છત્રપતિ શિવાજી મહારાજ અંગેને ટિપ્પણી બાબતે સર્જાયેલા વિવાદને પગલે દિલ્હીથી તેડું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલના પદે રહેલા ભગતસિંહ કોશ્યારીના સ્થાને આગામી થોડા દિવસોમાં નવા રાજ્યપાલ જોવા મળે એવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં કોશ્યારીના વિરોધમાં થઈ રહેલા વિરોધને ધ્યાનમાં લેતાં તેમને દિલ્હીથી તાકીદે તેડું આવ્યું છે અને તે આગામી બે દિવસમાં દિલ્હીમાં વિવિધ નેતાઓ સાથે તેમની મુલાકાત થાય એવી શક્યતા જોવાઈ રહી છે.
અત્યારે રાજ્યપાલ કોશ્યારી છત્રપતિ શિવાજી મહારાજ બાબતે કરવામાં આવેલી ટિપ્પણીને કારણે વિવાદમાં છે. આ પહેલાં પણ તેઓ અલગ અલગ મુદ્દે સતત ચર્ચામાં અને વિપક્ષીઓના નિશાન પર રહેલા છે. રાજ્યપાલ નિયુક્ત વિધાન પરિષદના સભ્યો અંગેની એક પિટિશન તેમની સામે મુંબઈ હાઈ કોર્ટમાં પડતર છે.
આ બધાની વચ્ચે મુંબઈ હાઈ કોર્ટમાં વધુ એક પિટિશન તેમની સામે દાખલ કરવામાં આવી છે, જેમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવા બદલ તેમની સામે ગુનો નોંધવાનો નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી છે ત્યારે તેમને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે તે પહેલાં પાછા બોલાવી લેવામાં આવે એવું માનવામાં આવી રહ્યું છે.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યપાલ ૨૪ અને ૨૫ તારીખે દિલ્હીમાં જશે અને ત્યાં તેઓ કોને મળે છે તેના પર બધાની નજર રહેશે.