અહમ્ થી સોહમ્ સુધી, શિવોહમ્ શિવોહમ્!

સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી

– મુકેશ પંડ્યા

ચાતુર્માસના દિવસો ચાલી રહ્યા છે અને એમાંય હવે સૌથી પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનાની વિશેષતા એ છે કે આ સમયમાં માણસને બહાર ની દુનિયા છોડી અંદર તરફ વળવાની તક પ્રાપ્ત થાય છે. વર્ષમાં એક વાર મળતી આ તક દરેક માણસે ઝડપી લેવી જોઈએ. આ આખો મહિનો ભગવાન ભોલેનાથ શ્રી શિવને અર્પણ કરવામાં આવ્યો છે તે પણ સર્વથા ઉચિત છે. સૃષ્ટિની રચના અને પાલન પોષણ ભલે અનુક્રમે બ્રહ્મા અને વિષ્ણુએ કરી હોય પરંતુ બ્રહ્મા ને વિષ્ણુની ઉત્પતિ અને પાલનપોષણ ખુદ ભગવાન શંકર કરી રહ્યા છે. દરેક દેવો માટે દિવસ ભલે ફાળવાયો હોય પરંતુ ભગવાન શંકર માટે તો પૂરો શ્રાવણ મહિનો ફાળવવામાં આવ્યો છે. એટલે જ તો તેઓ દેવોના દેવ મહાદેવ કહેવાય છે. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણકારી એવો થાય છે. તેઓ અનાદિકાળથી સૃષ્ટિના કલ્યાણ અર્થે જ કામ કરી રહ્યા છે. અનંત શક્તિવાન હોવા છતાં અર્થાત શક્તિપતિ હોવા છતાં અહંકારનો છાંટો તેમનામાં જોવા ન મળે. સૃષ્ટિના સ્વામી હોવા છતાં સાધુ જેવુંજીવન જીવતા હોય તો એ છે ભોળાનાથ શિવજી.અમૃતને છોડીને જગત કલ્યાણ માટે વિષને વ્હાલું કરનાર કોઈ હોય તો એ છે આપણા પ્રિય નિલકંઠ મહાદેવ.

આપણે લેખની શરૂઆતમાં જે બાહ્ય સૃષ્ટિને છોડી અંતરાત્મા તરફ વળવાની વાત કરી તે આપણને ભગવાન શિવ પાસેથી શીખવા મળે છે.તેમની પ્રશંસા કરવા માટે શ્રી શંકરાચાર્ય દ્વારા રચાયેલ નિમ્નલિખિત ‘નિર્વાણ ષટકમ’ આપણને એ બોધ આપે છે કે શરીરની પાંચ ઇન્દ્રિયોથી લઈ સૃષ્ટિના પાંચ મહાભૂત બધા જ નશ્ર્વર (માયા) છે. ફક્ત આનંદમય આત્મા જ ઈશ્ર્વર (સત્ય) છે. નિર્વાણ ષટકમ એટલે છ શ્ર્લોકનો બનેલો માયાથી સત્ય તરફ લઇ જતો નિર્વાણ મંત્ર.

આવો આ મંત્રનું પઠન કરીએ અને તેનો અર્થ જાણીને જીવનમાં ઉતારીએ.

પરમ તત્વ શિવની ઉપાસના કરવા માટે ઘણા મંત્રો છે…એમાં ઓમ નમ: શિવાય તો અલ્ટિમેટ છે…પણ એ ઉપરાંત કોઈ સાઉન્ડ ફ્રિકવન્સી અને વાઈબ્રેશનની દ્રષ્ટિએ પાવરફુલ હોય તો એ છે ‘નિર્વાણ ષટકમ’.૧૨ વર્ષની વયે આદિ શંકરાચાર્ય પોતાના ગુરુ પાસે જાય છે અને ગુરુ પૂછે છે કે તું કોણ છે….? ત્યારે ૧૨ વર્ષના આદિ શંકરાચાર્ય આ જવાબ આપે છે જે જાણવા જેવો છે,માણવા જેવો છે અને અમલમાં મૂકવા જેવો છે.

મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહં, નચ શ્રોત્ર જિવ્હે, નચ ઘ્રાણ નેત્રે
નચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ, ચિદાનંદરૂપ: શિવોહમ્ શિવોહમ્! (૧)

નચ પ્રાણ સંજ્ઞો ન વૈ પંચ વાયુ: ન વા સપ્ત ધાતુ: નવા પંચ કોશ:
ન વાક્યાણિપાદૌ ન ચ ઉપસ્થ પાયુ: ચિદાનંદરૂપ: શિવોહમ્ શિવોહમ્ (૨)

નમે દ્વૈષરાગૌ નમે લોભ મોહી, મદો નૈવ મે નૈવ માત્સર્યભાવ:
ન ધર્મો નચાર્થો ન કામો ન મોક્ષ: ચિદાનંદરૂપ: શિવોહમ્ શિવોહમ્! (૩)

ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુ:ખં, ન મંત્રો ન તીર્થો ન વેદો ન યજ્ઞ,
અહમ્ ભોજનં નૈવ ભોજન ન ભોક્તા,ચિદાનંદરૂપ: શિવોહમ્ શિવોહમ્! (૪)

નમે મૃત્યુશંકા નમે જાતિ ભેદ:, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ,
ન બંધુ: ન મિત્રં ગુરુ: નૈવ શિષ્યં,ચિદાનંદરૂપ: શિવોહમ્ શિવોહમ્! (૫)

અહમ્ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ,
સદા મે સમત્વં ન મુક્તિ: ન બંધ:,ચિદાનંદરૂપ: શિવોહમ્ શિવોહમ્! (૬)

અર્થાત્

હું મન , બુદ્ધિ, અહંકાર અને સ્મૃતિ નથી,
હું કાન, જીભ, નાક અને આંખ નથી.
હું આકાશ, ભૂમિ,પ્રકાશ અને વાયુ નથી
હું આનંદરૂપી આત્મા શિવ છું શિવ છું (૧)

હું પ્રાણ’ ઉદ્યાન, અપાન, વ્યાન કે સમાન વાયુ નથી
હું ત્વચા, માંસ, મેદ, રક્ત, પેથી, અસ્થિ કે મજ્જા નથી હું પાંચ પ્રકારના કોષ પણ નથી
હું વાણી કે હાથ, પગ તેમજ અન્ય કર્મેન્દ્રિય પણ નથી
હું આનંદરૂપી આત્મા શિવ છું શિવ છું.(૨)

મારામાં કોઈ રાગ કે દ્રેષ નથી
મારામાં કોઈ લોભ, મોહ કે અભિમાન નથી
કોઈ ઈર્ષ્યા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ભાવના પણ નથી
હું આનંદરૂપી આત્મા શિવ છું શિવ છું (૩)

હું પાપ કે પુણ્ય નથી, હું સુખ કે દુ:ખ નથી
હું મંત્ર કે તીર્થ નથી, હું ભોજન નથી અને ભોકતા પણ નથી
હું આનંદરૂપી આત્મા શિવ છું શિવ છું (૪)

હું જન્મ મૃત્યુની પર છું
હું પિતા નથી,માતા નથી
હું ભાઈ નથી કે મિત્ર નથી
હું ગુરુ કે શિષ્ય નથી
હું આનંદરૂપી આત્મા શિવ છું શિવ છું (૫)

હું નિરાકાર છું છતાં સર્વત્ર છું.
હું બંધન કે મુક્તિ દરેક સ્થિતિમાં સમભાવ ધરાવું છું
હું આનંદરૂપી આત્મા શિવ છું શિવ છું. (૬)

છ શ્ર્લોકવાળો આ ષટકમ ખરેખર યાદ અપાવે છે કે આપણે ‘કંઈ’ જ નથી જે છે તે બસ આત્મા જ છે છતાંય ઇન્દ્રિયોને વશ થઈને પંચમહાભૂતની ચીજોનો ઉપભોગ કરીએ છીએ. જર, જમીન અને જોરૂ માટે કજિયા કરીએ છીએ. મોહ. માયા અને અભિમાનમાં છકી જઇએ છીએ. જરાક દુ:ખ પડે તો નિરાશ થઈ જઈએ છીએ. સંપૂર્ણ ગીતાનો સાર જાણે આ શ્ર્લોકોમાં સમાયો છે.

ચાલો શ્રાવણ માસના આજના સોમવારે ભારે દોડધામવાળી જિંદગીમાં ઉપર્યુક્ત ષટકમનું રટણ કરીએ. તેનો અર્થ સમજીએ. નવી પેઢીને સમજાવીએ. તેનું આચરણ કરીએ.

ચાલોને અહમ્ છોડીને પરમ તરફ જઈએ.
ચાલોને અહમ્ (હું કંઈક છું) થી સોહમ્ (હું ફક્ત આત્મા જ છું) તરફ જઈએ.
ચાલોને શિવોહમ્ શિવોહમ્ થઈએ. જીવથી શિવ સુધીની યાત્રા કરીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.