Homeઆમચી મુંબઈ‘શિવસેના’ નામ અને ‘ધનુષ્યબાણ’ ચિહન વિવાદમાં હાઈ કોર્ટનો સવાલ

‘શિવસેના’ નામ અને ‘ધનુષ્યબાણ’ ચિહન વિવાદમાં હાઈ કોર્ટનો સવાલ

ચૂંટણી પંચ અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી રાહ કેમ ન જોવી?

મુંબઈ: શિવસેનાના નામ અને ચૂંટણી ચિહન ધનુષ્યબાણને ફ્રીઝ કરવાના ચૂંટણી પંચના વચગાળાના આદેશ સામે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અરજી પર સુનાવણી કરતાં દિલ્હી હાઈ કોર્ટે સોમવારે પૂછ્યું હતું કે પક્ષ વચ્ચેના વિવાદ પર ચૂંટણી પંચના અંતિમ નિર્ણયની રાહ કેમ ન જોવી જોઇએ.

૮મી ઓક્ટોબરે ચૂંટણી પંચે શિવસેના નામ અને ધનુષ્યબાણ એ પક્ષનું ચિહન ફ્રીઝ કર્યું એ અંગે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે દિલ્હી હાઈ કોર્ટમાં ચૂંટણી પંચનો નિર્ણય ગેરકાયદે હોવાનો દાવો કર્યો છે. આ નિર્ણયને કારણે પક્ષનાં રાજકીય કામો ખોટકાયાં છે, એવું ઠાકરેએ પોતાની બાજુ રાખતાં કહ્યું હતું.

ન્યાયાધીશ સંજીવ નરુલાની ખંડપીઠ સમક્ષ ઠાકરે દ્વારા આ અરજી કરવામાં આવી હતી. ૮મી ઓક્ટોબરે ચૂંટણી પંચે ઠાકરે જૂથ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથને પણ ‘શિવસેના’ નામ અને ‘ધનુષ્યબાણ’ ચિહન વાપરી નહીં શકે, એવો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. બંને જૂથમાં પક્ષના હકને કારણે ચાલી રહેલા વિવાદની પાર્શ્ર્વભૂમિ પર આ નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નિર્દેશ બાદ ઠાકરે જૂથને ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ નામ જ્યારે શિંદે જૂથને ‘બાળાસાહેબની શિવસેના’ નામ આપવામાં આવ્યું હતું. કોર્ટે અવલોકન કરતાં કહ્યું હતું કે કોર્ટ નામ અને પ્રતીકની ફાળવણીના મુદ્દા પર સમયબદ્ધ રીતે નિર્ણય લેવા કહેશે અને બંને પક્ષો ચૂંટણી પેનલ સમક્ષ તેની દલીલો મૂકી શકે છે.

અંધેરી પૂર્વ મતદારસંઘની પેટાચૂંટણીની પાર્શ્ર્વભૂમિ પર ઠાકરે જૂથે ચૂંટણી પંચે મંજૂર કરેલી ધગધગતી મશાલ ચિહન પર ચૂંટણી લડી હતી. ઋતુજા લટકે આ ચિહન સાથે ચૂંટણી લડી હતી અને વિજયી થયાં હતાં. જોકે ચૂંટણી પંચના આદેશને કારણે ઠાકરે અને તેમના રાજકીય પક્ષ પર ગંભીર પરિણામ થઇ રહ્યું હોવાનો દાવો ઠાકરેના વકીલે કર્યો હતો. ઠાકરે વતી બાજુ મૂકતા તેમના વકીલ કહ્યું હતું કે ચૂંટણી ચિહન (આરક્ષણ અને ફાળવણી) નિર્દેશ અનુસાર જરૂરી પરિણામની ખાતરી કર્યા સિવાય ભારતીય ચૂંટણી પંચ આદેશ બહાર પાડી ન શકે, એવી દલીલ કરવામાં આવી હતી.

‘હું પક્ષનો અધ્યક્ષ છું અને છેલ્લા ૩૦ વર્ષથી હું આ પક્ષ ચલાવી રહ્યો છું. ચૂંટણી પંચને પ્રથમદર્શી જે દેખાયું તેના આધારે ચુકાદો આપ્યો છે. આને કારણે ચૂંટણી ચિહનને સ્થિર કરી શકાય નહીં. હું આજે મારા પિતાએ આપેલાં નામ અને ચિહન વાપરી નથી શકતો, એવા શબ્દોમાં ઠાકરેએ કોર્ટને જણાવ્યું હતું. તેમ જ પંચે આપેલો નિર્દેશ ગેરકાયદે હોવાનો દાવો કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular