Homeધર્મતેજશિવ ઉવાચ: જે પોતાની અને સમસ્ત સંસારની વાસ્તવિકતાને આપણો પરિચય કરાવે એને...

શિવ ઉવાચ: જે પોતાની અને સમસ્ત સંસારની વાસ્તવિકતાને આપણો પરિચય કરાવે એને જ જ્ઞાન કહેવાય

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: અશોકસુંદરી અને કુમાર કાર્તિકેય કૈલાસથી વિદાય લેતા કુમાર ગણેશ માતા પાર્વતીને કહે છે: ‘માતા હું અને મારા મિત્રો કૈલાસથી થોડા દૂર વિહરવા જઈ શકીએ, જલ્દી આવી જશું.’ માતા પાર્વતીની પરવાનગી મળતાં જ ગણેશ અને તેમના મિત્રો કૈલાસથી દૂરવિહરવા લાગ્યાં. ફરતાં ફરતાં કુમાર ગણેશને ભૂખ લાગે છે. થોડી દૂર તેઓને એક ગામ દેખાય છે. કુમાર ગણેશ તેમના મિત્રોને કંઈક ભોજન લઈ આવવાનું કહે છે. કુમાર ગણેશના મિત્રો ગામમાં જાય છે પણ ભોજન કોઈ આપતું નથી. થાકીહારી પરત ફરેલા મિત્રોને જોઈ કુમાર ગણેશ ક્રોધિત થાય છે અને કહે છે, ‘અહીં ગ્રામવાસીઓની એટલી હિંમત થઈ ગઈ છે કે તેઓ મને કંઈ પણ અન્ન આપવાની ના પાડે છે, તમને ખબર છે હું કોણ છું?’ એક ગ્રામવાસી કહે છે: ‘કુમાર અમને ખબર છે કે તમે મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ છો, પણ… અમે મજંબૂર છીએ, છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં વરસાદ થયો નથી,અમારા ગામમાં અનાજનો એક દાણો પણ બચ્યો નથી, તમે જ કંઈક કરો.’ કુમાર ગણેશ કહે છે કે, મિત્રો સમસ્યા તો ખૂબ મોટી છે, આખું ગામ ભૂખું છે તેમની ક્ષુધા કોણ મીટાવશે. જાઓ ગામમાં ખૂણે ખૂણે ફરી વળો જમવાની કોઈપણ સામગ્રી મળી આવે તો અહીં લઈ આવો. કુમાર ગણેશના મિત્રો ગામના ખૂણે ખૂણામાં ફરી વળે છે, થોડા જ સમયમાં તેઓ પાછા ફરે છે. કુમારના મિત્રને એક માંદી ગાય મળે છે જેની પાસેથી તેમને ફક્ત એક નાના પાત્રમાં દૂધ મળે છે, બીજા મિત્રને થોડા ઘણાં ચોખાના દાણાં મળે છે, ત્રીજા મિત્રને એક જગ્યાએ નાના અમસ્તા ગોળના બે ટુકડાં મળે છે. પ્રસન્ન કુમાર ગણેશ થઈ જાય છે અને ગ્રામવાસીઓને કહે છે, ‘ગ્રામવાસીઓ જુઓ આપણા માટે ખીરની સામગ્રી આવી ગઈ છે, આપણે આમાંથી ખીર બનાવીશું અને આખું ગ્રામ એનું સેવન કરીશું.’ થોડી અમસ્તી સામગ્રી જોઈ ગ્રામવાસીઓ નારાજ થઈ કહે છે, ‘કુમાર આટલી અમસ્તી સામગ્રીમાં તો કોઈ મૂષક પણ પેટ નહીં ભરી શકે, અહીં તો આખું ગામ ભૂખું ઊભું છે એમની ક્ષુધા કઈ રીતે શાંત થશે.’ પાત્ર અને સામગ્રી જોઈ ગામવાસીઓ નારાજ થઈ ત્યાંથીચાલવા મંડે છે, પણ એક વૃદ્ધા ત્યાં ઊભાં રહે છે. કુમાર ગણેશ એ વૃદ્ધાને બોલાવી ખીર બનાવવા મદદ માગે છે, વૃદ્ધા કુમાર ગણેશને ખીર બનાવવા મદદ કરે છે. ખીર તૈયાર થતાં ચમત્કાર થાય છે. ખીર
ઊભરાવા માંડતાં ગ્રામજનો ભગવાન ગણેશનો જયજયકાર કરે છે. કુમાર ગણેશ કહે છે કે, ‘મારો નહીં આ માતાજીનો કરો, તેમણે હિંમત કરીને મને સહકાર્ય આપ્યું ન હોત તો ખીર કદાપિ બની શકત નહીં, તેમણે કઠણ પરિસ્થિતિમાં પણ નિરાશાને જીતવા ન દઈ ખીર બનાવી. તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે કે
પરિસ્થિતિ ગમે તેવી હોય મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી, આ ખીર તમારા બધા માટે છે અને જ્યાં સુધી વરુણદેવ પ્રસન્ન થઈ વર્ષારાણીનું આગમન ન થાય ત્યાં સુધી આ ખીર આમને આમ બનતી રહેશે. એક પછી એક ગ્રામવાસીઓ ખીરનો આનંદ માણે છે અને પોતાની ક્ષુધા શાંત કરે છે.

કુમાર ગણેશ: ‘ગ્રામવાસીઓ આ ખીર ત્યાં સુધી બનતી રહેશે જ્યાં સુધી કે અહીંથી દુકાળનો દેશવટો ન થાય. પણ એનો અર્થ એ નથી કે તમે પ્રયાસ અને પરિશ્રમ કરવાનું જ છોડી દો. તમારે શીઘ્ર જ તમારી ભૂલ સુધારવી પડશે અને વર્ષા ન થાય ત્યાં સુધી તમારે પ્રયત્નશીલ રહેવું પડશે.
એક ગ્રામજન: ‘પ્રભુ તમે અમારી કઈ ભૂલની વાત કરી રહ્યા છો. અમને કંઈ સમજાતું નથી.
કુમાર ગણેશ: ‘વર્ષા ન આવવાનું કારણ ઇન્દ્રદેવને ન આપતાં તમારા તરફથી પણ કંઈક શ્રમ કરો.’
એક ગ્રામજન: ‘કુમાર તમે એ બતાઓ કે અહીં વર્ષા કઈ રીતે થઈ શકે અને વર્ષા કરવાનું કામ તો ઇન્દ્ર દેવનું છે.’
કુમાર ગણેશ: ‘તમે તમારા દોષને દેવતાઓ પર નાખી તમારા કર્તવ્યથી દૂર નહીં થઈ શકો, ઇન્દ્રદેવના મેઘ માટે તમે કોઈ માર્ગ જ છોડયો નથી, તો ઇન્દ્રદેવ પણ શું કરશે? મેઘને વરસવા શિતળતાની જરૂરત હોય છે, અહીં તો તમે તમારા સ્વાર્થ ખાતર વૃક્ષો કાપીને શ્રૃષ્ટીના કાર્યમાં હસ્તક્ષેપ કર્યો છે. આ ક્ષેત્રને તમે મરુસ્થળ બનાવી દીધું છે, અહીંની હવામાં શીતળતા નહીં પણ તાપ છે અને આ તાપ ઇન્દ્રદેવના મેઘને બીજી દિશામાં મોકલી આપે છે અને પરિણામસ્વરૂપ તમારે અહીં દુકાળનો સામનો કરવો પડે છે. દુકાળથી છુટકારો પામવો હોય તો તમારા ક્ષેત્રમાં વધુને વધુ વૃક્ષો લગાવો. આ ક્ષેત્રમાં હરિયાળી લાવવો જ એક ઉપાય છે.’
એક ગ્રામજન: ‘પ્રભુ તમે આપેલું જ્ઞાન અમે વ્યર્થ નહીં જવા દઈએ, આજથી અમે અમારા ક્ષેત્રને હરિયાળી બનાવવાના પ્રયાસો શરૂ કરીશું, જેથી આવનારી પેઢીએ દુકાળનો સામનો ક્યારેય નહીં કરવો પડે.’
જ્ઞાન મળતાં જ ગ્રામવાસીઓ વૃક્ષો લગાવવાના કાર્યની શરૂઆત કરે છે.

ગ્રામવાસીઓને દુર્લભ જ્ઞાન આપી કુમાર ગણેશ કૈલાસ પરત ફરે છે. એ જ સમયે સપ્તર્ષિ પણ ત્યાં પ્રગટ થાય છે. સપ્તર્ષિઓને જોઈ ભગવાન શિવ કહે છે: ‘બોલો જ્ઞાનીઓ, અહીં પધારવાનું કારણ બતાવો.’
ઋશિ કશ્યપ: સૃષ્ટિના માનવો પોતાની મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ હેતુ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ આધ્યાત્મીક જીવનથી વિમુખ થઈ રહ્યા છે, અમે તમારા માર્ગદર્શન દ્વારા મનુષ્યને ખરી દિશા બતાવવા માગીએ છીએ. પ્રભુ પૂર્વકાળમાં જે ગ્રંથોની રચના થઈ હતી તે ગ્રંથોનો પ્રકાશ સાધારણ મનુષ્યો સુધી પહોંચી શકતો નથી. એ મનુષ્યોને અંધકારમન જીવનથી મુક્તિ નથી મળી રહી. આપણે આનો ઉકેલ શોધવો રહ્યો પ્રભુ, અને આ ઉકેલ તમારા હાથમાં છે પ્રભુ.’
ભગવાન શિવ: ‘સમયની સાથે બધું પરિવર્તિત થઈ રહ્યું છે, મનુષ્યો પણ તેમાંથી બાકાત નથી, કેમકે તેમની ચેતના નિરંતર વિકસીત થઈ રહી છે, નવા નવા દૃષ્ટિકોણ ઉત્પન્ન થઈ રહ્યા છે, નવા પ્રશ્ર્નો ઉદ્ભવી રહ્યા છે, નવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે, નવી પરિસ્થિતિઓનો સામનો કરવા હેતુ નવા નિયમ અને નવા વિચારોમાં પરિવર્તન લાવવા અનિવાર્ય છે, જેથી સમાજે તેને અપનાવવા કોઈ કઠિનાઈ ન હો, પરંતુ ધ્યાન રહે કે, એ વિચારધારા અને મુળભૂત સિદ્ધાંતોમાં કોઈ ફરક નહીં પડવો જોઈએ. તમે બધા કલ્પવૃક્ષ નીચે જમા થાઓ, એ સ્થળ વિશ્ર્વની ચર્ચાનો વિષય બનશે.
સપ્તર્ષિ વિદાય થતાં કુમાર ગણેશ કુતૂહલવશ ભગવાન શિવને કહે છે: ‘પિતાજી જ્ઞાન એટલે શું?’
ભગવાન શિવ: ‘જે પોતાની અને સમસ્ત સંસારની વાસ્તવિકતાને આપણો પરિચય કરાવે એને જ જ્ઞાન કહેવાય. જ્ઞાનના અભાવે સમસ્ત સંસારના જીવનને સમજવું અસંભવ છે. જીવનમાં જ્ઞાન વગર કોઈપણ સાચો નિર્ણય લેવો અસંભવ છે. જ્ઞાનના અભાવે કરેલી ઘોર તપસ્યાનું ફળ પણ કલ્યાણકારી હોતું નથી.’
કુમાર ગણેશ: ‘પિતાજી, મારે અથાગ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અને એ માટે હું સદાય તત્પર રહીશ.’
ભગવાન શિવ: ‘અવશ્ય પુત્ર.’
કુમાર ગણેશ: ‘પિતાજી આજથી જ શરૂ થઇ જાય.’
ભગવાન શિવ: ‘પુત્ર, સમય આવ્યે હું તમને બધું જ કહીશ.’
ભગવાન શિવ આટલું કહેતાં જ કુમાર ગણેશ ફરીવાર તેમના મિત્રો સાથે વિહાર કરવા નીકળી પડે છે.
માતા પાર્વતી: ‘સ્વામી મને ગણેશના જ્ઞાન બાબતે ખૂબ ચિંતા થાય છે.
ભગવાન શિવ: ‘પાર્વતી સંતાનના પ્રથમ ગુરુ તો માતા-પિતા જ હોય છે, માતા પિતાના આચરણથી જ એ પોતાનો પ્રથમ પાઠ શીખે છે, અને ગણેશ બાબતે એ પ્રક્રિયા તો આરંભ થઈ ચૂકી છે. તમને નથી ખબર પાર્વતી કે કુમાર ગણેશે એ દુકાળગ્રસ્ત વિસ્તારના માનવોને પ્રકૃતિને સમ્માન આપતા શીખવ્યાં. આપણે જીવન-યવનના જેટલા પણ ઉદાહરણો તેમની સમક્ષ પ્રસ્તુત કરશું તેટલું તેમનું જ્ઞાન વધશે.’ (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular