સ્ત્રી સમાનતાનો પહેલો પાઠ શિવજીએ શીખવ્યો

સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી – મુકેશ પંડ્યા

દેવોના ગુરુ બૃહસ્પતિ અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય આ બન્નેના ગુરુ શિવ. જેમ કોઇ એક ઉત્પાદક કોઇ વસ્તુનું ઉત્પાદન કરે તો તેનો સારો-નરસો બન્ને પ્રકારનો ઉપયોગ કરવાવાળા હોય એમ શિવ પાસે દેવો સાથે દૈત્યો પણ જ્ઞાન-વરદાન લે. શિવજી બન્ને પ્રકારના લોકોને જેવાં કર્મો કરવાં હોય તેવાં કર્મ કરવાની છૂટ આપે છે, પણ અંતે સત્યનો વિજય થાય એની તકેદારી પણ રાખે. શિવજીને તમે આ દુનિયાના સહુ પ્રથમ શિક્ષક કહી શકો. શિવજીના અનેક સ્વરૂપથી આપણે ઘણું શીખી શકીએ એમ છીએ. ચાલો, ૧ ઑગસ્ટ ને શ્રાવણિયા સોમવારથી શરૂ થયેલી આ શ્રેણીને આગળ ધપાવીએ.
પદાર્થ પાઠ -૩
સ્ત્રી સમાનતાનો પહેલો પાઠ શિવજીએ શીખવ્યો
શિવજીનું અર્ધનારીશ્ર્વર સ્વરૂપ આપણને ઘણું શીખવી જાય છે. આજે સ્ત્રી સમાનતા માટે જે હોડ મચી છે તેનો પહેલો પાઠ શિવજીએ શીખવ્યો છે. શિવજીએ પાર્વતીને પોતાના ડાબા અંગમાં સમાવીને સિદ્ધ કર્યું છે કે માત્ર પુરુષ જ નહીં સ્ત્રી પણ સમાન સન્માન, સમાન પૂજા અને સમાન આદરની હકદાર છે. સ્ત્રીને અબળા કહીને તેની ઉપેક્ષા કે અપમાન કરવાને બદલે તેના શક્તિ સ્વરૂપને જાણી તેની પ્રશંસા અને સન્માન કરવાં જોઇએ. જે દેશમાં નારીનો આદર થતો નથી તે દેશની સંસ્કૃતિ ક્રમશ: નાશ પામે છે.
અત્યારે આપણે નારી સમાનતાના નામે ચળવળ ચલાવીએ છીએ. સ્ત્રીઓ ભણે, નોકરી કે વ્યવસાય કરે તે માટે આગ્રહ રાખીએ છીએ પણ વર્ષો પહેલા સ્ત્રી-પુરુષ સમાનતા આપણા દેશમાં જોવા મળતી જ હતી. જેમ પુરુષરૂપી પ્રકૃતિ અને સ્ત્રીરૂપી શક્તિનું મિલન થાય ત્યારે જ સંસારનું નિર્માણ થાય છે તેમ સ્ત્રી અને પુરુષ બન્નેના સહકારથી જ સંસાર સુખરૂપ ચાલે છે. અગાઉ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો જમીન ખેડતા તો તેમની પત્ની વાવણી, કાપણી કે નિંદામણનું કામ કરી આપતી. દરજી કપડું સીવે તો દરજણ હાથ સિલાઇ કરી આપતી. કુંભાર ચાકડો ફેરવે તો કુંભારણ માટી ગૂંદવાનું કામ કરી આપતી. આમ પતિ-પત્ની બેઉ સાથે મળીને રોજી-રોટી રળી લેતાં હતાં. જ્યારથી શિક્ષણની શરૂઆત થઇ અને માત્ર પુરુષો જ ભણવા લાગ્યા, સ્ત્રીઓ ઘરમાં રહેવાં લાગી ત્યારથી સ્ત્રીપુરુષો વચ્ચે અસમાનતા વધવા લાગી. મધ્યયુગમાં શક્તિ અને તાકાતના પ્રભાવમાં પુરુષોએ મહિલાઓ પર અધિપત્ય જમાવવાનો પ્રયાસ કર્યો. એ દોર પણ ગયો. આજે સ્ત્રી પણ ભણવા અને કમાવા લાગી છે. સ્ત્રી કોઇ પણ ક્ષેત્રમાં પુરુષ સાથે ખભેખભા મિલાવીને ઊભી છે ત્યારે અર્ધનારીશ્ર્વર શ્રી શિવજીના સાચા સ્વરૂપની છણાવટ કરવી જરૂરી બની જાય છે.
શિવજી અને પાર્વતી એકમેકમાં સમાયાં તેનો અર્થ એ છે કે તેઓ સ્વને ઓગાળી શક્યાં. અહમૂને ભૂલીને પરમને પામ્યાં. આજે સ્ત્રી-પુરુષ બન્ને ભણીગણીને નોકરી-વ્યવસાય કરે સાથે મળીને ઘર ચલાવે તો સારી ગુણવત્તાવાળું જીવન જીવી શકે છે, પરંતુ તેમણે સાથે સાથે શિવજીના અર્ધનારીશ્ર્વર સ્વરૂપ પાસેથી અહમ્ને ઓગાળતા શીખવું પડશે. મોટા ભાગના છૂટાછેડાના કેસમાં પતિ-પત્નીને પોતપોતાનો અહમ્ નડતો હોય છે. હું વધારે ભણ્યો કે ભણી છું કે હું વધારે કમાઉ છું તેવી લાગણી મનમાં સવાર થાય ત્યારે અહંકાર ચરમસીમાએ પહોંચે છે અને પ્રેમ અદૃશ્ય થઇ જાય છે. પ્રેમને જાળવી રાખવો હોય તો અહંકારને ઓગાળતા શીખવું પડે છે. શિક્ષણ કે આવક જેવી વસ્તુઓ ભૌતિક છે,ક્ષણભંગુર છે,માયા છે જ્યારે નિ:સ્વાર્થ પ્રેમ એ આત્મિક છે, કાયમી છે, સત્ય છે. જે પતિ-પત્ની એકબીજાને આવો પ્રેમ કરે છે તેમને કોઇ પણ પ્રકારનો ‘ઇગો’ નડતો નથી.
અર્ધનારીશ્ર્વરનું સ્વરૂપ આપણને એ જ વાત શીખવે છે કે પતિ-પત્ની વચ્ચે સમાનતા જેટલી જરૂરી છે એટલી જ જરૂરી છે એકબીજામાં સમાઇ જવાની, નિ:સ્વાર્થ પ્રેમની. જ્યાં પ્રેમ છે ત્યાં જ સાચું મિલન શક્ય છે, પણ જ્યાં અહમ્ છે ત્યાં છૂટા પડવાની શક્યતા વધતી જાય છે. પતિ-પત્ની અર્ધનારીશ્ર્વરના દર્શન કરીને એક બીજાને સમાન ગણે, એકબીજાને પ્રેમ કરે અને એકબીજાનું સન્માન કરે તો આજે પણ વધતા જતા ઇગોઇસ્ટ છૂટાછેડાનું પ્રમાણ ઘટાડી શકાય ખરું.
જય અર્ધનારીશ્ર્વર! (ક્રમશ:)

1 thought on “સ્ત્રી સમાનતાનો પહેલો પાઠ શિવજીએ શીખવ્યો

  1. બહુ બહુ બહુ જ સરસ..
    શિવજી પાર્વતીજી દ્વારા .. સમાનતા અને અહમ ને ઓગળવાનાં બહુ જરૂરી સંદેશ આપ્યાં.. આધુનિક યુગે પૌરાણિક યુગ થી શું શીખવું તે સમજાવ્યું..

    ૐ નમઃ શિવાય..🙏🙏

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.