાં વસે, ઘોડાનો દાતાર, ત્રિઠીયો રાવળ જામને એને હાંકી દીધો હાલાર
સૌરાષ્ટ્રભૂમિના ભૂષણરૂપ દેવોમાં ઉત્કૃષ્ટ કલ્યાણરૂપ વેદમાર્ગથી જાણવા યોગ્ય જગતની ઉત્પતિ કરનાર શ્રેષ્ઠ વિદ્વાનો વડે સ્તુતિ કરાયેલ. કામદેવને બાળનાર, પાપના પુંજોનો નાશ કરનાર, સ્વયં જયોતિ, અવિનાશી ત્રિવિધ તાપને દૂર કરી શાંતિ આપનાર, એવા ‘શ્રી સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવ’નો મહિમા અનેરો છે. અહીં અસંખ્ય બ્રહ્મદેવો શ્રાવણ માસે પૂજા ભક્તિ કરવા અહીં મુકામ કરેલ છે. ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલ શ્રી જડેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં રહેવા માટે અલાયદી વ્યવસ્થા છે. મોરબી જિલ્લાના વાંકાનેરથી જડેશ્ર્વર જવા ૧૦ કિ.મી.નો સિંગલ પટ્ટીડામર રોડ છે. રસ્તાઓની બન્ને બાજુ ઊંચા લીલાછમ ડુંગરા જોવા મળે છે. વચ્ચાળે વડસર તળાવ આવે છે. શ્રાવણ માસના બીજા સોમવારે અહીં મેળો ભરાય છે. જેમાં હજારો દર્શનાર્થીઓ આવે છે. મંદિરના અંદરના ભાગે ૧ ફૂટનો ઓરસ ચોરસ ત્રાંબાના પતરામાં લખેલ શિલાલેખ પુરાતન ખાતાથી રક્ષિત છે.
રતન ટેકરી પર આવેલ ગુજરાતનું કૈલાસધામ સ્વયંભૂ શ્રી જડેશ્ર્વર મહાદેવ ફરતા અસંખ્ય રૂમો આવેલ છે. તેમ જ વિશાળ ભોજનશાળા છે. મંદિરના આગળના ભાગેથી જવા માટે રસ્તો છે. જે અડધો કિ.મી. ટેકરી પર સીધો જ ચઢાણ આવે છે. મંદિરના પાછળના ભાગેથી જવા માટે પગથિયાં છે. વિશાળ ટેકરી પરથી કુદરતી દૃશ્ય લેન્ડ સ્કેપ જોવાનો ખૂબ જ આનંદ મળે છે…! જાણે ધરતી માતાએ લીલી ચુંદડી ઓઢી હોય તેવું વાતાવરણ ચોમાસામાં અત્યારે લાગે છે…!
જડેશ્ર્વર મંદિરનો પ્રાચીન ઇતિહાસ: જામનગર (નવાનગર)ના પરાક્રમી નરેશ જામ રાવળનું માથું નાનપણથી કાયમ દુ:ખ્યા કરતું હતું. તેના માટે અનેક વૈદો-હકીમો પાસે ઇલાજ કરાવ્યો તોય કોઇ ફેર પડયો નહીં. જામનગરની ગાદીએ આવ્યા પછી કોઇએ કહ્યું ધ્રોળમાં એક ત્રિકાલદર્શી વિદ્વાન બ્રાહ્મણ તેમનું નામ પંજુ ભટ્ટજી છે. તેમને બોલાવી બતાવાથી ખરું કારણ કહી આપશે…!? ભટ્ટજીને બોલાવ્યા તેમને જામ રાવળે માથું દુ:ખવાનું કારણ પૂછતા તેમણે ધ્યાન ધરી જામ રાવળનો ભૂતકાળ જોઇ કારણ બતાવતા કહ્યું, અહીંથી પૂર્વમાં મોટો ટેકરો છે. ત્યાં અરણી ઝાડ હલે તેનાથી તમારું માથું દુ:ખે છે…! આ વાત માન્યામાં ન આવતા રૂબરૂ જઇ તપાસતા સાચે જ અરણીનું ઝાડ હતું ને તે હલાવતા ખૂબ જ માથું દુ:ખવા લાગ્યું. આ અરણીનું ઝાડ કાપી નાખતા જામ રાવળનું માથું દુ:ખતું બંધ થઇ ગયું…!
કારણ સમજાવતા ભટ્ટજીએ કહ્યું અગાવ અરણીટીંબા નામનું ગામ નજીક આવેલ ત્યાંનો ભરવાડ ગાયો ચારતો હતો. તાજી વિયાયેલી ગાય મહાદેવ પર પોતાના દૂધથી અભિષેક કરતી તે શિવલિંગ પર કમળ પૂજા થાય તો જરૂર તે રાજા થાય તેવું માનતા ભગા ભરવાડે કમળ પૂજા કરેલ તે માથું અહીં પડ્યું છે. અને તેની ખોપરીની સોંસરવી અરણીનું ઝાડ ઊગી ગયું છે. આ હલે છે જેથી આપનું માથું દુ:ખે છે. આ સોટાને કાપી નાખો પછી આપનું માથું નહીં દુ:ખે આવી ઐતિહાસિક પ્રાચીન વાર્તા સાથે જોડાયેલ શ્રી જડેશ્ર્વર મહાદેવના દર્શન સાચા ભાવે કરવામાં આવે તો આપના દુ:ખદર્દો દૂર થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.