(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યના મહાપુરુષો માટે વાપરેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા હજી પણ પડી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના કાર્યકર્તાઓએ શનિવારે અમરાવતીમાં રાજ્યપાલના રસાલા સામે દેખાવો, સૂત્રોચ્ચાર કર્યા હતા તેમ જ આ રસાલાને ચપ્પલો દાખવ્યાં હતાં.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સીમાના જિલ્લાના વિવિધ પ્રશ્ર્ને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ વચ્ચે એક બેઠકનું આયોજન ડૉ. પંજાબરાવ દેશમુખ પ્રશાસકીય પ્રબોધિનીમાં કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જતી વખતે રાજ્યપાલ યુનિવર્સિટી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હાઈ-વે પરના બ્રિજ પર ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
શિવસૈનિકોએ પ્રબોધિનીમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. શિવસૈનિકોએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે રાજ્યપાલના રસાલાને ચપ્પલો દેખાડ્યાં હતાં. પોલીસે આંદોલન કરનારા કાર્યકર્તાઓને તરત જ અટકાયત કરી હતી.
અમરાવતીમાં રાજ્યપાલના રસાલાને શિવસૈનિકોએ દેખાડ્યાં ચપ્પલ
RELATED ARTICLES