‘શિવસેના’ના બે સામસામા વ્હીપ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

નવા અધ્યક્ષ દ્વારા શિંદે જૂથનો શિવસેના વિધિમંડળ પક્ષ તરીકે ઉલ્લેખ

વંદન: શિંદે જૂથના વિધાનસભ્યોએ છત્રપતિ શિવાજીની પ્રતિમાને વંદન કરી વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના દ્વારા એક જ સમયે બે વ્હીપ જારી કરવામાં આવ્યાની અનોખી ઘટના નોંધાઈ હતી. શિવસેનાના ઠાકરે જૂથવતી સુનિલ પ્રભુએ વ્હીપ જારી કર્યો હતો અને બીજી તરફ શિંદે જૂથ તરફથી શિવસેનાના બધા જ વિધાનસભ્યોને રાહુલ નાર્વેકરની તરફેણમાં મતદાન કરવાનો વ્હીપ જારી કરવામાં આવ્યો હતો, પરંતુ ઠાકરે કેમ્પના ૧૬ વિધાનસભ્યોએ રાહુલ નાર્વેકરના વિરોધમાં મતદાન કર્યું હતું, એવી નોંધ કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે રહેલા વિધાનસભ્યોના જૂથ દ્વારા વિધાનપક્ષ અઘ્યક્ષ તરીકેની ચૂંટણીમાં રાહુલ નાર્વેકરને શિવસેનાના હરીફ ઉમેદવારના વિરોધમાં મતદાન કર્યું હતું. શિવસેનાના જૂથનેતા અજય ચૌધરીની માગણી પર આ વસ્તુને રેકોર્ડ પર લેવામાં આવી હતી. આ બાબત આગળની કાનૂની લડત માટે આવશ્યક હોવાનું પણ ચૌધરીએ જણાવ્યું હતું. બીજી તરફ શિંદે જૂથના વ્હીપ ભરત ગોગાવલેએ ફરિયાદ નોંધાવી હતી કે શિવસેના વિધિમંડળ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને શિવસેનાના ૧૬ વિધાનસભ્યોએ રાહુલ નાર્વેકરને મતદાન કર્યું નહોતું. તેમણે પોતાની ફરિયાદમાં શિવસેના વિધિમંડળ પક્ષના પ્રતોદ હોવાનો દાવો કર્યો હતો.
અજય ચૌધરી દ્વારા શિંદે જૂથ વિરુદ્ધ મતદાનમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યાની વાત રેકોર્ડ પર લેવામાં આવ્યા બાદ એકનાથ શિંદેનું ભાષણ ચાલુ હતું ત્યારે ફડણવીસે કેસરકરની સાથે કશી ચર્ચા કરી હતી અને મુખ્ય પ્રધાન સહિત બધા મહાનુભાવોના ભાષણ પુરા થયા બાદ ભરત ગોગાવલેએ જઈને રાહુલ નાર્વેકર પાસે જઈને શિવસેનાના ૧૬ વિધાનસભ્યો સામે પક્ષના આદેશનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ નોંધાવી હતી.
રવિવારના ઘટનાક્રમ પરથી એવું જણાઈ રહ્યું છે કે શિવસેના મૂળ પક્ષના વ્હીપ સુનિલ પ્રભુને બદલે વિધાનસભાના અધ્યક્ષ શિંદે જૂથને જ શિવસેના વિધિમંડળ પક્ષ તરીકેની માન્યતા આપવામાં આવશે. ફડણવીસની સલાહ પર થયેલી આ રમતને કારણે શિવસેના મૂળ પક્ષના વિધાનસભ્યો ગેરલાયક ઠરી શકે છે.
———-

૩૯ વિધાનસભ્યો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરો: અરવિંદ સાવંત
મુંબઈ: શિવસેનાના ૩૯ વિધાનસભ્યોએ પાર્ટીના વ્હીપના વિરોધમાં મતદાન કર્યું છે, આ બાબતને ધ્યાનમાં રાખીને ૩૯ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાની માગણી અમે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરી છે. આ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ અમે અધ્યક્ષ પાસે કરી છે, એમ શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંતે રવિવારે જણાવ્યું હતું.
———
યામીની જાધવ વખતે ‘ઈડી, ઈડી’
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં રવિવારે અધ્યક્ષની ચૂંટણી થઈ રહી હતી ત્યારે મુંબઈના ભાયખલા વિસ્તારના વિધાનસભ્ય યામિની જાધવને વિપક્ષી સભ્યો દ્વારા ચીડવવામાં આવ્યાનું ધ્યાનમાં આવ્યું હતું. યામિની જાધવ જેવા મતદાન માટે ઊભા થયા અને પોતાનો નંબર બોલવા લાગ્યા કે તરત વિપક્ષી વિધાનસભ્યોએ ઈડી, ઈડી બોલવાનું ચાલુ કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે યામિની જાધવના પતિ યશવંત જાધવ મુંબઈ મનપામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા અને તેમના પર આવકવેરા ખાતા તેમ જ ઈડી દ્વારા કાર્યવાહી કરાઈ હતી.
———–
જયંત પાટીલે મજાકમાં આપી ચીમકી
મુંબઈ: એનસીપીના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન જયંત પાટીલે અભિનંદન પ્રસ્તાવ પર બોલતાં જણાવ્યું હતું કે રાહુલ નાર્વેકરજી તમે અમારા જમાઈ છો. જો સભાગૃહમાં તમે અમારી વાત પર ધ્યાન નહીં આપો તો અમે અમારી દીકરીને તમારી ફરિયાદ કરીશું અને પછી તે તમારી ખબર લઈ નાખશે. પાટીલે કહ્યું હતું કે અબુ આઝમી મહારાષ્ટ્રમાં બોલી રહ્યા હતા એટલે દર વખતે તેમની વાત પર વાંધો ઉઠાવવો યોગ્ય નથી. ફડણવીસજી તમે ઓછામાં ઓછું એક વર્ષ માટે ઉપર સસરા અને નીચે જમાઈ અકબંધ રહે તેની વ્યવસ્થા કરજો.
———
અજિત પવારે ચલાવ્યા શબ્દબાણ
મુંબઈ: અજિત પવારે રવિવારે વિધાનસભાના વિશેષ અધિવેશનને સંબોધતાં જણાવ્યું હતું કે બધાને એવું લાગતું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન બનવાના છે, પરંતુ તેમણે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાની જાહેરાત કરતાં જ આખું મહારાષ્ટ્ર સ્તબ્ધ થઈ ગયું હતું. ગિરીશ મહાજન હજી પણ રડી રહ્યા છે. તેઓ પોતે ધારણ કરેલા ભગવા ફેંટાથી જ પોતાની આંખો લુછી રહ્યા છે. અભિનંદન પ્રસ્તાવ પર બોલતાં અજિત પવારે જણાવ્યું હતું કે ભાજપના લોકો નારાજ છે કે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન બનવાનો મોકો કેમ ગુમાવી દીધો. ભાજપ પાસે આજે ૧૦૫ વિધાનસભ્યો છે. તમે એક વખત સદ્વિવેકથી વિચારો શું તમે સંતુષ્ટ છો? આને માટે તેમણે ચંદ્રકાંત પાટીલ પર તીર ચલાવતાં કહ્યું હતું કે હવે તમે ઢોલ ન વગાડશો. તમને પ્રધાનપદું મળશે કે નહીં તેના પર પણ હજી સસ્પેન્સ છે.
———
શિવસેનાના શિંદે જૂથે વ્હિપનો ભંગ કર્યો: ઉપાધ્યક્ષનું નોટિંગ
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરની અધ્યક્ષ પદે નિયુક્તિ થઈ હોવાનું ઉપાધ્યક્ષ નરહરી ઝિરવાળે જાહેર કર્યું હતું, ત્યારબાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ, કૉંગ્રેસ વિધિમંડળ પાર્ટીના જૂથનેતા બાળાસાહેબ થોરાત તેમને અધ્યક્ષની ખુરશી સુધી દોરી ગયા હતા. ઝિરવાળ સહિત બધાની સાથે નાર્વેકરે હસ્તાંદોલન કર્યું હતું. જોકે, ઉપાધ્યક્ષે શિવસનાના શિંદે જૂથ દ્વારા શિવસેના પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હોવાથી આગામી દિવસોમાં આ મુદ્દે સમસ્યા નિર્માણ થઈ શકે એવું માનવામાં આવી રહ્યું છે.
———
દોઢ વર્ષથી રાજ્યપાલ ઊંઘતા હતા: કૉંગ્રેસ
મુંબઈ: સિનિયર કૉંગ્રેસી નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાળાસાહેબ થોરાતે રવિવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ટીકા કરતાં જણાવ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટેની માગણી કરવામાં આવી રહી હતી, પરંતુ તેઓ આ અંગેનો નિર્ણય લેતા નહોતા. ‘એવું લાગતું હતું કે જાણે તેઓ દોઢ વર્ષથી ઊંઘી રહ્યા હતા.’
અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું આપ્યું ત્યારથી વિધાનસભાના અધ્યક્ષની ખુરશી ખાલી રહી હતી. મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા અનેક વખત અધ્યક્ષની ચૂંટણી કરવાની પરવાનગી માગવામાં આવી હતી. આ વખતે બજેટસત્રમાં તેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પરંતુ પરવાનગી મળી નહોતી.
———–
એક પથ્થરથી કેટલા પક્ષી માર્યા: બાળાસાહેબ થોરાત
કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે રાહુલ નાર્વેકરને સંબોધતાં કહ્યું હતું કે તમે જ્યારે આદિત્ય ઠાકરેની નજીક હતા ત્યારે તેને કાયદો શીખવતા હતા. અજિત પવાર સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી, પરંતુ તમે કૉંગ્રેસને કેમ કિનારે કરી નાખી હતી. થોરાતે કહ્યું કે સભાગૃહમાં અનુભવી સભ્યને અધ્યક્ષ બનાવવાની પરંપરા છે, પરંતુ જેને પ્રધાન બનવું હતું તેને અધ્યક્ષ બનાવી નાખ્યા. દેવેન્દ્ર ફડણવીસજી તમે એક પથ્થરથી કેટલા પક્ષીનો શિકાર કરી નાખ્યો. અહીંથી રાજ્યનો કારભાર ચલાવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં અનેક સભ્યોને બોલવાની તક પણ મળી નથી. વિધાનસભાએ ઘણા મહાન લોકોને જોયા છે. નવા અધ્યક્ષ પાસેથી એવી અપેક્ષા રાખું છું કે તેઓ બધાને ન્યાય આપશે.
——–
૧૨ વિધાનસભ્યો રહ્યા ગેરહાજર
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના રવિવારે આયોજિત વિશેષ અધિવેશનમાં અધ્યક્ષપદની ચૂંટણી વખતે કુલ ૧૨ વિધાનસભ્યો ગેરહાજર રહ્યા હતા. આમાંથી ભાજપના બે વિધાનસભ્યો મુક્તા ટિળક અને લક્ષ્મણ જગતાપ ગંભીર બીમાર હોવાથી હૉસ્પિટલમાં છે. જ્યારે એનસીપીના બે વિધાનસભ્યો અનિલ દેશમુખ અને નવાબ મલિક મની લૉન્ડરિંગના કેસમાં જેલમાં છે. એઆઈએમઆઈએમના વિધાનસભ્ય મુફ્તી મોહમ્મદ ઈસ્માઈલ સત્રમાં હાજર રહ્યા નહોતા. ત્રણ વિધાનસભ્યો રઈસ શેખ, અબુ આઝમી (બંને સમાજવાદી પાર્ટી) અને શાહ ફારુખ (એઆઈએમઆઈએમ) સભાગૃહમાં હાજર હોવા છતાં તેઓ તટસ્થ રહ્યા હતા અને મતદાનમાં સહભાગી થયા નહોતા. તેમણે ઉદ્ધવ ઠાકરે દ્વારા છેલ્લી કેબિનેટની બેઠકમાં મંજૂર કરેલા નામકરણના પ્રસ્તાવનો વિરોધ હોવાનું કારણ આપ્યું હતું. કૉંગ્રેસના નેતા પ્રણીતી શિંદે અને જિતેશ અંતાપુરકર પણ ગૃહની કાર્યવાહીમાં ગેરહાજર રહ્યા હતા. એનસીપીના સૌથી વધુ પાંચ સભ્યો નિલેશ લંકે, દિલીપ મોહિતે પાટીલ, દત્તાત્રય ભરણે, બબન શિંદે અને અણ્ણા બનસોડે ગૃહની કાર્યવાહીમાં ગેરહાજર રહ્યા હતા.
———-
નવા વિધાનસભા અધ્યક્ષ અને કેટલાક વિક્રમો
મુંબઈ: મહારાષ્ટ્રના નવા વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની સાથે જ કેટલાક નવા વિક્રમો રચાયા છે. પહેલી વખત વિધાન મંડળના બે ગૃહોના સભાપતિ સસરા અને જમાઈ બન્યા છે. વિધાન પરિષદના સભાપતિ રામરાજે નિંબાળકર (એનસીપી) નવા વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના સસરા છે.
૪૫ વર્ષના રાહુલ નાર્વેકર આખા દેશના સૌથી યુવાન વિધાનસભા અધ્યક્ષ બન્યા છે, એવી માહિતી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી હતી.
વિધાનભવન જે વિસ્તારમાં આવેલું છે તે જ વિધાનસભા મતદારસંઘના ચૂંટાયેલા પ્રતિનિધિ વિધાનસભાના અધ્યક્ષ બને એવું પણ કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરની અધ્યક્ષ તરીકે વરણી સાથે પહેલી વખત બન્યુું છે. નાર્વેકર એનસીપી, શિવસેનામાં રહી ચૂક્યા છે અને એક સમયે તેઓ આદિત્ય ઠાકરેના અત્યંત નજદીકી હોવાનું કહેવાતું હતું.
———-
રવિ રાણાએ દેખાડી હનુમાન ચાલીસા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના રવિવારે આયોજિત વિશેષ અધિવેશનમાં સહભાગી થવા આવી રહેલા અપક્ષ વિધાનસભ્ય રવિ રાણાએ હનુમાન ચાલીસા દેખાડીને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને નીચા જોણું કરાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરે દ્વારા હનુમાન ચાલીસાના પઠન માટેની હાકલ કરવામાં આવ્યા બાદ રવિ રાણા અને તેમના પત્ની સંસદસભ્ય નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસા વાંચવાનું એલાન કર્યું હતું અને તેમણે હનુમાન ચાલીસાનું પઠન કર્યું ન હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. હવે હિન્દુત્વને મુદ્દે તેમનાથી અલગ થયેલા એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા છે ત્યારે તેમણે હનુમાન ચાલીસા દેખાડીને ઉદ્ધવ ઠાકરેના જખમો પર મીઠું ચોળવાનો પ્રયાસ કર્યો હતો.
———-
સુધીર મુનગંટીવારના ટોણાનો
આદિત્ય ઠાકરેએ આપ્યો જવાબ
મુંબઈ: સુધીર મુનગંટીવારે પોતાના ભાષણમાં આદિત્ય ઠાકરેની તરફ સંકેત કરતાં જણાવ્યું હતું કે તમારે મુખ્ય પ્રધાન બનવું હતું તો ધીરેથી કાનમાં કહી દેવું જોઈતું હતું. તેનો જવાબ આપતાં આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે અમે દેવેન્દ્ર ફડણવીસને અઢી વર્ષ પહેલાં જ કહ્યું હતું, પરંતુ તેમણે ત્યારે સાંભળ્યું નહોતું. જો તેમણે ત્યારે સાંભળ્યું હોત તો અત્યારે પરિસ્થિતિ અલગ હોત અને તેઓ આજે મુખ્ય પ્રધાન બન્યા હોત. અમેં તેમના કાનમાં જ કહ્યું હતું, પરંતુ તેમણે અમારી વાત સાંભળી નહોતી. આદિત્ય ઠાકરેએ આ પહેલાં એમ પણ કહ્યું હતું કે શિંદે જૂથના વિધાનસભ્યો મુંબઈમાં આવ્યા ત્યારે તેમને જેટલી સુરક્ષા આપવામાં આવી હતી તેટલી સુરક્ષા તો કસાબને પણ આપવામાં આવી નહોતી.
———-
શહાજી પાટીલના મતદાન વખતે કાય ઝાડી, કાય ડોંગર.. ગુંજ્યા
મુંબઈ: શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ તેઓ ગુવાહાટીમાં હતા ત્યારે તેમણે ગુવાહાટીના કુદરતી સૌંદર્યનું વર્ણન કરતાં સાંગોલાના વિધાનસભ્ય શહાજી પાટીલે કહ્યું હતું કે કાય ઝાડી, કાય ડોંગર, કાય હોટેલ… એકદમ ઓકે. તેમનો આ સંવાદ ત્યારે મહારાષ્ટ્રમાં ઘણો ચર્ચામાં રહ્યો હતો અને તે સંવાદ હજી પણ લોકપ્રિય હોવાનો પુરાવો રવિવારે વિધાનસભામાં મળ્યો હતો. શહાજી પાટીલ જ્યારે મતદાન કરવા માટે ઊભા થયા ત્યારે મતદાન ‘હેડ કાઉન્ટ’ પદ્ધતિએ થઈ રહ્યું હોવાથી તેમને પોતાની જગ્યા પર ઊભા થઈને પોતાનો ક્રમાંક જણાવીને નામ બોલવાનું હતું. તેઓ ઊભા થતાં જ વિપક્ષી બાંકડા પર બેઠેલા વિધાનસભ્યોએ એકસૂરમાં ‘કાય ડોંગર, કાય ઝાડી.. ’ બોલવાનું ચાલુ કરતાં સભાગૃહમાં ભારે હસાહસી થઈ હતી.
———-
એકનાથ શિંદેએ કહ્યું ઈતિહાસ ઘડાયો
મુંબઈ: એકનાથ શિંદેએ અધ્યક્ષ પદે ચૂંટાયેલા રાહુલ નાર્વેકરના અભિનંદન પ્રસ્તાવ પર બોલતાં જણાવ્યું હતું કે દેશમાં પહેલી વખત એવું બન્યું હતું કે સત્તામાં રહેલા લોકોએ અલગ થવું પડ્યું. શિવસેના અને ભાજપની સરકાર આવી ગઈ છે, અથવા તો એમ કહો કે અમારી અને ભાજપની સરકાર આવી ગઈ છે. રાહુલ નાર્વેકર વિધાનસભાના અધ્યક્ષ બની ગયા છે. મારી સાથે રહેલા ૫૦ સભ્યોએ મારા જેવા એક નાના કાર્યકર્તા પર અભૂતપૂર્વ ભરોસો દાખવ્યો હતો. કેટલાક લોકો કહી રહ્યા હતા કે અમારી પાસે ૧૫-૨૦ વિધાનસભ્યો છે જેઓ અત્યારે ગયા છે, પરંતુ પાછા આવી જશે. મેં તેમને પડકાર ફેંક્યો હતો કે તેઓ કોણ છે તેમના નામ આપો. મને ૫૦ વિધાનસભ્યો સાથે મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યો તે માટે હું વડા પ્રધાન મોદી અને અમિત શાહને ધન્યવાદ આપું છું.
———-
દર્શક ગેલેરીમાં શિવસેનાના મિલીંદ નાર્વેકર સહિત દિગ્ગજો હાજર
મુંબઈ: રાજ્ય વિધાનસભામાં રવિવારે અધ્યક્ષની ચૂંટણી વખતે વિધાનસભાની દર્શક ગેલેરીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અંગત સચિવ મિલીંદ નાર્વેકર સહિત પક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. વિધાનસભાની દર્શક ગેલેરીમાં શિવસેનાના દિગ્ગજ નેતા અનિલ પરબ, મિલીંદ નાર્વેકર, અનિલ દેસાઈ, સંસદસભ્ય અરવિંદ સાવંત, સંસદસભ્ય વિનાયક રાઉત, વિધાનસભ્ય સચિન
આહિર વિધાનસભામાં બની રહેલી ઘટના પર નજર રાખી રહ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે શિવસેના તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુવાહાટીમાં ગયેલા વિધાનસભ્યોમાંથી અનેક લોકો ફ્લોર-ટેસ્ટ વખતે શિવસેનાની સાથે હશે. અધ્યક્ષની ચૂંટણીમાં થયેલી મીની ફ્લોર-ટેસ્ટમાં આવું અપેક્ષિત પરિણામ જોવા મળ્યું નહોતું.
તેમણે શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેનું ભાષણ એકધ્યાન થઈને સાંભળ્યું હતું, એટલું જ નહીં એનસીપીના નેતાઓના ભાષણ પણ તેઓ ધ્યાનથી સાંભળી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.