શિવસેનાના પ્રતીક કેસની પહેલી ઑગસ્ટે સુનાવણી

દેશ વિદેશ

નવી દિલ્હી: શિવસેનાના ચૂંટણી પ્રતીક ‘ધનુષ્યબાણ’ પર અધિકારનો એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથોનો કાનૂની વિવાદ સર્વોચ્ચ અદાલતમાં આગળ વધી રહ્યો છે. મહારાષ્ટ્રના એકનાથ શિંદે (હાલના મુખ્ય પ્રધાન) જૂથની ‘અસલ શિવસેના’ તરીકે માન્યતા બાબતની અરજી સંદર્ભે ચૂંટણીપંચની કાર્યવાહીને પડકારતી ઉદ્ધવ ઠાકરે (ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) જૂથની અરજીની સુનાવણી પહેલી ઑગસ્ટે કરવા માટે સર્વોચ્ચ અદાલત સંમત થઈ છે.
ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબલે ચીફ જસ્ટિસ એન.વી. રમણ્ણા, જસ્ટિસ ક્રિશ્ર્ના મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની બૅન્ચને ઉપરોક્ત શિંદે જૂથને માન્યતા સંબંધી અરજી પર ચૂંટણી પંચની કાર્યવાહી રોકવાનો અનુરોધ કર્યો હતો. એ કાર્યવાહીથી કેસની સુનાવણી પર અસર થવાની શક્યતા કપિલ સિબલે દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીપંચની એ કાર્યવાહીથી અદાલતમાં નિકાલ માટે પ્રતિક્ષિત કેસોને નિરર્થક બનાવે એવી શક્યતા છે.
શિંદે જૂથના વકીલ સિનિયર ઍડ્વોકેટ એન.કે. કૌલે જણાવ્યું હતું કે અદાલતમાં ચાલતા કેસ અને ચૂંટણીપંચ સમક્ષની બાબત અલગ અલગ છે. સર્વોચ્ચ અદાલતમાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અને ગૃહમાં બહુમતી સાબિત કરવાના ફ્લોર ટેસ્ટ જેવા વિષયોના કેસ છે. ચૂંટણી
પંચ સમક્ષ પક્ષના ચૂંટણી પ્રતીકની ફાળવણીના મુદ્દાને એ કેસ સાથે કંઈ સંબંધ નથી.
એ વખતે ન્યાયમૂર્તિઓએ પૂછ્યું હતું કે ચૂંટણીપંચ સમક્ષની બાબત કયા તબક્કે પહોંચી છે? તેના જવાબમાં વકીલ એન. કે. કૌલે કહ્યું હતું કે ચૂંટણી પંચે પક્ષના પ્રતીક પર હકદાવાના સમર્થનના દસ્તાવેજો ૮ ઑગસ્ટ સુધીમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
અગાઉ શિવસેનાના ચૂંટણી પ્રતીક ‘ધનુષ્યબાણ’ પર અધિકાર બાબતે પક્ષના ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથોના સામસામા દાવાના અનુસંધાનમાં ૮ ઑગસ્ટ સુધીમાં દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ ચૂંટણીપંચે આપ્યો હતો. ચૂંટણીપંચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષના સંગઠન તથા પક્ષના વિધાનસભા અને સંસદીય એકમોના પત્રો અને હરીફ જૂથોના નિવેદનો માગ્યા છે. સરકારના ઇલેક્શન સિમ્બૉલ્સ (રિઝર્વેશન ઍન્ડ એલોટમેન્ટ) ઓર્ડર, ૧૯૬૮ના પેરેગ્રાફ-૧૫માં સૂચિત આવશ્યકતાઓ પ્રમાણે દસ્તાવેજો માગવામાં આવ્યા છે.
કેટલાક દિવસો પૂર્વે શિવસેનાના શિંદે જૂથે લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રાપ્ત માન્યતાના આધારે ‘ધનુષ્યબાણ’નું પ્રતીક ફાળવવાનો અનુરોધ કરતો પત્ર ચૂંટણી પંચને લખ્યો હતો. કોઈપણ પક્ષ માહિતીથી વંચિત ન રહે એ માટે છેલ્લા બે દિવસોમાં સુપરત કરાયેલા દસ્તાવેજોનું પરસ્પર આદાન-પ્રદાન કરવાની સૂચના શનિવારે ચૂંટણીપંચે આપી હતી. પંચના એક માજી અધિકારીએ જણાવ્યું હતું કે હાલ પ્રારંભિક તબક્કાની કાર્યવાહી ચાલી રહી છે. દાવા અને દસ્તાવેજોની ચકાસણી આગળના તબક્કે કરવામાં આવશે.
ચૂંટણી પ્રતીક માટે શિંદે જૂથના દાવાની સુનાવણી વેળા પોતાની કૅફિયત સાંભળવાની માગણી કરતો પત્ર ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણીપંચને લખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણીપંચને રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું નોટિફિકેશન બે અઠવાડિયામાં બહાર પાડવાનો નિર્દેશ આપ્યો હોવાથી હાલના સંજોગોમાં શિવસેનાના બન્ને જૂથોના ચૂંટણી પ્રતીક માટેના દાવાનું મહત્ત્વ વધી જાય છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.