ડોંબિવલીઃ ગયા અઠવાડિયે જ ભિવંડી પોલીસ દ્વારા ખાલી પાણીની બોટલ અને વેફર્સના પેકેટ પરથી ચોરીનો કેસ ઉકેલવામાં આવ્યો હતો અને હવે આવી જ એક બીજી ઘટના ડોંબિવલીમાં જોવા મળી હતી જેમાં પોલીસે ચંપલ પરથી આરોપીની ધરપકડ કરી હતી.
આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરવાની થાય તો 12મી જાન્યુઆરીને પ્રિયા સક્સેના નામની મહિલા પોતાના એક સંબંધીને ત્યાં કાર્યક્રમમાં હાજરી આપવા નવી મુંબઈના કોમોઠે ગઈ હતી. કાર્યક્રમમાં જ પ્રિયાની પર્સમાંથી તેના ઘરની અને તિજોરીને ચાવી લઈને આરોપીએ બે કલાકની અંદર ચોરી કરી હતી. દરમિયાન પર્સમાંથી ઘરની ચાવી અને લોકરની ચાવી ગુમ હોવાનું ધ્યાનમાં આવતા પ્રિયા ઘરે આવી હતી. ઘરે આવીને જોતાં તેને ઘરમાં રહેલાં દાગિના ચોરાઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જ કોઈએ ચાવી લઈને આ ચોરી કરી હોવાની શંકાને આધારે તેણે માનપાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
માનપાડા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા. આ જ ફૂટેજમાં એક મહિલા શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. પ્રિયાને આ ફૂટેજ દેખાડવામાં આવતા તેણે મહિલાની ચંપલ પરથી જ તે પોતાની માસિયાઈ બહેન સિમરન પાટીલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે સિમરને તાબામાં લઈને પુછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો અને પોલીસે તેની પાસેથી ચોરાયેલું ચાલીસ તોલા સોનું પાછું મેળવ્યું હતું.
સિમરને પહેલાં પર્સમાંથી ચાવી ચોરી હતી અને ત્યાર બાદ તે નવી મુંબઈથી ખોની પલાવા ખાતે આવી હતી. ચાવીની મદદથી તેણે ઘર ખોલીને દાગિના ચોર્યા હતા. ત્યાર બાદ તે ચાવી પાછી મૂકવા માટે કામોઠે ખાતેના કાર્યક્રમમાં આવી હતી પણ કોઈ કારણસર તે ચાવી પાછી મૂકી શકી નહીં. થોડાક દિવસ પહેલાં સિમરન પ્રિયાના ઘરે રોકાવા આવી હતી અને ત્યારે જ તેણે ઘરની રેકી કરી હતી.
ચંપલ પરથી ચાલીસ તોલાની ચોરીનો કેસ ઉકેલ્યો પોલીસે….
RELATED ARTICLES