શિવ રહસ્ય – ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: કુમાર ગણેશ કહે છે, ‘ગ્રામવાસીઓ, આ ખીર ત્યાં સુધી બનતી રહેશે જ્યાં સુધી અહીંથી દુકાળનો દેશવટો ન થાય, પણ એનો અર્થ એ નથી કે તમે પ્રયાસ અને પરિશ્રમ કરવાનું જ છોડી દો. તમારે શીઘ્ર જ તમારી ભૂલ સુધારવી પડશે અને વર્ષા ન થાય ત્યાં સુધી પ્રયત્નશીલ રહેવું પડશે. તમે તમારા દોષને દેવતાઓ પર નાખી તમારા કર્તવ્યથી દૂર નહીં થઈ શકો, ઇન્દ્રદેવના મેઘ માટે તમે કોઈ માર્ગ જ
છોડ્યો નથી, મેઘને વરસવા શીતળતાની જરૂરત હોય છે, અહીં તો તમે તમારા સ્વાર્થ ખાતર વૃક્ષો કાપીને સૃષ્ટિના કાર્યમાં હસ્તક્ષેપ કર્યો છે.
આ ક્ષેત્રને તમે મરુસ્થળ બનાવી દીધું છે, અહીંની હવામાં શીતળતા નહીં, પણ તાપ છે અને આ તાપ ઇન્દ્રદેવના મેઘને બીજી દિશામાં મોકલી આપે છેે, પરિણામસ્વરૂપ તમારે અહીં દુકાળનો સામનો કરવો પડે છે. દુકાળથી છુટકારો પામવો હોય તો તમારા ક્ષેત્રમાં વધુ ને વધુ વૃક્ષો લગાવો.’ જ્ઞાન મળતાં જ ગ્રામવાસીઓ વૃક્ષો લગાવવાના કાર્યની શરૂઆત કરે છે.
ગ્રામવાસીઓને દુર્લભ જ્ઞાન આપી કુમાર ગણેશ કૈલાસ પરત ફરે છે. એ જ સમયે સપ્તર્ષિ પણ ત્યાં પ્રગટ થાય છે. ઋષિ કશ્યપ ભગવાન શિવને કહે છે, ‘સૃષ્ટિના માનવો પોતાની મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ હેતુ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ આધ્યાત્મિક જીવનથી વિમુખ થઈ રહ્યા છે. પૂર્વકાળમાં જે ગ્રંથોની રચના થઈ હતી તે ગ્રંથોનો પ્રકાશ સાધારણ મનુષ્યો સુધી પહોંચી શકતો ન હોવાથી મનુષ્યોને અંધકારમય જીવનથી મુક્તિ નથી મળી રહી.’ ભગવાન શિવ કહે છે, ‘સમયની સાથે બધું પરિવર્તિત થઈ રહ્યું છે, મનુષ્યો પણ તેમાંથી બાકાત નથી, કેમ કે તેમની ચેતના નિરંતર વિકસિત થઈ રહી છે, નવા નવા દૃષ્ટિકોણ ઉત્પન્ન થઈ રહ્યા છે, નવા પ્રશ્ર્નો ઉદ્ભવી રહ્યા છે, નવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે, નવી પરિસ્થિતિઓનો સામનો કરવા હેતુ નવા નિયમ અને નવા વિચારોમાં પરિવર્તન લાવવાં અનિવાર્ય છે, જેથી સમાજને તેને અપનાવવા કોઈ મુશ્કેલી ન પડે, પરંતુ ધ્યાન રહે કે એ વિચારધારા અને મૂળભૂત સિદ્ધાંતોમાં કોઈ ફરક ન પડવો જોઈએ.
તમે બધા કલ્પવૃક્ષ નીચે ભેગા થાઓ, એ સ્થળ વિશ્ર્વની ચર્ચાનો વિષય બનશે.’
સપ્તર્ષિ વિદાય થતાં કુમાર ગણેશ કુતૂહલવશ ભગવાન શિવને કહે છે: ‘પિતાજી, જ્ઞાન
એટલે શું?’ તેની સમજ આપતાં ભગવાન શિવ કહે છે, ‘જે પોતાની અને સમસ્ત સંસારની વાસ્તવિકતાને આપણો પરિચય કરાવે એને જ જ્ઞાન કહેવાય. જ્ઞાનના
અભાવે સમસ્ત સંસારના જીવનને સમજવું અસંભવ છે.
જીવનમાં જ્ઞાન વગર કોઈ પણ સાચો નિર્ણય લેવો અસંભવ છે. જ્ઞાનના અભાવે કરેલી ઘોર તપસ્યાનું ફળ પણ કલ્યાણકારી હોતું નથી.’ ગણેશજી કહે છે, ‘પિતાજી, મારે અથાગ જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને એ માટે હું સદાય તત્પર રહીશ.’ ભગવાન શિવ તેમને કહે છે, ‘પુત્ર, સમય આવ્યે હું તમને બધું જ કહીશ.’ કુમાર ગણેશ મિત્રો સાથે ક્રીડા કરવા જતાં માતા પાર્વતી પુત્ર ગણેશના જ્ઞાન બાબતે ખૂબ ચિંતા દર્શાવે છે.
ભગવાન શિવ કહે છે કે ‘પાર્વતી, સંતાનના પ્રથમ ગુરુ તો માતા-પિતા જ હોય છે. માતા-પિતાના આચરણથી જ એ પોતાનો પ્રથમ પાઠ શીખે છે અને ગણેશ બાબતે એ પ્રક્રિયા તો આરંભ થઈ ચૂકી છે. તમને નથી ખબર પાર્વતી કે કુમાર ગણેશે એ દુકાળગ્રસ્ત વિસ્તારના માનવોને પ્રકૃતિને સન્માન આપતા શીખવ્યું. આપણે જીવન-યવનનાં જેટલાં પણ ઉદાહરણો તેમની સમક્ષ પ્રસ્તુત કરીશું તેટલું તેમનું જ્ઞાન વધશે.’
* * *
વહેલી સવારે માતા પાર્વતી ભગવાન શિવની પૂજામાં વ્યસ્ત હોય છે.
ભગવાન ગણેશ: ‘માતા, ખૂબ ભૂખ લાગી છે.’
માતા પાર્વતી: ‘પુત્ર, હું પૂજા કરી રહું એટલો સમય તમારે પ્રતીક્ષા કરવી પડશે.’
ભગવાન ગણેશ: ‘માતા, તમે પૂજા શું કામ કરો છો?’
માતા પાર્વતી: ‘પૂજાથી આધ્યાત્મિક ઊર્જાની પ્રાપ્તિ થાય છે અને માનસિક શાંતિ મળે છે. પૂજા એ માર્ગ છે જેમાં વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિ તરફ વળે છે. પૂજા સિવાય વ્યક્તિ દિશાહીન થઈ જાય છે.’
ભગવાન ગણેશ: ‘માતા, તમે આ કોની પૂજા કરી રહ્યાં છો?’
માતા પાર્વતી: ‘પુત્ર ગણેશ, તમારા પિતા આ સૃષ્ટિના તારણહાર છે, એટલે હું તેમના આ પાર્થિવ શિવલિંગની પૂજા કરું છું.’
ભગવાન ગણેશ: ‘તો હું પણ પિતાજીની પૂજા કરીશ.’
માતા પાર્વતી: ‘પુત્ર ગણેશ, તમે એ નહીં કરી શકો, કેમ કે પૂજા કરવા માટે જીવનમાં આગ્રહ અને નિગ્રહ હોવું જરૂરી છે.’
ભગવાન ગણેશ: ‘માતા, આ આગ્રહ અને નિગ્રહ શું છે?’
માતા પાર્વતી: ‘આગ્રહ એટલે વહેલી સવારે ઊઠી સ્નાન કરવું અને નિગ્રહ એટલે પૂજા પૂર્ણ થયા વગર જળ અને અન્નને ગ્રહણ ન કરવું અને મને ખબર છે કે તમે તમારી ક્ષુધા (ભૂખ) નિયંત્રિત નહીં કરી શકો, તમને તો ઊઠતાં જ મોદક જોઈતા હોય છે.’
એ જ સમયે નંદી મોદકનો થાળ લઈને આવે છે અને કહે છે, ‘ગણેશ, આ રહ્યા મોદક.’
ભગવાન ગણેશ: ‘નહીં નંદીશ્ર્વર, આજથી હું સ્નાન અને પૂજા જેવા નિત્યક્રમ પૂર્ણ કર્યા વગર કંઈ જ નહીં આરોગું.’
નંદી: ‘ભૂખ્યા રહીને કોઈનું મન પૂજામાં લાગતું હશે? પહેલાં મોદક આરોગી લો ત્યાર બાદ પૂજા કરી શકો છો.’
ભગવાન ગણેશ: ‘નહીં નંદીશ્ર્વર, મારી માતા પૂજા કર્યા બાદ જ ભોજન આરોગે છે, તો હું કઈ રીતે આરોગી શકું, ચાલો સરોવર જઈ પહેલાં સ્નાન કરી લઉં.’
* * *
કલ્પવૃક્ષ પાસે ભેગા થયેલા સપ્તર્ષિને ભગવાન શિવ જ્ઞાન આપતાં કહે છે: ‘પૂજા એ વિધિ છે જેના દ્વારા આપણે આપણી
ઊર્જા એકત્રિત કરી બ્રહ્માંડની મહાઊર્જા સાથે જોડીએ છીએ.
મહાઊર્જા સાથે જોડાયા બાદ આપણામાં એકાગ્રતા આવે છે અને એકાગ્રતા જ જ્ઞાનનાં દ્વાર ખોલે છે. જ્ઞાન આપણને શરીર અને જીવનની ભૌતિક સંસારની નિરર્થકતા સમજાવે છે. જ્ઞાન ભૌતિક સંસારની નિરર્થકતા
એટલે કામ, મોહ, ક્રોધ અને સ્વાર્થ જેવી કામનાઓથી દૂર રાખી વાસ્તવિક કામનાની સમીપ લાવે છે.
જો આપણે અંત:કરણને નહીં સમજીએ તો ભટકી જઈશું અને ભટકવાનો અર્થ છે પાપ તરફ વળવું. તમારી બહારનો સંસાર તમને ભટકાવવા સદાય તત્પર હશે. બહારનો સંસાર તમારી સમક્ષ તમારી જરૂરિયાત ઊભો કરતો રહેશે અને એ જરૂરિયાત પૂર્ણ કરવા હેતુ તમે ઉચિત અને અનુચિતનો ભેદ ન સમજી પાપ કર્મોમાં ક્યારે ખૂંપી જશો તેનું ભાન નહીં રહે એટલે જ્ઞાન અને જ્ઞાની પુરુષો જ સમાજનું હિત સાચવી શકે છે, પરંતુ આ ત્યારે
સંભવ છે જ્યારે આ બધું નિષ્કામ
ભાવનાથી કરવામાં આવે. તમારે જ્ઞાની થઈ સંસારને કંઈક આપવાના નિર્ધારથી આગળ આવવું પડશે.
જ્યાં સુધી સંસારમાં પોતાના સ્વાર્થ હેતુ પૂજા થતી રહેશે ત્યાં સુધી સંસારમાંથી કષ્ટ દૂર થવા સંભવ નથી. જે ધર્મનું નિર્માણ સ્વાર્થ દૂર કરવા હેતુ થયું હોય અને એ જ ધર્મ સ્વાર્થને પૂર્ણ કરવાનું સાધન સમજવા લાગે તો એ ચિંતાનો વિષય છે.
* * *
એ જ સમયે કૈલાસ પર ‘ઓમ પાર્વતેય નમ:’નો ધ્વનિ સંભળાવા લાગે છે. માતા પાર્વતી મન:પટલ પર ધ્યાન કેન્દ્રિત કરી જુએ છે કે આ જાપ કોણ કરી રહ્યું છે. તેમને દૃશ્યમાન થાય છે કે અસુર દારુકની પત્ની દારુકા કઠોર તપ કરી રહી હોય છે.
ભક્તના જાપનો ધ્વનિ કૈલાસ પર પહોંચે એટલે સમજવું કે તેમની આરાધના પૂર્ણ
થઈ ગઈ છે એટલે તેમણે વરદાન આપવું
જરૂરી છે. માતા પાર્વતી દારુકા પાસે
પહોંચે છે અને કહે છે, ‘ઊઠો દારુકા, તમે ખૂબ જ કષ્ટ અને પીડા વહોરી મારી
તપશ્ર્ચર્યા કરી છે, જરૂર તમને કોઈ વરદાન જોઈતું હશે, માગો દારુકા, વરદાનમાં તમને શું જોઈએ છે.’
દારુકા: ‘માતા, મને વરદાન આપો કે આ વનની હું સ્વામિની બનું અને મારી ઇચ્છા પ્રમાણે તેને ક્યાંય પણ લઈ જઈ શકું.’
માતા પાર્વતી: ‘આવા વરદાનથી તમને શું લાભ થશે?’
દારુકા: ‘માતા, આ વરદાન હું મારા માટે નહીં, સમસ્ત સંસાર માટે માગી રહી છું. સંસારમાં કેટલાય જીવો છે જેમને આ વનના પ્રાકૃતિક સંસાધનની જરૂર છે અને તેઓ અહીં આવી શકતા નથી. હું આ વનને ત્યાં લઈ જઈ તેમની જરૂરિયાત પૂર્ણ કરવા ઇચ્છુ છું.’
માતા પાર્વતી: ‘તથાસ્તુ.’ (ક્રમશ:)ઉ