શિવસેનાના નેતા અર્જુન ખોટકરે આજે આખરે મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે, એવો પૂર્વ મંત્રી અને ઔરંગાબાદ જિલ્લાના સિલ્લોડ મતવિસ્તારના ધારાસભ્ય અબ્દુલ સત્તારે દાવો કર્યો હતો.
ખોટકર જાલના જિલ્લાના છે. 2014થી 2019 દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં તેઓ મંત્રીપદે હતા. હાલમાં જ તેમને ઉદ્ધવ ઠાકરે દ્વારા શિવસેનાના ઉપનેતાના પદ પર પ્રમોટ કરવામાં આવ્યા હતા.
“ખોટકર શિવસેનાની બળવાખોર છાવણીમાં જોડાવા અંગે મૂંઝવણમાં હતા, પરંતુ મેં તેમની મૂંઝવણ દૂર કરી. હવે તે સિલ્લોડમાં 31 જુલાઈએ એકનાથ શિંદેની શિબિરમાં જોડાશે. તેમની સાથે સ્થાનિક બજાર સમિતિના સભ્યો, ભૂતપૂર્વ કોર્પોરેટરો પણ શિંદે કેમ્પમાં જોડાશે.” એવો દાવો સેનાના બળવાખોર ધારાસભ્ય અબ્દુલ સત્તારે કર્યો હતો.
શિવસેનાએ લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે સામે અર્જુન ખોટકરને મેદાનમાં ઉતારવા જોઇએ, એવા તેમના ભૂતકાળના નિવેદન વિશે પૂછવામાં આવ્યા ત્યારે અબ્દુલ સત્તારે જણાવ્યું હતું કે, “અમારો દાવો જાલના લોકસભા મતવિસ્તાર પર હજુ પણ છે. પરંતુ દાનવે અને તેમના પક્ષના અન્ય સભ્યોએ હવે આ અંગે નિર્ણય લેવા આગળ વધવું જોઈએ. રાજ્યની રાજકીય પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે.”
