Homeઆમચી મુંબઈદક્ષિણ મુંબઈના વીજગ્રાહકોને બેસ્ટ ઉપક્રમનો ઝટકો

દક્ષિણ મુંબઈના વીજગ્રાહકોને બેસ્ટ ઉપક્રમનો ઝટકો

(અમારા પ્રતિનિધિ તરફથી)

બે મહિનાની સિક્યોરિટી ડિપોઝિટ ભરવાનો આદેશ કૉંગ્રેસની આંદોલનની ચીમકી

મુંબઈ: કોરોના મહામારીથી મુંબઈગરા માંડ બેઠા થયા છે ત્યારે બેસ્ટ ઉપક્રમે વીજગ્રાહકોને મહિનાના માસિક બિલની સાથે વધારાની સિક્યોરિટી ડિપોઝિટ ભરવાનો પત્ર મોકલીને જોરદાર આંચકો આપ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકા અંતર્ગત આવતા બેસ્ટ ઉપક્રમના વિદ્યુત વિભાગના આ પત્રને કારણે નારાજગી વ્યાપી ગઈ છે. બેસ્ટ પ્રશાસનના આ નિર્ણયનો કૉંગ્રેસે જોરદાર વિરોધ કર્યો છે અને આ નિર્ણયને તાત્કાલિક રદ નહીં કર્યો તો આંદોલન કરવામાં આવશે એવી ચીમકી કૉંગ્રેસે આપી છે.
પાલિકાના કોંગ્રેસના ભૂતપૂર્વ વિરોધી પક્ષ નેતા રવિ રાજાએ કહ્યું હતું કે બેસ્ટ ઉપક્રમના ૧૦ લાખ વીજગ્રાહકોને બે મહિનાના માસિક બિલની વધારાની અનામત રકમ ભરવાનો પત્ર મોકલવામાં આવ્યો છે. સિક્યોરિટી ડિપોઝિટ એ માત્ર નવા વીજળીના જોડાણ દરમિયાન લેવામાં આવે છે.
આ પત્રને કારણે ગ્રાહકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. બેસ્ટ પ્રશાસનના આ નિર્ણયથી ૧૦ લાખ ગ્રાહકોને અન્યાય થશે એવા દાવા સાથે કૉંગ્રેસ આક્રમક થઈ ગઈ છે.
બેસ્ટ ઉપક્રમે ૨૦૧૨-૧૩માં લગભગ બે હજાર કરોડ રૂપિયાનું ટ્રાન્સપોર્ટ ડિવિઝન લોસ રેવેન્યુ (ટીડીએલઆર) ગ્રાહકો પાસેથી વસૂલ્યો હતો. આ પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં પ્રલંબિત છે ત્યારે બેસ્ટ પોતાના ગ્રાહકો પર વધારાની સિક્યોરિટી ડિપોઝિટની રકમનો ભાર નાખી દીધો હોવાનો આરોપ રવિ રાજાએ કર્યો છે.
કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આર્થિક સમસ્યાનો સામનો કરનારા અનેક લોકો હજી સુધી તેમાંથી બહાર આવ્યા નથી. તેથી સિક્યોરિટી ડિપોઝિટની રકમનો વધારાનો ભાર ગ્રાહકો પર નાખવો અન્યાય કહેવાશે એવો આરોપ પણ કૉંગ્રેસે કર્યો હતો. મુંબઈમાં બેસ્ટ સિવાય અન્ય ખાનગી કંપનીઓ પણ વીજપુરવઠો કરે છે, એ લોકોએ તો એવો સર્ક્યુલર બહાર પાડ્યો નથી ત્યારે બેસ્ટે પણ આ નિર્ણય તાત્કાલિક રદ કરવો અન્યથા રસ્તા પર ઊતરવાની ફરજ પડશે એવું પણ કૉંગ્રેસે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular