શ્રદ્ધા વાલકર હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. આજે શુક્રવારે શ્રદ્ધાના પિતા વિકાસ વાલકર મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને ત્યાર બાદ મીડિયા સાથે વાત કરી હતી. શ્રદ્ધાના પિતએ કહ્યું કે શ્રદ્ધાના મૃત્યુથી અમારો પરિવાર દુખી છે. દિકરીની હત્યાના કારણે મારી માનસિક સ્થિતિ પણ ખરાબ થઇ ગઈ છે.
શ્રદ્ધાના પિતાએ કહ્યું કે, ‘દિલ્હી પોલીસે અમને આશ્વાસન આપ્યું છે કે અમને ન્યાય મળશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ અમને ન્યાયની ખાતરી આપી છે.’ તેમણે એવું પણ કહ્યું કે પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ તરફથી તેમને યોગ્ય મદદ મળી નથી, જેના માટે તેઓ દુઃખી પણ છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘મારી પુત્રીની નિર્દયતાથી હત્યા કરવા બદલ આફતાબ પૂનાવાલાને કડકમાં કડક સજા મળવી જોઈએ. મારી માંગ છે કે આ મામલાની યોગ્ય તપાસ થવી જોઈએ અને એની પણ તપાસ થવી જોઈએ કે આફતાબને આવું શિક્ષણ કોણે આપ્યું.’
વિકાસ વાલકરે પત્રકાર પરિષદમાં વસઈ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું, “મારી પુત્રીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. વસઈ પોલીસના કારણે મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, જો તેઓએ મને મદદ કરી હોત તો મારી પુત્રી જીવિત હોત.”