આગામી ત્રણ દિવસ મુશળધાર વરસાદની આગાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની સવાર વરસાદી માહોલ સાથે થઈ હતી. મુંબઈના અનેક વિસ્તારમાં ગુરુવારે સવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યાં બાદ મોડી રાતે પણ મુંબઈના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડ્યા હતા. મુંબઈના પડોશી શહેર થાણેમાં ઝરમર વરસાદ પડ્યો હતો.
છેલ્લા ૧૦ દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે. જોકે બંને વખતે મુંબઈ અને થાણેમાં હળવો વરરસાદ હોવાથી તે નોંધાયો નહોતો. રાજ્યમાં પણ અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હોઈ ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના અહેવાલ છે.
બરોબર ઉનાળાની મોસમમાં મુંબઈ સહિત રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં અનેક જગ્યાએ માવઠું પડતાં ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન હવામાન ખાતાએ રાજ્યભરમાં મુશળધાર વરસાદ અને માવઠાની આગાહી કરી છે, જેમાં આગામી બેથી ત્રણ દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે.
બે-ત્રણ દિવસથી જ મુંબઈમાં વાદળિયું વાતાવરણ રહ્યું છે. આ દરમિયાન મુંબઈમાં પણ ગુરુવારે વહેલી સવારે અનેક જગ્યાએ વરસાદનાં ઝાપટાં પડી ગયાં હતાં. આ મહિને પહેલી વખત સાત માર્ચના અને બાદમાં ૧૪ માર્ચના વરસાદ નોંધાયો હતો. તો ગુરુવારે પશ્ચિમ ઉપનગરના બાંદ્રા, મલાડ, મુલુંડ, બોરીવલીના વિસ્તારમાં અત્યંત હળવો વરસાદ પડયો હતો, જોકે બાદમાં તે થંભી ગયો હતો. જોકે મોટાભાગના વિસ્તારમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
મુંબઈમાં પડી રહેલા કમોસમી વરસાદનું કારણ સમજાવતા ભારતીય હવામાન ખાતાએ કહ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર થોડું હળવું થયું છે, જેના કારણે અરબી સમુદ્રમાંથી મોટા પ્રમાણમાં ભેજ આવ્યો છે. જ્યારે બંગાળની ખાડીમાં દક્ષિણપૂર્વના નીચલા સ્તર પર થઈ રહેલી ગતિવિધિે કારણે મહારાષ્ટ્રના અનેક સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદનો નોંધાયો હતો.
વરસાદી વાતાવરણમાં એકમાત્ર રાહત હતી કે દિવસનું તાપમાન જે લગભગ ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું હતું તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર પાંચ દિવસ પહેલા ૧૨ માર્ચના રોજ મુંબઈનું સિઝનનું હાઈએસ્ટ નહીં પણ દેશમાં પણ હાઈએસ્ટ ૩૯.૪ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
જોકે હવામાન ખાતાના કહેવા મુજબ ગુરુવારે તાપમાન ઘટીને ૩૪ ડિગ્રી થયું હતું. જે હજી પણ સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું. આ દરમિયાન કોલાબામાં ૩૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા એક ડિગ્રી વધુ હતું. દિવસ દરમિયાન કોલાબામાં ૭૬ અને સાંતાક્રુઝમાં ૭૪ ટકા ભેજ નોંધાયો હતો.
મુંબઈ સહિત રાજ્યમાં વરસાદનાં ઝાપટાં
RELATED ARTICLES