શિવ રહસ્ય – ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: કોઈ અસુર દ્વારા દેવરાજ ઇન્દ્રને મળેલા પડકારથી દેવરાજ ઈન્દ્ર ડઘાઈ જાય છે અને દેવરાજ ઈન્દ્રનો બચાવ કરવા પવનદેવ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી ફૂંક મારે છે પણ એ ઘાસનું તણખલું હલતું નથી. પવનદેવને બચાવવા અગ્નિદેવ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી એ ઘાસના તણખલા પર અગ્નિ ફેકે છે પણ એ ઘાસનું તણખલું સળગતું નથી. હવે અગ્નિદેવને બચાવવા વરુણદેવ પોતાની સંપૂર્ણ શક્તિથી એ ઘાસના તણખલા પર પોતાની ધારાનો મારો ચલાવે છે પણ એ ઘાસનું તણખલું ટસનું મસ થતું નથી કે હલતું નથી. દેવગણોમાં વ્યાપેલી તંગદિલી જોઈ દેવરાજ ઈન્દ્ર એ તણખલા પર પ્રહાર કરે છે. તણખલું જરાપણ ન હલતાં દેવરાજ ઈન્દ્ર નિ:સહાય થઈ જતાં પૂછે છે, ‘હે પરાક્રમી વીર તમે કોણ છો?’ એજ સમયે ત્યાં દેવર્ષિ નારદ ત્યાં ઉપસ્થિત થઇ કહે છે, ‘એકમાત્ર શક્તિ જેના તેજથી સમગ્ર સંસાર પ્રકાશમાન છે. એ જીવનદાયી શક્તિ જેના વગર મન વિચારવા યોગ્ય નથી, કાન સાંભળવા યોગ્ય નથી અને જીભ વાણી યોગ્ય નથી. એમને ઓળખવા સંભવ જ નથી, દરેક એમને માને છે પણ એમના સંપૂર્ણ રૂપને કોઈ નથી જાણતું, અને કોઈને આભાસ હોય કે એમને તેઓ સંપૂર્ણ રીતે જાણી ગયા છે તો એ નથી જાણતો કે અત્યાર સુધી તે કંઈ સમજ્યો જ નથી, એમના અભાવમાં સૃષ્ટિ શબ સમાન છે, તેઓ દેવોના દેવ મહાદેવ છે. ઓળખ થઈ જતાં ભગવાન શિવ મૂળ સ્વરૂપમાં આવતાં દેવરાજ ઈન્દ્ર પશ્ર્ચાતાપ કરવા તૈયાર થાય છે ત્યારે ભગવાન શિવ કહે છે, ‘દેવરાજ પશ્ર્ચાતાપની કોઈ જરૂરત નથી. પશ્ર્ચાતાપનો અર્થ છે તમે જે કર્યું તેનો પસ્તાવો કરવો, પસ્તાવો કર્યા બાદ તમે કરેલા દુષ્કૃત્યમાં દોષ અવશ્ય દેખાશે, પણ તમારામાં દોષ નહીં દેખાય અને તમારામાં દોષો નહીં દેખાય ત્યાં સુધી તમારો અહંકાર અને અહમ સુરક્ષિત રહેશે, તેથી આપ સહુ માટે પસ્તાવો નહીં પ્રાયશ્ર્ચિત કરવું જરૂરી છે, કેમકે પ્રાયશ્ર્ચિત પાપમોચન છે, પાપને સમાપ્ત કરવાની પ્રક્રિયા છે. જો ફક્ત પશ્ર્ચાતાપ કરશો તો એ ભૂલો વારંવાર કરતા રહેશો તો કદાચ સંસારના વિનાશનું કારણ પણ બનશો. આટલું કહી ભગવાન શિવ ત્યાંથી વિદાય લેતાં અસુર ગુરુ શુક્રાચાર્ય અને અસુર ગણો પણ ત્યાંથી વિદાય લે છે. દેવગુરુ બૃહસ્પતિ દેવર્ષિ નારદને કહે છે: ‘હે દેવર્ષિ તમે તો બ્રહ્માપુત્ર છો તમને બધુ જ જ્ઞાત છે તમે જણાવો કે દેવગણોએ કઈ રીતે પશ્ર્ચાતાપ કરવો? તેના જવાબમાં દેવર્ષિ નારદ કહે છે, ‘દેવગણોએ સ્વર્ગ પહોંચી અહમ અને અહંકારને ત્યાગી સૃષ્ટિના ઉત્કર્ષ માટેના કાર્યો કરવા જોઈએ અને વધુમાં વધુ સમય ત્રિદેવની તપસ્યા કરવી જોઈએ.
* * *
ઘણા સમય બાદ કૈલાસ પહોંચેલા ભગવાન શિવને જોઈ માતા પાર્વતી અને અશોકસુંદરી હર્ષ અનુભવે છે. શિવગણોમાં આનંદ ઉલ્લાસ વ્યાપી જાય છે. નંદી અને ભૃંગી ભગવાન શિવની બેઠક સજાવે છે. કૈલાસ ખાતે દરેક જણ ભગવાન શિવની સેવામાં મગ્ન થઈ જાય છે. તે સમયે અશોકસુંદરી કહે છે
અશોકસુંદરી: ‘પિતાજી આ દેવગણ અને અસુરો વચ્ચે થોડા થોડા સમય બાદ ઘર્ષણ કેમ થયા કરે છે હંમેશાં તમારે અથવા શ્રીહરિ વિષ્ણુએ કોઈને કોઈ અસુરનો વધ કરતા રહેવું પડે છે, અસુરો સંસારમાં અરાજકતા કેમ ફેલાવતા રહે છે તેઓ શાંતિથી કેમ રહી શકતા નથી.
ભગવાન શિવ: ‘સંસારમાં શત્રુ એટલે અસુર નહીં, મનુષ્યના મનમાં ઉત્પન્ન થતાં લોભ, અહંકાર અને મહત્ત્વાકાંક્ષા જ અસુરતા છે. જે મનુષ્ય આ ત્રણ ભાવોના આધિન છે તે અસુર છે. જ્યાં સુધી આ સંસારમાં આ ત્રણ ભાવ રહેશે ત્યાં સુધી આ સંસાર પર સંકટના વાદળ મંડરાતા રહેશે. જ્યાં સુધી સંસારમાં એકતા અને સમાનતા નહીં થાય ત્યાં સુધી સંસાર વિભાજિત રહેશે અને યુદ્ધ કરતા રહેશે. જે શક્તિશાળી હશે એ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની કોશિશ કરશે, જે નિર્બળ હશે તેમના પર અત્યાચાર થતા રહેશે. ફરી કોઈ શક્તિશાળી પોતાને ઈશ્ર્વર તરીકે સ્થાપિત કરવાની કોશિશ કરશે અને ત્યારે મારે અથવા શ્રીહરિ વિષ્ણુએ અવતાર લઈ તેનો વધ કરવો પડશે.
અશોકસુંદરી: પિતાજી જો સંસારમાં એકતા અને સમાનતા થઈ જાય તો કોઈ શક્તિશાળી ન બને કે કોઈ નિર્બળ ન રહે. દેવગણોએ સંસારમાં એકતા અને સમાનતા માટે કાર્ય કરવું જોઈએ. તમે દેવરાજ ઇન્દ્રને બોલાવી આદેશ આપો કે તેઓ એકતા અને સમાનતા માટે કાર્ય કરે.
એજ સમયે દેવર્ષિ નારદ ત્યાં ઉપસ્થિત થાય છે અને કહે છે, ‘મેં દેવરાજ ઇન્દ્રને કહ્યું છે કે, અહમ અને અહંકારને ત્યાગી સૃષ્ટિના ઉત્કર્ષ માટેના કાર્યો કરવા જોઈએ અને વધુમાં વધુ સમય ત્રિદેવની તપસ્યા કરવી જોઈએ.
ભગવાન શિવ: ‘દરેક અસુરના વધ માટે મેં અને શ્રીહરિ વિષ્ણુએ તેમને બોધ આપ્યો જ છે પણ એ રહ્યા દેવરાજ ઇન્દ્ર સમજે ખરા?’
અશોકસુંદરી: ‘પિતાજી તમે નહોતા ત્યારે મહર્ષિ દધિચીની કથામાં તપસ્યાનું વર્ણન અવશ્ય હોય છે, તો મને તપસ્યા વિશે માર્ગદર્શન આપો, હું એ જાણવા માંગુ છું કે તપસ્યા શું છે?
ભગવાન શિવ: ‘તપોધન દશાનમ એટલે નિશ્ર્ચિત કરેલી વસ્તુ માટે શરીરને તપાવવાની ક્રિયા.’
અશોકસુંદરી: ‘શરીનને તપાવવાની ક્રિયા?’
ભગવાન શિવ: ‘પોતાનું સર્વસ્વ ત્યાગી, કઠિન પરિસ્થિતિઓને અપનાવી, કષ્ટને સહન કરવું એ જ તપસ્યા છે.’
અશોકસુંદરી: ‘તપસ્યા કરવા ર્સ્વસ્વ ત્યાગવું અને કષ્ટ સહન કરવું શું કામ?’
ભગવાન શિવ: ‘સર્વસ્વ ત્યાગી, કષ્ટ સહન કરવું આવશ્યક છે પુત્રી, જે પ્રમાણે અગ્નિમાં તપી કોઈપણ વસ્તુ પવિત્ર થઈ જાય છે તેમ તપસ્યારૂપી અગ્નિથી આપણા પાપનો નાશ થાય છે અને શરીર અને મન પવિત્ર થાય છે, એકતા અને સમાનતાની ભાવના ઉત્પન્ન થાય છે. તપસ્યા જ એક એવું માધ્યમ છે જે વ્યક્તિને ઈશ્ર્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તપસ્યા જ વરદાન મેળવવાનો માર્ગ છે, કોઈક વ્યક્તિ એ વરદાનનો દુરુપયોગ અવશ્ય કરે છે તો કોઈ આધ્યાત્મિક જ્ઞાનથી વિકાસનો માર્ગ બનાવી પોતાનું જીવન સિદ્ધ કરે છે.
માતા પાર્વતી: ‘પુત્રી અશોકસુંદરી, તપસ્યા એક એવું માધ્યમ છે જે તમારા જીવનને એવી ઉંચાઈએ લઈ જાય છે જેની તમે ચાહના કરી હોય, મેં તપસ્યાના માધ્યમથી જ તારા પિતાજીને મેળવ્યા હતા.’
અશોકસુંદરી: ‘શું માતા મારે પણ તપસ્યા કરવી જોઈએ?’
માતા પાર્વતી: ‘નહીં, હજી તમે બહુ નાના છો, જાઓ નંદી અને શિવગણો સાથે રમવા જાઓ.’
અશોકસુંદરી શિવગણો સાથે રમવા જતાં ભગવાન શિવ કહે છે:
ભગવાન શિવ: ‘પાર્વતી તમે અશોકસુંદરીને તપસ્યા માટે કેમ ના પાડી?’
માતા પાર્વતી: ‘તમને એક માતાની વેદના કેવી રીતે સમજાશે?’
ભગવાન શિવ: ‘મેં પહેલેથી જ કાર્તિકેયને દક્ષિણ મોકલી દીધો છે અને એક સખી જેવી દીકરી અશોકસુંદરી જો તપસ્યા કરવા ચાલી જાય તો તમે એકલા પડી જાવ એટલું જ ને?’
માત પાર્વતી: ‘હા.’
ભગવાન શિવ: ‘મને પામવા તમે પણ તપસ્યા જ કરી હતી, તપસ્યાનો અર્થ તમારાથી વધારે કોણ જાણી શકે, હવે આપણી પુત્રી જો તપસ્યાનો નિર્ણય કરે તો આપત્તી કેમ?’
માતા પાર્વતી: ‘મારી ચિંતા તમે નહીં સમજી શકો સ્વામી.’
ભગવાન શિવ: ‘સદાય માતા-પિતા પર આશ્રિત રહેનાર સંતાનની ઉન્નતિ સંભવ નથી, તેમણે તેમનું કાર્યક્ષેત્ર અને ઉદ્દેશ પરિપૂર્ણ કરવા પોતાનો માર્ગ સ્વયં શોધવો પડે છે અને માતાપિતા દ્વારા તેમને અવરોધવા અનુચિત નથી.’
* * *
દક્ષિણ ખાતે કુમાર કાર્તિકેય ધ્યાનમાં બેસે છે પણ તેમનું ધ્યાન કેન્દ્રિત થતું નથી.
નમ્બીકુમારી: ‘સેનાપતિ મુરુગન હું જોઈ રહી છું કે તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, શું થઈ રહ્યું છે.’
કુમાર કાર્તિકેય: ‘હું ધ્યાન કેન્દ્રિત કરવા જાઉં છું ત્યાં મારી માતા દુ:ખી થઈ રહ્યા હોય તેવો આભાસ થાય છે, શું કરું સમજાતું નથી.’
નમ્બીકુમારી: ‘અહીં કોઈને ખબર ન પડે તેમ તમારે માતા પાર્વતીને મળવા જવું જોઈએ.’
* * *
કૈલાસ ખાતે માતા પાર્વતી અને ભગવાન શિવ ચર્ચા કરી રહ્યા હોય છે એ જ સમયે અશોકસુંદરી ત્યાં આવે છે અને કહે છે: ‘પિતાજી મેં તમારી વાર્તાઓમાં હંમેશાં ભાઈ કાર્તિકેય વિષે સાંભળ્યું છે, મળી નથી, મારે તેમને મળવું છે.
ભગવાન શિવ: ‘અશોકસુંદરી, હું એ દિવસની જ પ્રતિક્ષા કરતો હતો કે તમે કુમાર કાર્તિકેયને મળવાની ઇચ્છા દર્શાવો. (ક્રમશ:)ઉ