Homeઆમચી મુંબઈશ્રદ્ધા મર્ડર મિસ્ટ્રી ઉકેલવા પોલીસની રઝળપાટ

શ્રદ્ધા મર્ડર મિસ્ટ્રી ઉકેલવા પોલીસની રઝળપાટ

મુંબઈ: દિલ્હીમાં લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની નિર્દયતાથી હત્યા કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આફતાબ પૂનાવાલા વિરુદ્ધ પોલીસને હજુ સુધી સબળ પુરાવા હાથ લાગ્યા નથી. આફતાબને કસૂરવાર ઠેરવી શકે એવા પુરાવા એકઠા કરવા માટે દિલ્હી પોલીસ કોઈ કસર છોડવા માગતી નથી. પોલીસ અનુસાર આફતાબે દિલ્હીમાં શ્રદ્ધાની હત્યા કરી, પરંતુ તેની હત્યાનું કાવતરું હિમાચલ પ્રદેશમાં ઘડાયું હતું. પરિણામે આ કેસમાં પોલીસ એક-બે નહીં, પાંચ રાજ્યમાં તપાસ કરી રહી છે.
દિલ્હીના મહરૌલી સ્થિત ભાડેના ફ્લૅટમાં શ્રદ્ધાની હત્યા કર્યા પછી તેના શરીરના ૩૫ ટુકડા કરવામાં આવ્યા હતા. આ ટુકડા મહરૌલીના જંગલમાં ફેંકવામાં આવ્યા હોવાનું કહેવાય છે. શરીરના અમુક ભાગ અને માથું મૈદાનગઢી તળાવમાં ફેંકવામાં આવ્યા હોવાનું પણ આફતાબે પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું.
પોલીસના દાવા મુજબ શરીરના ૧૩ ટુકડા મળી આવ્યા હતા. જોકે શ્રદ્ધાનું માથું અને શરીરના અન્ય ભાગો હજુ સુધી હાથ લાગ્યા નથી. એ સિવાય હત્યા બાદ શરીરના ટુકડા કરવા જે સાધનોનો ઉપયોગ કરાયો હતો તે પણ મળ્યાં નહોતાં. હજુ પણ પોલીસ જંગલથી તળાવ સુધી બધે ફાંફાં મારી રહી છે. આ કેસમાં સબળ પુરાવા એકઠા કરવા પોલીસ દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ સહિત પાંચ રાજ્યમાં તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે શ્રદ્ધાની હત્યાનું કાવતરું હિમાચલ પ્રદેશમાં ઘડાયું હતું અને અંજામ દિલ્હીમાં અપાયો હતો. આ કેસ સાથે સંકળાયેલા અમુક પુરાવા મુંબઈ નજીકના વસઈમાંથી હાથ લાગવાની પોલીસને આશા છે. આફતાબે શ્રદ્ધાનો મોબાઈલ ફોન ભાયંદરની ખાડીમાં ફેંક્યો હોવાનું કહેવાય છે. તેના ફોનની ખાડીમાં શોધ ચલાવાઈ રહી છે.
શ્રદ્ધા જ્યાં કામ કરતી હતી એ મુંબઈના કૉલ સેન્ટરના મૅનેજર તેમ જ વસઈમાં તેના મિત્રોનાં નિવેદન નોંધ્યાં હતાં. પોલીસની બીજી ટીમ ઉત્તરાખંડ અને કુલુના તોષ ગામમાં પણ તપાસ માટે ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular