શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીએ છ ઠરાવ પસાર કર્યા

આમચી મુંબઈ

શિવસેનાના કાર્યકારી સત્તાવાળાઓ બળવાખોર વિધાનસભ્યો સામે પગલાં લેશે અન્ય કોઇ સંગઠન બાળ ઠાકરેના નામનો ઉપયોગ કરી ન શકે

મુંબઈ: ત્રિપક્ષીય મહારાષ્ટ્ર સરકાર માટે મુશ્કેલીઓ ઓર વધી રહી છે, કારણ કે ૪૦થી વધુ બળવાખોરી કરનારા વિધાનસભ્યોએ હવે પોતાને ‘શિવસેના બાળાસાહેબ’ તરીકે ઓળખાવ્યા છે. આના પર તીવ્ર પ્રતિક્રિયા આપતાં શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીએ શનિવારે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં એવું જણાવાયું હતું કે અન્ય કોઇ પણ રાજકીય સંગઠન શિવસેના અને તેના સ્થાપક દિવંગત બાળાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરી શકશે નહીં. તેઓએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેને બળવાખોરો સામે પગલાં લેવા માટે મંજૂરી આપી છે. ‘કેટલાક લોકો મને કંઇક કહેવા માટે કહી રહ્યા છે, પરંતુ મેં પહેલેથી જ કહ્યું હતું કે તેઓ (બળવાખોરો) જે કરવા માગે છે તે કરી શકે છે… હું તેમની બાબતોમાં દખલ નહીં કરીશ. તેઓ તેમનો નિર્ણય કરી શકે છે, પણ તેઓ બાળાસાહેબના નામનો ઉપયોગ ન કરી શકે, એવું મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું. કારોબારીએ કહ્યું હતું કે શિવસેના બાળ ઠાકરેની છે અને હિન્દુત્વ અને મરાઠી ગૌરવની તેમની ઉગ્ર વિચારધારાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ
છે. શિવસેના ક્યારેય આ માર્ગથી ભટકશે નહીં, એવું રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું. કારોબારીએ એક ઠરાવ પસાર કર્યો છે જેમાં શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પાર્ટી સાથે દગો કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તમામ સત્તા આપવામાં આવી છે. શનિવારે હાથ ધરાયેલી બેઠકમાં છ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં કોવિડ-૧૯ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કુશળતાપૂર્વક કાર્ય કરવા બદલ અને છેલ્લાં અઢી વર્ષ દરમિયાન વિકાસનાં કામો કરવા બદલ અભિનંદન આપવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રીય કારોબારીએ વિદ્રોહી વિધાનસભ્યની નિંદા કરી હતી. રાઉતે એમ પણ કહ્યું હતું કે બળવાખોરો મત મેળવવા માટે બાળ ઠાકરેના નામનો ઉપયોગ ન કરી શકે.
બાળાસાહેબ અને શિવસેના સિક્કાની બે બાજુ છે અને શિવસેના સિવાય કોઇ પણ તેના નામનો ઉપયોગ ન કરી શકે, એવું એક ઠરાવ વાંચતાં રાઉતે જણાવ્યું હતું. કારોબારીએ ઠરાવમાં એવું પણ કહ્યું હતું કે આગામી મહાપાલિકામાં પક્ષ ચૂંટણી લડશે અને જીતશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેનાના વરિષ્ઠ નેતા અનંત ગિતે અને રામદાસ કદમ, જેઓ રાષ્ટ્રીય કારોબારીના સભ્યો છે મીટિંગમાં હાજર નહોતા રહ્યા. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.