મુંબઈના કેટલાક બાર અને રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટર બનાવવામાં કબૂતરનું માંસ વપરાતું હોવાની ફરિયાદ લશ્કરના એક નિવૃત્ત અધિકારીએ કરતા ભારે બબાલ મચી જવા પામી છે અને પોલીસે તેમની ફરિયાદ નોંધી આ પ્રકરણની વધુ તપાસ આદરી છે.
નોંધનીય છે કે કબૂતરનો સમાવેશ વન્યજીવન કાયદા હેઠળ સંરક્ષિત પક્ષીમાં થાય છે તેથી રેસ્ટોરન્ટ અને બારમાં ખાદ્ય પદાર્થ તરીકે જો કબૂતરનો વપરાશ કરવામાં આવતો હોય તો તે અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે એમ લશ્કરના આ નિવૃત અધિકારીએ જણાવ્યું હતું. તેમની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે આ પ્રકરણને તપાસ શરૂ કરી છે.
લશ્કરના નિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ જે બિલ્ડિંગમાં રહે છે તેની આગાસી ઉપર કબૂતરનો અવાજ સાંભળવા મળતો હતો. તેઓએ ત્યાં જઈને તપાસ કરી તો અગાસીના દરવાજા પર તાળું હતું. વધુ તપાસ કરતા તેમને અહીં ઘણા પિંજરાઓમાં કબૂતરને કેદ કરેલા જોવા મળ્યા હતા. તેમણે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને જણાવ્યું હતું કે આ કબુતરોનો ઉપયોગ હોટલમાં સ્ટાર્ટર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે.