અમેરિકન ગનકલ્ચરે ફરી નિર્દોષોના જીવ લીધા છે. અમેરિકાના ઉટાહ રાજ્યમાં ગોળીબારમાં આઠ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા આઠ લોકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. 8,000ની વસ્તી ધરાવતા ટાઉનમાં આ ઘટના ઘટી છે.
સોલ્ટ લેક સિટીથી લગભગ 250 માઇલ દક્ષિણપશ્ચિમ ભાગમાં આવેલા એક ટાઉનના એક ઘરમાં ઓફિસર “વેલ્ફેર ચેક” માટે ગયા ત્યારે તેમને આ ઘટના અંગે જાણ થઇ હતી. ગોળીબાર કોણે કોણે અને શા માટે કર્યો એ અંગે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.
અમેરિકામાં નવા વર્ષ (2023)ના પ્રથમ ત્રણ દિવસમાં ગોળીબારની ઘટનાઓમાં 130 થી વધુ લોકો માર્યા ગયા છે અને 300 થી વધુ ઘાયલ થયા છે. એનજીઓ ‘ગન વાયોલન્સ આર્કાઇવ’ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં આ વાત સામે આવી છે. આંકડાઓ અનુસાર વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ગોળીબારમાં 131 લોકો માર્યા ગયા છે અને 313 લોકો ઘાયલ થયા છે.
ક્રિસમસ પહેલા પણ અમેરિકાના બ્લૂમિંગ્ટન શહેરના મોલમાં ગોળીબારની ઘટના બની હતી. બ્લૂમિંગ્ટનના નોર્ડસ્ટ્રોમ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર ગોળીબાર થયો હતો.