કચ્છમાં શ્રાવણી સોનું વરસ્યું: નખત્રાણા, અબડાસા, લખપત અને ભુજમાં ઝાપટાં

દેશ વિદેશ

 

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં શ્રાવણ મહિનાના પ્રથમ ચરણમાંજ દુષ્કાળને દેશવટો અપાયો છે ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ કચ્છમાં રવિવારની રાત્રિથી મહાદેવના અભિષેક સમા ધીમીધારે શરૂ થયેલા વરસાદે કચ્છના ભુજ, નખત્રાણા, અબડાસા સહિતના મોટાભાગના મથકોએ ઝાપટાં વરસાવી હાજરી પૂરાવતાં વાતાવરણ આહ્લાદાયક બન્યું છે. ગોરંભાયેલા માહોલ વચ્ચે જિલ્લા મથક ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારની રાત્રિથી શ્રાવણી સરવડારૂપે ધીમીધારે ઝાપટાં સતત વરસી રહ્યાં છે, નખત્રાણા, લખપત, અબડાસા તાલુકામાં પણ ઝાપટાંરૂપે મેઘરાજાએ હાજરી પૂરાવી હતી. નખત્રાણા તાલુકાના રવાપરમાં વરસાદથી શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા.પંથકના નાગવીરી, નવાવાસ, વિગોડી, ઘડાણી, લીફરી પંથકમાં ઝરમરથી માર્ગો ભીના થયા હતા. હાજીપીર વિસ્તારમાં પણ વરસાદથી રસ્તા ભીના થયા હતા. મોડી સાંજે લખપત તાલુકાના દયાપર, ઘડુલી, ગુનેરી, વિરાણી સહિતના વિસ્તારોમાં જોશભેર વરસાદી હેલીથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. હવામાન વિભાગે આગામી બુધવાર સુધી જિલ્લાના અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે.
તહેવારોની મોસમ આવી ચુકી છે ત્યારે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં અછતના મેન્યુઅલ મુજબ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ જતાં, મેઘતૃષ્ણાનાં મુલક સમું કચ્છ આ વખતે દુષ્કાળના દૈત્યની નાગચૂડમાંથી મુક્ત બન્યું છે.ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.