દુનિયાના સૌપ્રથમ શિક્ષક છે શિવજી

સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી – મુકેશ પંડ્યા

સૃષ્ટિના સૌપ્રથમ ગુરુ શિવજી છે. સારા-નરસા બન્ને પ્રકારનાં કર્મો કરતાં લોકો અર્થાત્ દેવ -દાનવ બન્નેના ગુરુ શિવ. દેવોના ગુરુ બૃહસ્પતિ અને તેમના ગુરુ શિવ. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય અને તેમના ગુરુ પણ શિવ. જેમ કોઇ એક ઉત્પાદક કોઇ વસ્તુનું ઉત્પાદન કરે તો તેનો સારો ઉપયોગ કરવાવાળા પણ હોય અને ખરાબ ઉપયોગ કરવાવાળા પણ હોય. તેમ શિવ પાસે દેવો પણ જ્ઞાન અને વરદાન લે અને દૈત્યો પણ જ્ઞાન અને વરદાન લે. શિવજીને રામ પણ પૂજે ને રાવણ પણ પૂજે. શિવજી બન્ને પ્રકારના લોકોને જેવાં કર્મો કરવા હોય તેવા કર્મ કરવાની છૂટ આપે છે પણ અંતે સત્યનો વિજય થાય એની તકેદારી પણ રાખે. આવા શિવજી પાસે આપણે આજના સમયમાં ઘણું શીખી શકીએ એમ છીએ. શુભ કાર્યમાં ઢીલ શાને માટે? ચાલો
આ પવિત્ર શ્રાવણ મહિનામાં જ આપણે શિવને ગુરુ બનાવી કંઇક જ્ઞાન પ્રાપ્ત કરીએ.
પદાર્થ પાઠ ૧
શિવ કૈલાસવાસી છે અને સ્મશાનવાસી પણ
દુનિયામાં ઘણા ઓછા લોકો હોય છે જે જમીની સ્તરના હોય છે મતલબ કે ડાઉન ટુ અર્થ હોય છે. નિરાભિમાની હોય છે. માણસ જ્રાક પૈસો, સત્તા કે સમૃદ્ધિ મેળવે ત્યારે હવામાં ઊડવા લાગે છે. માણસ ગમે તેટલી ઊંચાઇ પ્રાપ્ત કરે, પણ તેના પગ તો જમીનને અડેલા જ રહેવા જોઇએ. કૈલાસ પર્વત જેવી ઊંચાઇ પર વિરાજમાન શિવજીને આ જગતના સૌથી ઊંચા આસન પર બેસવાનું જરા પણ અભિમાન નથી. તેઓ જે સહજતાથી કૈલાસ પર આરૂઢ થાય છે એ જ સરળતાથી ધરતી પરના સ્મશાનમાં પણ પલાંઠી વાળીને બેસી શકે છે.
શિવજી સૂચવે છે કે તમારા વિચાર, વાણી અને વર્તનને હિમાલય જેટલા ઊંચા રાખો અને દૃષ્ટિ સ્મશાનભણી રાખો. મૃત્યુ અટલ છે. મૃત્યુ નિશ્ર્ચિત છે અને મૃત્યુ જ સત્ય છે એવો ભાવ રાખશો તો તમારા કામ સ્વાર્થયુક્ત ન બનતાં સમાજ માટે કલ્યાણકર્તા બની રહેશે. જેની શરૂઆત છે તેનો અંત છે જ એ જો ધ્યાનમાં રાખીએ તો દુ:ખને દૂર રાખી શકાય છે. રાવણની જેમ આજે પણ ઘણા રાજકરણીઓ સત્તા મેળવીને અહંકારી બની જાય છે. તેમના પગ ધરતી પર રહેતા નથી. સત્તા આવી છે તો જઇ પણ શકે છે તેવા ભાવ સાથે કામ કરતા રાજકર્તાઓ જ સારું શાસન આપી શકે છે. બાકી અભિમાન તો રાજા રાવણનું પણ ટકી ન હોતું શક્યું તો કોઇ એક રાજ્ય કે દેશના વડાનું શું ટકવાનું. સત્તામાં ગમે તેટલી ઊંચાઇ પ્રાપ્ત કરો, પણ એટલા ઊંચા ન બનો કે તમને ધરતી પર વિહરતો કોઇ છેવાડેનો માણસ દેખાવાનું બંધ થઇ જાય.
ભગવાન શિવ અંગે સ્મશાનની રાખ ચોળે છે એ જાણીને આજની યુવાપેઢીને કશુંક અજુગતું લાગે છે પણ ત્યારે જ તમારે એને સમજાવવાનું છે કે તું જે જીવન જીવી રહ્યો છે, મોજ-મસ્તી કરી રહ્યો છે.પાંચે જ્ઞાનેન્દ્રિયો નાક, કાન, આંખ, જીભ અને ચામડીથી જે ભોગવી રહ્યો છે. હાથ-પગ જેવી અનેક કર્મેન્દ્રિયોથી કામ કરી રહ્યો છે એ બધું જ એક દિવસ સ્મશાનમાં બળીને ભસ્મ થઇ જવાનું છે. રાખ બની જવાનું છે. માત્ર આત્માને જ કોઇ બાળી નથી શકતું. માટે સત્કર્મનું ભાથું બાંધીને આત્મકલ્યાણ અને સમાજકલ્યાણની ભાવનાને વધુ દૃઢ બનાવવી જોઇએ. ભોગની સાથે ત્યાગની ભાવના પણ વિકસવી જોઇએ. શ્રાવણ મહિનો આપણને ત્યાગ શીખવે છે. ભોજનનો ત્યાગ કરી ઉપવાસ કરવાનું શીખવે છે. તામસી ચીજોનો ત્યાગ કરીને સાત્ત્વિકતા તરફ આગળ વધવાનું શીખવે છે. આ કાર્યમાં શિવજીનાં દર્શન આપણા માટે માર્ગદર્શનરૂપ બની રહે છે. તેમણે અંગે ચોળેલી ભસ્મ આપણને સતત એ વાતનો બોધ કરાવે છે કે શરીર મોહ છે. શરીર બંધન છે. શરીર ક્ષણિક છે. જે પોતાને માત્ર શરીર માને છે તેને શરીર છૂટે ત્યારે દુ:ખ થાય છે, પણ જે પોતાને આત્મા માને છે તેને શરીર છોડ્યાનો શોક નથી થતો. શરીરને નજરઅંદાજ કરીને આત્માના કલ્યાણ તરફ આગળ વધવા માટે આ શ્રેષ્ઠ સમય છે. કૈલાસપતિ હોવા છતાં જેમ શિવે સ્મશાનને પણ વહાલું કર્યું છે તેમ તમારી આસપાસ અનેક પ્રકારના ભોજનો અને પ્રલોભનો પડયા હોય છતાં તેનો ત્યાગ કરી શકવાનું સામર્થ્ય તમને શિવજીનાં દર્શનથી પ્રાપ્ત થાય છે. ભોળા શંભુ જેવા શ્રેષ્ઠ શિક્ષક પાસેથી જે શીખવા મળે એ શીખી લેવા માટે આ સમય ઉત્તમ છે. (ક્રમશ:)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.