Homeરોજ બરોજશ્રદ્ધા હત્યાકાંડ: આફતાબને સજા આપવાથી આ વિકૃતિ અટકશે?

શ્રદ્ધા હત્યાકાંડ: આફતાબને સજા આપવાથી આ વિકૃતિ અટકશે?

રોજ બરોજ -અભિમન્યુ મોદી

મુંબઈના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મિત્રતા થઈ, દોસ્તી પછી પ્રેમ પાંગર્યો. પ્રેમ એટલો ગાઢ હતો કે જ્યારે પરિવારે વિરોધ કર્યો તો બંને ઘર છોડીને દિલ્હી આવી ગયાં, પરંતુ એક દિવસ ઝઘડો થયો અને યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારીને તેના શરીરના ૩૫ ટુકડા કરી નાખ્યા. આ કથા દૈનિક ટીવી ચેનલમાં ચલાવવામાં આવે છે/ દિલ્હીમાં બનેલ શ્રદ્ધા મર્ડર કેસથી દુનિયા સ્તબ્ધ છે. ઝઘડો માનવીને આટલી હદે ક્રૂર બનાવી શકે? ઝઘડો કઈ વાતનો હતો? લગ્ન કરવાનો! શ્રદ્ધાની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવાનો!, લિવ ઈનમાં રહેતી શ્રદ્ધાએ તેના બોયફ્રેન્ડ આફતાબને અનેકવાર નવા રેફ્રિજરેટરની ખરીદી કરવા કહ્યું હતું પણ જયારે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના અંગોને કણોમાં વિભાજિત કરી દીધા ત્યારે મારતે ઘોડે નવું નક્કોર રેફ્રિજરેટર લઈ આવ્યો. જેથી મૃતદેહની દુર્ગંધ બહાર ન પ્રસરે, દૈનિક શ્રદ્ધાના અંગોના ટુકડાને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકીને ઠેકાણે પાડતો રહ્યો. યુગાન્ડાના પૂર્વ રાષ્ટ્રપતિ ઈદી અમીનને પણ ક્રૂરતામાં ટક્કર આપે તેવો આફતાબ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ ત્યાં જ ભોજન આરોગવા બેસી ગયો! આ તો માતા-પિતાએ પુત્રીની શોધખોળ કરી એમાં સત્ય સામે આવ્યું નહિતર શ્રદ્ધાનું નામોનિશાન મટી ગયા બાદ પણ દુનિયા આ ક્રૂર હત્યાકાંડથી માહિતગાર થઈ જ ન હોત. આ નિર્મમ હત્યાકાંડની આવી અનેક ચોંકાવનારી હકીકતો છે. જે વાંચવા માત્રથી શરીરમાં કંપારી છૂટે અને મનમાં સવાલ ઊપજે કે આજનું યુવાધન આટલું ક્રૂર છે? જે વ્યક્તિએ તેની પડખું સેવ્યું તેના હૃદયના ટુકડા કરતા જીવ કેમ ચાલ્યો?
દેશનું દુર્ભાગ્ય છે કે આ પહેલી ઘટના નથી જયારે કોઈની હત્યા થઈ હોય અને તેના મૃતદેહને આટલો ક્રૂર અંજામ આપવામાં આવ્યો હોય. ૨૦૧૧માં દિલ્હીમાં જ એક પતિએ તેની પત્નીની આ જ પેટર્નથી હત્યા કરી હતી અને બાદમાં તેના અંગોને તેના ઘરમાં રહેતા શ્ર્વાનને આરોગવા માટે આપી દીધા હતા. શ્ર્વાન વફાદાર હતો માલિકણના ટુકડા પારખીને ભસવાનું શરૂ કરી દીધું, પતિ કંઈ સમજે ત્યાં પાડોશમાં જતો રહ્યો અને પાડોશીનું પાટલૂનને ખેંચીને તેમને ઘરમાં લઈ આવ્યો. પતિ ડરી ગયો. શ્ર્વાને દુર્ગંધની દિશામાં પ્રયાણ કર્યું ત્યારે બાથટબમાં માંસના ટુકડા પડ્યા હતા. જે-તે સમયે મીડિયાએ આ ઘટનાને કેન્દ્રમાં રાખીને સરકાર પર એવા આક્ષેપ કર્યા હતા કે ભારતમાં ન્યાયવ્યવસ્થા મજબૂત નથી. આવા ગંભીર ગુનાઓમાં જયારે કોઈની ધરપકડ થાય તો તેને સાબિત કરવામાં વર્ષોના વહાણા વીતી જાય અને હત્યારાને તેની અપરાધની ગંભીરતાથી કોઈ ફર્ક પણ પડતો નથી. તેના મનમાં કાયદાનો કોઈ ડર છે જ નહીં.
મીડિયાના આ મુદ્દા પર ઘણી ડિબેટ થઈ, પણ મીડિયા ડિબેટ તો બૌદ્ધિક વ્યાયામનો અખાડો બની ગઈ છે. પ્રેક્ષકો સોશિયલ મીડિયાથી દૂર થઈને તેમના ટીવી પર કઈ રીતે ધ્યાન કેન્દ્રિત કરે તેના પર જ ચેનલોના માંધાતાઓનું મગજ કાર્ય કરે છે. આવો કોઈ મુદ્દો બનાવો, એ બાદ ડિબેટના મહત્ત્વના દૃશ્યોને વાઇરલ કરો એટલે સોશિયલ મીડિયા ખુદ બૂસ્ટર ડોઝનું કામ કરશે. આ થિયરીમાં જ નૂપુર શર્માનો કિસ્સો ચગ્યો. તેના ચોક્કસ શબ્દોની કલીપ વાઇરલ થઈ અને નૂપુર ઇશનિંદાની આરોપી બની. આ વાતને ભૂલી જઇએ અને એવું વિચારીએ કે મીડિયાના કાયદાના કડક વલણને લાગુ કરવા અથાગ પ્રયત્નો કર્યા પણ પરિણામ શું આવ્યું? વધુ એક શ્રદ્ધા નિર્મમ હત્યાનો શિકાર બની.
દિલ્હી, કઠુઆ, ઉન્નાવ, હૈદરાબાદ અને હાથરસ, દેશની આ એવી ભૂમિ છે જ્યાં મહિલાઓ પર જઘન્ય હિંસા આચરવામાં આવે છે અને તેના આરોપીઓને દાખલારૂપ સજા આપવા કેન્ડલ માર્ચ નીકળે છે. કેવી કરુણતાની વાત છે કે નિર્ભયા કાંડ વખતે ખુદ શ્રદ્ધા પણ કેન્ડલ માર્ચમાં આફતાબ સાથે જોડાઈ હતી. એ તસવીર ફેસબુકમાં શ્રદ્ધાએ શેર કરી હતી પરંતુ તેને ક્યાં ખબર હતું કે તેનું ભાગ્ય પણ તેને કેન્ડલ માર્ચનું મહોરું બનાવી દેશે. ભારતમાં બની રહેલી આ ઘટનાઓ પર ચિંતા કરવાની નહીં પરંતુ ચિંતન કરવાની જરૂર છે. ભૂતકાળમાં બળાત્કાર અને યૌન હિંસાના બનાવો અને હાલના બનાવમાં હૈયું હચમચાવી દે તેવું પરિવર્તન આવ્યું છે. આજે તો બળાત્કાર આચાર્યા બાદ મહિલાને રહેંસી નાંખવામાં આવે છે. કુમળી બાળાઓ હજુ તો દુનિયાને તેની નાની આંખોથી નિહાળવાનું શરૂ કરે ત્યાં જ તેનું શિયળ અને શરીર બન્ને નાશવંત બની જાય છે. અને બળાત્કારી હત્યારાને કોઈ ફરક પડતો નથી.
ભારતની સર્વોચ્ચ અદાલતમાં આશરે પચાસ હજાર, વડી અદાલતોમાં પચાસ લાખ અને દેશની અન્ય અદાલતોમાં ત્રણ કરોડ કેસ ન્યાયની આશા રાખીને ઊભા છે. સ્ત્રીવિરોધી હિંસા આચરતા અપરાધીઓને જાણે કે કાયદાથી બચવાના તમામ પ્રયાસોની ખબર છે. પોલીસ તપાસ અને ન્યાયની અદાલતોમાં ત્વરિતતા અને તત્પરતાનો અભાવ છે. અદાલતોમાં વિલંબિત મામલાઓની સંખ્યા કરોડોની હોય, ન્યાયાધીશોના ઘણા પદ ખાલી હોય અને બળાત્કારના લાખો કેસ ન્યાયની રાહમાં અદાલતોમાં પડતર હોય તો મહિલાઓ પરની હિંસા અટકે ખરી ?
ભારતના ઇતિહાસમાં એક માત્ર એવી ઘટના બની જેનું ખુદ ન્યાયતંત્ર સાક્ષી બન્યું અને એ સમયે જનતાની અદાલતે ચુકાદો આપીને આરોપીને તેના કુકર્મોની કારમી સજા આપી હતી. વાત છે વર્ષ ૨૦૦૪ની, બળાત્કાર, ખંડણી, લૂંટફાટ અને હત્યાના ૨૪ કેસ વિરુદ્ધ ભારત કાલીચરણ ઉર્ફે અક્કુ યાદવની ધરપકડ થઈ હતી અને તેને મહારાષ્ટ્રના નાગપુરની જિલ્લા કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસકર્મીઓ ન્યાયાલયની અંદર જતા હતા. અચાનક ૨૦૦ જેટલી મહિલાઓ શાક સમારવાનાં ચાકુ અને મરચાં પાવડર લઈને ધસી આવી. અક્કુ કોર્ટરૂમમાં હાજર થયો પણ ટોળાંને નિહાળી ખંધુ હસ્યો અને ન્યાયાધીશની હાજરીમાં મહિલાઓનો દેહ અભડાવવાની ધમકી આપી પળવારમાં પોલીસકર્મીઓ ખસી ગયા. અક્કુ કોર્ટની મધ્યમાં હતો અને મહિલાઓ રણચંડી બનીને તેના પર તૂટી પડી કોઈએ ચાકુ માર્યું, કોઈએ આંખમાં મરચું ભભરાવ્યું, કોઈએ મુખ મોઢા પર પથ્થર માર્યા. અને એક સ્ત્રીએ તો તેના જનનાંગના ટુકડા કરી નાખ્યા. કોર્ટરૂમમાં ખેલાયેલો આ ખૂની ખેલ નિહાળીને હાજર સૌ અવાચક થઈ ગયા હતા. અક્કુની ખુલ્લી આંખો અને તેનો નિષ્પ્રાણ દેહ નિહાળીને આ મહિલાઓએ હર્ષનાદ કર્યો હતો. આ જુગુપ્સાપ્રેરક દૃશ્ય જેણે નિહાળ્યું તે દરેક વ્યક્તિ હત્યાકાંડના સાક્ષી બન્યા હતા.
અક્કુ પિશાચને પણ શરમાવે એટલો ક્રૂર હતો. નાગપુરના કસ્તુરબા નગર વિસ્તારમાં નાની બાળકીથી લઈને વ્યસ્ક મહિલા સુધીની એક પણ સ્ત્રી એવી ન હતી જે અક્કુનો શિકાર ન બની હોય. તેની જેટલી ગતિએ ધરપકડ થાય તેની બમણી ગતિએ અક્કુ મુક્ત થઈ જાય અને બહાર નીકળી ફરી નવો શિકાર કરે, જે મહિલાઓએ તેની હત્યા કરી તેમને નાગપુરની જનતાએ જાણે દૈત્ય વધ કર્યો હોય તેમ વધાવી હતી. કેસમાં મહિલાઓએ સ્વયં તેનો અપરાધ સ્વીકાર્યો હતો. જયારે તેઓ કોર્ટ સમક્ષ રજૂ થાય ત્યારે ૧૩૦ જેટલા ધારાશાસ્ત્રીઓ તેમને મુક્ત કરવાની તરફેણમાં હતા. મહિલા આયોગ તેમની સાથે હતું. કાયદાની દૃષ્ટિએ મહિલાઓએ હત્યા કરી હતી પણ મહિલાઓના મતે એ જ ન્યાય હતો. જે ન્યાયતંત્ર અક્કુને અટકાવી શકવા અસમર્થ હતું. એ જ ન્યાયતંત્ર હવે પિશાચીવૃત્તિ ધરાવતા બળાત્કારીના મોતનું ઘટનાસ્થળ બન્યું હતું. નાગપુર સેન્ટ્રલ જેલમાં ૧૦ વર્ષ સુધી સુનાવણી ચાલી, એક દાયકા સુધી મહિલાઓની તરફેણમાં અનેક રજૂઆતો થઈ અંતે ૨૦૧૪માં જિલ્લા કોર્ટે પુરાવાના અભાવે તમામ સ્ત્રીઓને નિર્દોષ છોડી મૂકી. આ ઘટના દેશ માટે દાખલારૂપ છે, છતાં બળાત્કાર અટક્યા?
માત્ર કાયદાની રચના કરવાથી તેનો અમલ નથી થતો કાયદાના કડક વલણને પણ પ્રજાના માનસ ઠસાવવું પડે. શ્રદ્ધા હત્યાકાંડમાં જેલમાં બંધ આફતાબને સજા મળવાની વાતથી સહેજ પણ ફેર નથી પડતો. તેના ચહેરા પર ડર કે દુ:ખની એક રેખા પણ ઉપજી નથી. હત્યા-બળાત્કાર જેવી વિકૃતિઓ કાયદાના શસ્ત્રથી અટકાવી ન શકાય. એ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. સામાજિક જાગૃતિ વગર, એકલા હાથે કાનૂન કશું કરી નહીં શકે. બળાત્કારના અપરાધ બદલ મોતની સજા કરવાથી એક આરોપીનો ન્યાય તો તોળાય છે, પણ એ ભવિષ્યના આરોપીઓને બળાત્કાર કરતાં રોકે છે? અહીં સવાલ થાય કે જ્યાં સુધી નાગરિકો કાયદા પ્રત્યે ગંભીર નહીં બને ત્યાં સુધી શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના બન્યા જ કરશે!

RELATED ARTICLES

Most Popular