(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલિકાના કોન્ટ્રાક્ટરની કાર પર ગોળીબાર કરી બે હુમલાખોર ફરાર થઈ ગયા હોવાની ઘટના કુર્લા પશ્ર્ચિમમાં બની હતી. મ્હાડાના કામના ટેન્ડર પાછા ખેંચવાના વિવાદ પરથી આ હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ સોમવારે રાતે કોન્ટ્રાક્ટર સૂરજપ્રતાપ સિંહ દેવડા (૩૪)ની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં દેવડા અને કારમાં હાજર તેનો મિત્ર પંકજ બચી ગયા હતા. આ પ્રકરણે કુર્લા પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.
દહિસર પૂર્વમાં રહેતા દેવડાની કંપની પાસે મોટા પ્રમાણમાં પાલિકા અને મ્હાડાનાં કામ સંબંધિત કોન્ટ્રાક્ટ હોય છે. મળતી માહિતી અનુસાર તાજેતરમાં મ્હાડા દ્વારા વિવિધ કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. દેવડાની કંપનીએ પણ ટેન્ડર ભર્યાં હતાં અને ડિપોઝિટની રકમ સુધ્ધાં ભરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર સોમવારે દેવડા તેના મિત્ર પંકજ સાથે કુર્લા પશ્ર્ચિમમાં મહાપાલિકાના એલ વૉર્ડની ઑફિસમાં આવ્યા હતા. કામ પત્યા પછી બન્ને જણ રાતે આઠ વાગ્યાની આસપાસ દહિસર જવા કારમાં નીકળ્યા હતા. કાર કુર્લા-સાંતાક્રુઝ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કાપડિયા નગર ખાતે બાઈકસવાર બે હુમલાખોરે તેની કારને આંતરી હતી.
એક હુમલાખોરે રિવોલ્વરમાંથી એક રાઉન્ડ દેવડાની કાર તરફ ફાયર કર્યું હતું. ગોળી કારના કાચમાં વાગી હતી. ડરી ગયેલા દેવડાએ તેની કાર પૂરપાટ દોડાવી મૂકી હતી. થોડે અંતર સુધી હુમલાખોરોએ તેમનો પીછો પણ કર્યો હતો. વાકોલા પોલીસ સ્ટેશને પહોંચી દેવડાએ ગોળીબારની માહિતી આપી હતી. આ મામલે કુર્લા પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે મ્હાડાનાં ટેન્ડર પાછાં ખેંચવા માટે દેવડાને ફોન પર ધમકી આપવામાં આવી હતી. ટેન્ડર પાછાં ખેંચવાના બદલામાં અમુક રકમ આપવાની તૈયારી પણ ધમકી આપનારાએ દાખવી હતી.