સમર્થન: શિવસેનાના વિધાનસભ્યોએ ખૂદ પક્ષની સામે બળવો કર્યા બાદ રવિવારે શિવસૈનિકોએ સેના ભવન નજીક ટૂ-વ્હિલરની રેલી કાઢીને બળવાખોર જૂથના વિધાનસભ્યોની સામે હલ્લાબોલ બોલાવ્યો હતો. (અમય ખરાડે)
મુંબઈ: શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે અને અન્ય વિધાનસભ્યોએ શિવસેના સામે બળવો કરતા મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઊભું કર્યું છે ત્યારે શિવસેનાના પ્રમુખ અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પક્ષના કાર્યકરો સાથે ટુ-વ્હિલર રેલીનું આયોજન કર્યું હતું અને પુણેમાં તો અસંતુષ્ટ નેતાઓની સામે પક્ષના કાર્યકરોએ જોરદાર વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. પુણેમાં શહેર એકમના પ્રમુખ ગજાનન થરકુડેની આગેવાનીમાં સ્થાનિક કાર્યરોની સાથે રવિવારે જોરદાર વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. શહેરમાં બાલગાંધર્વ ઓડિટોરિયમ અને કોથરુડ એમ બે જગ્યાએ સ્ટેજ પ્રોટેસ્ટ દરમિયાન ‘જોડે મારો’ નામે પ્રદર્શન કર્યું હતું. પક્ષના કાર્યકરોએ શિંદેના ફોટો સાથે જોડા માર્યા હતા. આ પ્રદર્શન કરવાનો એક સ્પષ્ટ સંદેશ છે કે શિવસૈનિકો વિશ્ર્વાસઘાતીઓ કે રાજદ્રોહીઓને ક્યારેય માફી આપશે નહીં. મુંબઈમાં કાઢવામાં આવેલી રેલીમાં પક્ષના કાર્યકરો, સ્થાનિક કોર્પોરેટર્સ, પક્ષના પદાધિકારીઓ અને કામદારોએ ભાગ લીધી હતો, એવું ઉમેરતા થરકુડેએ કહ્યું હતું કે ઠાકરેની આગેવાની હેઠળ ટૂ-વ્હિલર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.