શિવમ પોરવાલ: હૈયામાં વિશ્ર્વાસ સાથે દિવ્યાંગનો લદાખ સુધી બાઈક પર પ્રવાસ

પુરુષ

સાંપ્રત – પ્રથમેશ મહેતા

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો
બાળપણમાં વિચાર વિસ્તારમાં ઘણા વાચકોએ આ પંક્તિઓ પર જવાબો લખ્યા હશે, પણ વાસ્તવિક જીવનમાં કેટલાક એવા લોકો હોય છે, જે આ પંક્તિને ચરિતાર્થ કરે છે. કદમ અસ્થિર કોનાં હોય? જેનાં મન અસ્થિર હોય તેનાં, પણ મન જો મજબૂત હોય તો પગમાં થોડું જોર કદાચ ઓછું હોય તો પણ સફળતા મળે છે.
૨૬ વર્ષીય શિવમ પોરવાલ અમદાવાદનો રહેવાસી છે જે મધ્ય પ્રદેશના મહિદપુર નામના નાના શહેર સાથે સંબંધ ધરાવે છે. તે જન્મથી જ ફોકોમેલિયા સિન્ડ્રોમથી પ્રભાવિત છે. આ એક એવો રોગ છે જેમાં નવજાત શિશુને જન્મથી જ હાથ કે પગ હોતા નથી અથવા તે અક્ષમ હોય છે.
શિવમનું સપનું લદાખની રોડ ટ્રિપ કરવાનું હતું. બાઇક પર લદાખ જવાનું ઘણા લોકોનું સપનું હોય છે, પરંતુ પાતળા રસ્તાઓ અને ખરાબ હવામાનમાં બાઇક ચલાવવી એ દરેક વ્યક્તિ માટે સરળ વાત નથી. આવી સ્થિતિમાં, જ્યારે તમે ત્યાં બાઇક ટ્રિપ પર કોઈ વિકલાંગ વ્યક્તિને જુઓ કે જેના બંને પગ નથી અને જમણા હાથમાં માત્ર ત્રણ આંગળીઓ છે અને ડાબા હાથનો અંગૂઠો આંગળીઓ સાથે જોડાયેલો છે, ત્યારે મોટા ભાગના લોકો આશ્ર્ચર્યચકિત થઈ જાય છે અથવા અટકી જાય છે અને તેમની હિંમતને સલામ કરે છે. પરિવારના સભ્યોથી લઈને મિત્રો સુધી બધાએ કહ્યું કે લદાખ રોડ ટ્રિપ તેમાં ગજા બહારની વાત છે, પણ શિવમે નક્કી કર્યું હતું કે મને પગ નથી તો શું, હું મારા બધા શોખ મારા પેશનના આધારે પૂરા કરીશ. હાલમાં જ તેણે પત્ની સાથે લદાખની બાઇક ટ્રિપ પૂરી કરી છે. તેની શારીરિક વિકલાંગતાને પાછળ છોડીને, શિવમ તેના મનની શક્તિમાં વધુ વિશ્ર્વાસ કરે છે અને ડર્યા વિના કોઈ પણ સાહસનો અનુભવ કરે છે.
વિકલાંગતા છતાં, તેણે જીવનમાં સામાન્ય માણસ કરતાં વધુ સફળતાઓ મેળવી છે. આઇઆઇટિયન, કવિ, વક્તા હોવા ઉપરાંત, તે બીએસએનએલમાં સરકારી નોકરી કરે છે અને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર છે. આ સાથે તે પોતાનો શોખ પૂરો કરવાની કોઈ તક છોડતો નથી. શિવમ કહે છે, હું ૨૬ વર્ષનો છું, મારે ઘણું કરવાનું છે. મેં ઝિપ લાઇનિંગનો અનુભવ કર્યો છે, લાંબી બાઇક ટ્રિપ કરી લીધી છે, પરંતુ હજુ પેરાગ્લાઇડિંગ અને સ્કાય ડાઇવિંગ કરવાનું બાકી છે. શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ લોકો પણ જે કરતાં ડરે તેવા શોખ પૂરા કરવાની હિંમત શિવમ બતાવે છે, તેના પરથી તેના જુસ્સાની કલ્પના કરો.
શિવમના જીવનને સામાન્ય બનાવવામાં તેનાં માતા-પિતાનો બહુ મોટો ફાળો છે. પિતાએ તેને ભણીગણીને આત્મનિર્ભર બનવા માટે દરેક શક્ય મદદ કરી છે તેમ જ તેની માતા પણ તેને હંમેશાં સપનાં જોવા અને તેને પૂરાં કરવા માટે પ્રેરણા આપે છે. સ્કૂટર ચલાવવાનું તેનું સપનું તેના પિતાએ પૂરું કર્યું. જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તેના પિતાએ આર્થિક તંગી હોવા છતાં શિવમને સ્કૂટર ખરીદી આપ્યું હતું. આ તેના જીવનમાં એક વળાંક હતો, કારણ કે તે હવે ક્યાંય મુસાફરી કરવા માટે કોઈના પર નિર્ભર નહોતો. અમદાવાદ બીએસએનએલમાં નોકરી મળ્યા બાદ પણ શિવમ તેના પિતાએ આપેલા સ્કૂટરનો ઉપયોગ કરીને ઓફિસ જતો હતો અને આ સ્કૂટર વડે તેણે પત્ની સાથે પહેલી વાર અમદાવાદથી ઉદયપુર સુધીની ૨૬૦ કિમીની રોડ ટ્રિપ કરી હતી.
તેની પ્રથમ રોડ ટ્રિપ વિશે વાત કરતાં શિવમ કહે છે, ‘મને સ્કૂટર પર મુસાફરી કરવી ગમે છે, કારણ કે તેનાથી મને બહુ ચાલવું નથી પડતું. પ્રીતિ અને મેં એક રાત્રે ઉદયપુર જવાનો પ્લાન બનાવ્યો અને સવારે સ્કૂટર પર નીકળ્યાં. જ્યારે અમે પાછાં આવ્યાં અને બધાને કહ્યું કે અમે સ્કૂટર દ્વારા આટલા દૂર ગયાં હતાં, ત્યારે કોઈએ અમારી વાત પર વિશ્ર્વાસ કર્યો નહીં.’ ઉદયપુરની પ્રથમ યાત્રાથી તેમને આવી વધુ સ્કૂટર ટ્રિપ્સ પર જવાની હિંમત આવી. જોકે તેના પરિવારના સભ્યો હંમેશાં આની વિરુદ્ધ હતા. તેના પિતાને સ્કૂટર પર આટલું દૂર જવું સલામત લાગ્યું નહીં, પરંતુ શિવમ સફરમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખે છે, જેમ કે તે ક્યારેય રાત્રે ગાડી ચલાવતો નથી અને દર ૫૦ કિલોમીટરે બ્રેક લે છે.
શિવમ તેનું ખાસ સ્કૂટર ખૂબ જ આરામથી ચલાવે છે અને આમ તેને નવી જગ્યાઓ પર મુસાફરી કરવાનું સરળ લાગતું. પોતે જાણે અમદાવાદમાં જ સ્કૂટર ચલાવી રહ્યો હોય એટલી સરળતા તેને ટ્રિપમાં પણ લાગે છે. ત્યાર બાદ તેણે સંપૂર્ણ પ્લાનિંગ સાથે જાન્યુઆરી, ૨૦૨૧માં ગોવાની ટ્રિપ કરી. અમદાવાદથી ગોવા પહોંચતાં તેને પાંચ દિવસ લાગ્યા હતા, પરંતુ તેની પાસે પોતાનું સ્કૂટર હોવાથી તે ગોવાનાં એવાં સ્થળોએ જઈ શકતો હતો જ્યાં કાર દ્વારા પહોંચી શકાતું નથી.
શિવમ કહે છે, ‘ગોવા ફરવાની ખરી મજા બાઈક પર છે, પરંતુ હું સામાન્ય સ્કૂટર ચલાવી શકતો નથી, તેથી મેં આ સ્કૂટર લઈને ગોવા જવાનું નક્કી કર્યું અને અમે તે સફરનો ઘણો આનંદ લીધો.’ તેવી જ રીતે તે સપ્ટેમ્બર, ૨૦૨૧માં જોધપુર પણ ગયો હતો. આ પ્રવાસના થોડા સમય પહેલાં તેણે એક નવી એક્ટિવા ખરીદી હતી, પરંતુ જોધપુર ટ્રિપમાં તેણે ઘણી નાની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેણે અજાણ્યા ગામમાં રાતવાસો પણ કરવો પડ્યો, કારણ કે તે ખાલી રસ્તાઓ પર પણ સ્કૂટરની સ્પીડ વધારી શક્યો નહોતો. ઘણી વખત આમ કરવાથી સ્કૂટર બંધ થઈ જતું, ત્યાર બાદ શિવમે વિચાર્યું કે હજી આવી વધારે લાંબી સફર કરવી હશે તો બાઇક લેવી પડશે.
તે જ સમયે શિવમ અને પ્રીતિ લદાખની ટ્રિપ પર જવાની યોજના બનાવી રહ્યાં હતાં. લદાખના પ્રવાસનું આયોજન કરતી વખતે તે વિચારી રહ્યો હતો કે કારમાં જવું આરામદાયક રહેશે, પરંતુ શિવમને તેની વ્હીલચેર સાથે રાખવી પડે, કારણ કે ઘણી વાર કારનું પાર્કિંગ દૂર હોય છે, પરંતુ શિવમ મનમાં બુલેટ પર રોડ ટ્રિપ કરીને લદાખ જવાનું વિચારી રહ્યો હતો. શિવમ કહે છે, ‘ત્યારે મારી પાસે ન તો બુલેટ હતી અને ન તો મારી પાસે બુલેટ ખરીદવાના પૈસા હતા. હું એ પણ જાણતો હતો કે મારા પિતા મંજૂરી નહીં આપે, પરંતુ મેં સપનું જોયું હતું અને તેને પૂરું કરવાનું બાકી હતું.’ એક સમયે તેણે વિચાર્યું કે થોડાં વર્ષો પછી તે લદાખ જવાનું વિચારે, પરંતુ પછી તેની પત્નીએ કહ્યું કે જો તમારે બાઇક પર મુસાફરી કરવી હોય તો હમણાં જ કરવી જોઈએ. એક ઉંમર પછી, આપણા માટે આ સફર પર જવું કદાચ મુશ્કેલ થઇ જશે. પછી, શિવમે નક્કી કર્યું કે તેને જેમ બને તેમ જલદી બુલેટ લેવી છે. ડિસેમ્બર, ૨૦૨૧માં આખરે તેણે તેના પિતાને જાણ કર્યા વિના બુલેટ બુક કરાવી. જોકે તેણે માતાને કહ્યું હતું. લગભગ એક મહિના પછી, તેની બુલેટ આવી. હવે શિવમે તેને પોતાની અનુકૂળતા મુજબ ડિઝાઇન કરવાની હતી, જે જરાય સરળ કામ નહોતું. શિવમના કહેવા પ્રમાણે તેને તૈયાર કરવામાં સ્થાનિક મિકેનિક્સને લગભગ બે મહિનાનો સમય લાગ્યો હતો.
શિવમ કહે છે, સામાન્ય રીતે બુલેટ ભારે હોય છે, ઉપરથી અમે તેમાં સાઈડ વ્હીલ્સ લગાવ્યાં હતાં. તે અલ્ટો કારનાં પૈડાં હતાં, તેથી જ આ બુલેટ ખૂબ જ ભારે થઈ ગઈ. પહેલી વાર જ્યારે મેં તેને અમદાવાદના રસ્તાઓ પર બહાર કાઢી ત્યારે હું તેને ચલાવી ન શક્યો. પછી અમે એક નાની ગ્રુપ ટ્રિપમાં ભાગ લીધો. ત્યારે હાઈવે પર આ બુલેટ ચલાવવાનો અનુભવ સાવ અલગ હતો. ત્યારે મને લાગ્યું કે આ બુલેટ લદાખ જવા માટે જ બનાવવામાં આવી છે. આ પછી શિવમે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ગિયરની પ્રેક્ટિસ કરવા જવાનું શરૂ કર્યું.
થોડા મહિનાની પ્રેક્ટિસ પછી શિવમને લાગ્યું કે તે લદાખના પ્રવાસે જવા માટે તૈયાર છે. તૈયારી કરતાં પહેલાં તેણે હિંમત કરીને પિતાને કહ્યું. શિવમ કહે છે, પાપાને એક અંદાજ હતો કે હું જિદ્દી છું અને એક વખત નક્કી કરીશ, તો હું તે કામ ચોક્કસ કરીશ. તેણે મને ઘણી રીતે સમજાવવાની કોશિશ કરી.
‘આ એક ખતરનાક સફર છે, તમે કરી શકશો નહીં.’ તેઓએ ત્યાં સુધી કહ્યું કે ‘અમારો એક જ દીકરો છે, જો તમને કંઇક થશે તો અમે શું કરીશું?’
શિવમે તેમને ખાતરી આપી કે તે એક ગ્રુપ સાથે જશે અને સુરક્ષાનું ધ્યાન રાખશે. આ માટે તેણે સોશિયલ મીડિયા પર બાઈક ટ્રિપ સાથે જોડાયેલા ગ્રુપ વિશે જાણવાનું શરૂ કર્યું.
આખરે, તેઓને અમદાવાદનું એક ગ્રુપ મળ્યું, જે બેકઅપ વાહન અને મિકેનિક સાથે શ્રીનગરથી લેહ જતું હતું. આ જૂથે તેમને ખાતરી આપી કે તેઓ તેમની સાથે રહેશે અને જો અન્ય બાઇકર્સ આગળ વધે તો પણ બેકઅપ વાહન હંમેશાં તેમની સાથે રહેશે. શિવમ કહે છે, હું કાશ્મીરથી ગ્રુપના લોકો સાથે જોડાવાનો હતો. અમે જમ્મુ સુધી ટ્રેનમાં જવાનાં હતાં, તેથી જ્યારે અમે અમારી બુલેટ ટ્રેનમાં લોડ કરાવવા ગયાં ત્યારે સ્ટેશન માસ્તરે એમ કહીને ના પાડી દીધી કે આ બુલેટ બહુ ભારે છે અને તેમાં દિવ્યાંગ વર્ગમાં ડિસ્કાઉન્ટ નહીં મળે, કારણ કે વિકલાંગો બુલેટ ચલાવતા નથી. જ્યારે તેમને ખબર પડી કે હું લદાખ રોડ ટ્રિપ પર જઈ રહ્યો છું ત્યારે તેમણે મને આ ટ્રિપ પર ન જવાની સલાહ આપી અને કહ્યું કે આ એક ખતરનાક સફર છે. તમારી પાસે જે છે તે પણ તમે ગુમાવશો. આ સફર વિકલાંગો માટે નથી. આખરે સ્ટેશન માસ્તરે ત્રણ બુલેટના પૈસા લઈને બુલેટના ટ્રાન્સપોર્ટનું બુકીંગ કર્યું. ટ્રિપ પર જતાં પહેલાં તેણે પોતાની સાથે તમામ પ્રકારનાં સેફ્ટી ઈક્વિપમેન્ટ રાખ્યાં હતાં. તેણે તેની સાથે બાઇકની સફર માટે રાઇડિંગ જેકેટ, હેલ્મેટ, સેડલ બેગ, ટેન્ક બેગ, ટ્રેકિંગ બેગ જેવી ઘણી વસ્તુઓ ખરીદી હતી. આ રીતે બે જૂનના રોજ તેણે અમદાવાદથી જમ્મુ જવા માટે ટ્રેન પકડી હતી, જેમાં તેની બુલેટ પણ રાખવામાં આવી હતી.
જમ્મુ પહોંચ્યા પછી, તેમણે તેમના ગ્રુપને મળવા શ્રીનગર જવાનું હતું. શિવમે કહ્યું, ‘શ્રીનગરની તે સફર મારા માટે પડકારોથી ભરેલી હતી. એ રસ્તો બહુ ખરાબ હતો. અમે સવારે નીકળ્યાં હતાં અને રાત્રે એક વાગ્યે ૩૦૦ કિમીનો પ્રવાસ પૂરો કર્યો હતો. રસ્તાઓ એટલા ખરાબ હતા કે હું બ્રેક લગાવી શકતો નહોતો, અમારો ઘણો સામાન પણ અમારી સાથે બાઇક પર હતો.’ પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ, પરંતુ શિવમે રસ્તામાં મળેલા લોકોની મદદ લઈને શ્રીનગર સુધીનો પ્રવાસ પૂરો કર્યો. તેની પત્ની પાછળ ઘણો સામાન લઈને બેઠી હતી. તેણે ૩ જૂનથી ૨૩ જૂન સુધી સતત દરરોજ બુલેટ ચલાવી હતી. જોકે જમ્મુથી કાશ્મીર પહોંચ્યા પછી, તે થોડા દિવસો કાશ્મીરમાં રહ્યો અને ૮ જૂને તેના જૂથને મળ્યો. ગ્રુપમાં મોટા ભાગના લોકો બાઈકર્સ હતા, પરંતુ શિવમના જુસ્સાને જોઈને બધાએ તેનાં ખૂબ વખાણ કર્યાં. માત્ર તેના ગ્રુપના લોકો જ નહીં, પરંતુ તેની પાસેથી પસાર થતી દરેક વ્યક્તિએ, સેનાના જવાનોએ પણ તેની સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા. તે જ્યાં રોકાતો ત્યાં લોકોનો મેળાવડો થતો. ઘણા લોકો તેને પોતાની સાથે ખાવાનું પણ કહેતા, જ્યારે ઘણા લોકો ચા પીવાનો આગ્રહ કરતા. લોકોના આટલા પ્રેમે શિવમની હિંમત વધારવાનું કામ કર્યું. તે કહે છે, લદાખની બાઇક ટ્રિપ પર મારી ખાસ બુલેટ જોયા પછી દરેક વ્યક્તિ એક વાર રોકાઈ અને મારી સાથે વાત કરતી. જ્યારે તેમને ખબર પડતી કે હું પગ વિના બાઇક ચલાવું છું, ત્યારે બધા મને ઉત્સાહિત કરતા. આ રીતે, સેંકડો લોકો મને સફરમાં મળ્યા અને મારી સાથે ફોટા ક્લિક કરાવ્યા. શિવમ અને પ્રીતિએ સૌથી મુશ્કેલ ખારદુંગ લા પાસ પર આરામથી મુસાફરી કરી, જ્યાં મોટા ભાગના લોકોને ઓક્સિજનની સમસ્યા થવા લાગે છે, પરંતુ તેમણે પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે નિયમિતપણે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ લીધાં. જોકે ઘણી વખત તેની બુલેટ ખાડામાં ફસાઈ ગઈ અને લોકોએ તેની મદદ માટે આવવું પડતું હતું. પ્રવાસની આ બધી મુશ્કેલીઓને અનુભવ તરીકે લઈને તે આગળ વધતો રહ્યો અને આ રીતે ૨૩મી જૂને મનાલીમાં તેની બાઇક સફર પૂરી કરી. જોકે તે બુલેટ દ્વારા અમદાવાદ પરત આવવા માગતો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે તેણે બાઇક ટ્રાન્સપોર્ટમાં આપવાનું નક્કી કર્યું અને ટ્રેન દ્વારા પાછા આવવાનું નક્કી કર્યું. શરૂઆતથી જ, શિવમે લોકોની ના અને પોતાની અક્ષમતાને અવગણીને માત્ર તેના સપના પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ જ કારણ હતું કે મુશ્કેલીઓ પણ તેની ભાવના સામે ટકી શકી નહીં. શિવમની વાર્તા આપણને બધાને મુશ્કેલીઓ ભૂલી જવા અને સપના પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા
આપે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.