Mumbai: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પહેલા શિવસેનાએ ગુરુવારે તેમના વિધાનસભ્યોને પવઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં શિફ્ટ કર્યા છે. નોંધનીય છે કે સપ્તાહ પહેલા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ જીતે એવી શક્યતાઓ વચ્ચે શિવસેનાએ પાણી પહેલા પાળ બાંધવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે મોડી રાત્રે શિવસેનાના વિધાનસભ્યો અને કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે હોટેલ પહોંચ્યા હતાં.
મહાવિકાસ આઘાડી સરકારનું નેતૃત્ત્વ કરનારી શિવસેના પાર્ટીએ વિધાનસભ્યોને ટોંચના નેતાઓ સાથે મિટીંગ માટે બોલાવ્યા હતાં અને ત્યારબાદ પાર્ટીના નેતા અનિલ દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે વિધાન પરિષદની ચૂંટણી પહેલા રાખવામાં આવતી સાવચેતીઓ અંગે અવગત કરાવ્યા હતાં અને તમામ અપક્ષ વિધાનસભ્યો અને નાની પાર્ટીઓ મહા વિકાસ આઘાડીને સમર્થન કરી રહ્યા છે.
રાજ્યસભાની જેમ વિધાન પરિષદની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિધાન પરિષદની 10 ખાલી સીટ માટે 11 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. MLC ચૂંટણીની રેસમાં ભાજપના પાંચ, શિવસેના કોંગ્રેસ અને એનસીપીના બે-બે ઉમેદવારો સામેલ છે.
આ ચૂંટણીમાં એક ઉમેદવારને ચૂંટણી જીતવા માટે ઓછામાં ઓછા 27 વોટની જરૂર પડશે. આંકડા અનુસાર શિવસેના અને એનસીપી મળીને ચાર ઉમેદવારને જીત અપાવવામાં સક્ષમ છે. કોંગ્રેસ પણ પોતાનો એક ઉમેદવારને જીત અપાવી દેશેસ પરંતુ બીજી ઉમેદવારને જીતાડવા માટે 10 વોટની વધુ જરૂર પડશે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાજપની વાત કરીએ તો પાર્ટી ચાર સીટ પર આસાનીથી જીત મેળવી શકશે, પરંતુ પાંચમાં ઉમેદવારને જીત અપાવવા માટે 22 વધુ મતની જરૂર પડશે. તેથી આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મહાસંગ્રામ જોવા મળશે.
