દાહોદમાં સરકારી તંત્રની બેદરકારીને કારણે માસુમ વિધાર્થીનીનો જીવ ગયો હોવાના આઘાતજનક સમાચાર મળી રહ્યા છે. દાહોદ શહેર નજીક આવેલા રામપુરા ગામની પ્રાથમિક શાળાનો લોખંડનો દરવાજો 8 વર્ષની વિદ્યાર્થીની પર પડતા મોત નિપજ્યું છે. ગત 20 તારીખે દરવાજો પડતા ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન આજે બાળકીનું મોત નિપજ્યું છે. બેદરકારી બદલ આચાર્યને સસ્પેન્ડ કરાયા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદના રામપુરા ગામના નરેશભાઇ મોહનીયાની 8 વર્ષિય પુત્રી અસ્મિતા દરરોજની જેમ ગત 20મી તારીખે પણ શાળાએ ભણવા ગઈ હતી. સાંજના 4.30 વાગ્યાના અરસામાં શાળાએથી ઘરે જતી વખતે અસ્મિતા શાળાના મુખ્ય દરવાજા પાસે ઉભી હતી. તે સમયે લોખંડનો બનેલો શાળાનો મુખ્ય દરવાજો તેના પર પડતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી.
અસ્મિતાને માથામાં ભાગે ગંભીર ઇજા થઇ હતી. ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘટના પગલે શિક્ષણ વિભાગના અધિકારીઓ હોસ્પીટલે દોડી ગયા હતાં. ગંભીર પ્રકારની ઇજા થઇ હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
ઘટનાને પગલે ગામમાં રોષ જોવા મળી રહ્યો છે. તાલુકા પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બેદરકારી બદલ આચાર્યને સસ્પેન્ડ કરાયા છે.
આઘાતજનક: દાહોદમાં શાળાનો દરવાજો પડતાં બાળકીનું મોત, આચાર્ય સસ્પેન્ડ
RELATED ARTICLES