મુંબઈઃ કોરોના મહામારી પછી લોકોના આરોગ્ય સંબંધિત જીવનશૈલી પર અસર થઈ છે. સામાન્ય રોગથી લઈને મોટી મોટી બીમારીની સાથે સાથે લોકોમાં હૃદયરોગ સંબંધિત બીમારીનું પ્રમાણ વધ્યું તો છે તેની સાથે સાથે તેનાથી મૃત્યુ પામનારું પ્રમાણ વધ્યું છે. એના સંબંધમાં તાજેતરમાં એક ચોંકાવનારા સમાચાર સામે આરટીઆઈ મારફત મળ્યા હતા. મુંબઈમાં રોજ 26 જેટલા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે, જ્યારે તેની સાથે રોજ 25 લોકો કેન્સરથી મૃત્યુ પામતા હોવાનું જાણવા મળ્યા હતા.
વીતેલા વર્ષ 2022માં મુંબઈમાં કેટલા લોકો કયા રોગથી મૃત્યુ પામ્યા એના સંબંધમાં મુંબઈના જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ ચેતન કોઠરી દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી. એના સંબંધમાં મુંબઈ પાલિકા દ્વારા ચોંકાવનારી માહિતી આપી હતી. અગાઉ કોવિડને કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ 2022માં સંખ્યામાં ઘટાડો થયો છે. બીજી બાજુ હાર્ટ એટેકના કારણે દરરોજ 26 મુંબઈગરાએ જીવ ગુમાવ્યા હોવાની આંચકાજનક માહિતી મળી હતી. આ મુદ્દે વિગતવાર આરટીઆઈમાં જણાવાયું હતું કે મુંબઈમાં વીતેલા વર્ષ દરમિયાન એટલે 2022માં હાર્ટ એટેકથી 9,470, કેન્સરથી 9,146, ટીબીથી 3,281 અને કિડની સંબંધિત અન્ય બીમારીથી 1,591 જણના મોત થયા હતા. ગયા વર્ષે કોરોનાનું સંક્રમણ ઘટવાથી 1,891 જણના મોત થયા હતા, પરંતુ વર્ષ 2020માં મુંબઈમાં કોવિડને કારણે 11,105 લોકોના મોત થયા હતા.
મુંબઈમાં મોટા ભાગના મૃત્યુ ટીબી એટલે કે હાર્ટ એટેક જેવા ટ્યુબરક્યુલોસિસના કારણે થયા હતા. 2022માં ક્ષય રોગથી પ્રભાવિત 3,281 દર્દીના મોત થયા હતા, જ્યારે 2018માં તેની સંખ્યા 4,940 હતી. આ સંબંધમાં આ મુદ્દે મુંબઈ પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીએ માથું ઉચક્યું છે, પરંતુ એકાએક કોઈ નક્કર તારણ આવી શકાય નહીં.
આ મુદ્દે મુંબઈ સ્થિત જાણીતી હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યું હતું કે નાની ઉંમરમાં હાર્ટ એટેક પણ ચિંતાનો વિષય છે. વૈશ્વિક સ્તરે, હૃદયરોગના હુમલાથી મૃત્યુદરમાં વધારો થયો છે. હાર્ટ એટેકનું પ્રમાણ યુવાનોમાં સૌથી વધુ છે. તેણે એમ પણ કહ્યું કે ઓછું ચાલવું, હેલ્ધી ફૂડ ન ખાવું, ઈચ્છો ત્યારે ફૂડ ઓર્ડર આપવો, ઘર છોડવું કે એસી વાહનોમાં મુસાફરી કરવી અને બદલાયેલી જીવનશૈલી જેવાં ઘણાં કારણો જવાબદાર છે.