જેને અહંકાર નથી એ જ ‘મહાદેવ’ છે

દેશ વિદેશ

શ્રાવણની સરવાણી- મુકેશ પંડ્યા
લિંગ પુરાણમાં આવતી એક કથા છે. એક વાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કોણ મહાન એ બાબતે ઝઘડો થયો. બ્રહ્મા કહે હું મોટો, વિષ્ણુ કહે હું મોટો. બેઉ વચ્ચે વાત વણસી ત્યારે તેમની વચ્ચે એક મોટો અગ્નિની જ્વાળા કાઢતું લિંગ પ્રગટ્યું આ લિંગ ઉપર અને નીચે એટલું વિસ્તર્યુ હતું કે તેનો છેડો દેખાતો જ ન હતો. બ્રહ્મા આ લિંગનો છેડો શોધવા ઉપર તરફ ગયા તો વિષ્ણુ નીચે તરફ ગયા. બન્ને થાકી ગયા પણ લિંગનો છેડો મળ્યો નહીં. હારીને બન્ને પાછા વળ્યા ત્યારે તેમને લિંગમાંથી ઓમકાર સંભળાયો અને ભગવાન શિવ પ્રગટ થયા. બ્રહ્મા અને વિષ્ણુ બન્ને શિવનું આ અનંત અને અફાટ રૂપ જોઇને અવાચક થઇ ગયા. તેમને સમજાઇ ગયું કે સૌથી મોટું કોણ છે. મહાદેવ એટલે મોટામાં મોટા દેવ, દેવોના પણ દેવ અને મહેશ એટલે મોટામાં મોટો ઇશ્ર્વર જેને મહેશ્ર્વર પણ કહી શકાય. આ ઘટના પછી જ મહાદેવ શિવલિંગરૂપે સ્થાપિત થયા.
આપણે જ્યારે પણ કોઇ બાબતે અહંકાર કરીએ ત્યારે આપણી મહાનતા એ પળે ન્યૂનતામાં ફેરવાઇ જાય છે. શંકર મહાદેવ કહેવાય છે કારણ કે તેઓ નિરંહકારી છે. બ્રહ્મા અને વિષ્ણુ તો જાગૃત હતા કે લિંગનો છેડો ન મળતા પાછા ફર્યા, પરંતુ ઘણા માણસો એવા હોય છે કે તેઓ અહમ્ને કોરાણે મૂકવા તૈયાર જ નથી હોતા અને અંતે વિનાશ નોતરે છે. રાવણે અહંકારમાં સીતાને છોડ્યા નહીં અને લંકાનો વિનાશ થયો. દુર્યોધને પોતાની સેના પર મુસ્તાક થઇને આટલા મોટા રાજ્યમાંથી પાંડવ બંધુઓને પાંચ ગામ પણ ન આપ્યા અને કૌરવોનો સર્વનાશ નોતર્યો.
અહંકારના નાદમાં બીજાનો સાદ ન સાંભળે એ મહાદાનવ અને અહંકારને ઓગાળે એ મહાદેવ. પકડી રાખે એ થોડી ક્ષણો માટે ભલે મહાન કહેવાય પરંતુ મહાન એ છે કે જે છોડી શકે છે. ભોગ કરવો સહેલો છે જ્યારે ત્યાગ કરવો અઘરો છે. હવે તમે જ કહો કે અઘરું કાર્ય કરે એ મહાન કહેવાય કે સહેલું કાર્ય કરે એ મહાન કહેવાય?
ભગવાન શંકર અઘરા કાર્યો કરે છે છતાંય અભિમાન નથી કરતાં. અમૃત દેવોને આપી દે છે અને વિષ પીવાનું અઘરું કામ પોતે કરે છે અને છતાંય તેમનામાં અભિમાનનો છાંટો નથી. કૈલાસમાં જેટલી સરળતાથી તેઓ દેવો સાથે રમણ કરે છે એટલી જ સહજતાથી સ્મશાનમાં ભૂતગણો સાથે ભ્રમણ કરે છે. ક્યારેય એવું દાખવતા જ નથી કે ‘આઇ એમ સમથિંગ’, તેઓ લિંગ સ્વરૂપે જમીનમાં સ્થાયી થયા છે એ પણ દર્શાવે છે કે હીઝ હાઇનેસ લોર્ડ શિવા ઇઝ ગ્રાઉન્ડ ટુ અર્થ. તેઓ જમીની હકીકતો સાથે સંકળાયેલા છે. તેમના મંદિરે જવા કોઇ ખાસ સમયની જરૂર પડતી. શિવાલયના દરવાજા ચોવીસે કલાક ખુલ્લાં રહે છે. તેઓ અંગે સ્મશાનની રાખ ચોળે છે કારણ કે તેમને ખબર છે કે દુનિયામાં જે પણ સ્થાવરજંગમ મિલકતો છે તે અને આપણો દેહ સુદ્ધાં એક દિવસ ભસ્મીભૂત થવાનો છે. રાખ બની જવાનો છે સ્મશાન એટલે ‘આઇ એમ સમથિંગ’થી ‘આઇ એમ નથિંગ’ સુધી પહોંચવાનો રસ્તો. એટલે આપણને હુંકાર કે અહંકાર પરવડે એમ નથી. મારું મારું કરે છે એ મરી જાય છે, પણ તારું તારું કરે છે એ તરી જાય છે.
શિવજીને ઝાઝા વસ્ત્રોનો વૈભવ પણ નથી ગમતો. નિરાભિમાની શિવજીને રીઝવવા કોઇ છપ્પન ભોગની જરૂર પડતી નથી. તેઓ માત્ર જળાભિષેકથી પણ રાજી થઇ જાય છે. જો તેમનો રાજીપો આ શ્રાવણ મહિનામાં વધારવો હોય તો જ્ળની સાથે આપણો ‘હુંકાર’ પણ તેમને અર્પણ કરી દઇએ.
અહમ્ને છોડ્યા વગર પરમની પ્રાપ્તિ નથી. શિવજીમાં અહમ્ નથી એટલે જ પરમદેવ કહેવાય છે. મહાદેવ કહેવાય છે. ચાલો આજે શિવજીના મહાદેવ સ્વરૂપને યાદ કરીને નમ્રતાપૂર્વક ઉચ્ચારીએ.
‘નમ: પાર્વતી પતયે હ..ર,હ..ર મહાદે…વ.’ ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.