શિવ રહસ્ય-ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: દારૂકાના આહ્વાન પર માતા પાર્વતી ત્યાં પ્રગટ થાય છે અટલે તુરંત દારૂકા માતા પાર્વતીના આશીર્વાદ લઈ કહે છે: ‘માતા તમે વરદાન આપો છો અને મહાદેવ આવી વરદાન પૂર્ણ થવા પહેલાં રોકી દે છે, તમે શું કામ પ્રસન્ન થયા મારી તપસ્યાથી, મેં મહાદેવને કહ્યું કે તમે આપેલા વરદાનને હું પૂર્ણ કરી રહી છું તો તેઓ ક્રોધિત થઈ ગયા. માતા આ તમારા આપેલા વરદાનનું અપમાન છે.’ પોતાના વરદાનને ખોટા માર્ગે જઈ રહેલું જોઈ માતા પાર્વતી કહે છે, ‘મારા વરદાનનું અપમાન મહાદેવ નહીં તમે કર્યું છે દારૂકા. મારા વરદાનને શોષણનું માધ્યમ બનાવી તમે મનુષ્યોનું શોષણ કરવા જઈ રહ્યા છો, આજે જે પણ અહીં થઈ રહ્યું છે એ તારા સ્વાર્થનું પરિણામ છે. તારા દ્વારા આ મનુષ્યોને કષ્ટ પહોંચાડાયું છે અને આ અસુરોની હાલત પણ દયનીય કરી નાખી છે. જગત કલ્યાણની કામના વચ્ચે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની તારી મનોકામના છુપાવી હતી જે ખુલ્લી પડી ગઈ છે. આ પ્રકરણે તમે મહાદેવનું અપમાન કરવાન પણ કોશિશ કરી છે.’ સાચી વાતની સમજ પડતાં દારૂકા માતા પાર્વતી અને ભગવાન શિવની માફી માગે છે.
દારૂકાને સાચો માર્ગ બતાવતા ભગવાન શિવ કહે છે, ‘પરિશ્રમથી આપણને ભોજનની પ્રાપ્તિ થાય છે અને ભોજનથી આપણી ભૂખ મટે છે, જીવનનો ઉદ્દેશ ફક્ત ભૂખ મટાડવાનો નથી હોતો, માનવ જીવનનો ઉદ્દેશ હોય છે કે ઈશ્ર્વરની નજદીક જવું અને એ ફક્ત આત્માના વિકાસથી જ સંભવ છે અને આત્માનો વિકાસ મનન, ચિંતન, ભક્તિ અને સત્સંગથી જ સંભવ છે. આત્માનો આ વિકાસ મનુષ્યને પોતાની મનુષ્યતાથી ઈશ્ર્વરત્વ તરફ લઈ જાય છે એટલે એવું સમજવું નહીં કે જે પરિશ્રમ નથી કરતું તે આળસી છે. તમે એ કેવી રીતે ભૂલી શકો કે વરદાન પ્રાપ્ત કરવા હેતું તમે પણ તપસ્યા જ કરી હતી. શું સંસારવાસીઓ તારી તપસ્યાને આળસનું ઉદાહરણ માનશે? જેટલો પ્રયાસ શારીરિક હેતુ માટે થાય છે એનાથી ઘણો વધુ પરિશ્રમ અને કઠિનાઈ આધ્યાત્મિક કાર્યોમાં હોય છે, જગત કલ્યાણના કાર્યો માટે પોતાના સ્વાર્થને ત્યાગવો પડે છે, પોતાના આરાધ્યમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે, જીવનના ચાર મુખ્ય સ્તંભ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચારેયની મહત્તા એક સમાન છે. ફક્ત પોતાના સ્વાર્થની પૂર્તિ હેતુ આ ચારેયનો ત્યાગ કરવો ઉચિત નથી. પોતાની ભૂલનો સ્વીકાર કરવા સાહસની જરૂરત હોય છે, દારૂકા તમારી ભૂલનો સ્વીકાર કરી પાર્વતીની માફી માંગો. દારૂકા માફી માગતા ભગવાન શિવ કહે છે, આ ક્ષેત્ર પાર્વતીના વરદાનથી વસ્યું છે એટલે અહીં હું નાગેશ્ર્વર જ્યોતિર્લિંગ તરીકે નિવાસ કરીશ. અહીં આ જ્યોતિર્લિંગના દર્શનથી મનના વિષનો નાશ થશે, જાઓ દારૂકા તમારા મનના વિષનો વિનાશ કરો અને જગત કલ્યાણમાં જોડાઈ જાવ.’ દેવાધિદેવના આશિર્વાદ મેળવી દારૂકા તપસ્યામાં લીન થઈ જતાં ભગવાન શિવ દારૂકા વનનો ફરી પોતાની ખરી જગ્યાએ સ્થાપિત કરે છે.
***
માતા પાર્વતી: ‘સ્વામી તમે મારા વરદાનને અભિશાપ બનતા રોકી દીધું.’
ભગવાન શિવ: ‘નહીં પાર્વતી, જો તમે વરદાન જ ન આપ્યું હોત તો સંસારવાસીઓને પરિશ્રમ અને આધ્યાત્મિક કાર્યોનું મહત્ત્વ કેટલું એ બાબત વિવાદ ન થાત અને વિવાદ ઊભો ન થાત તો આપણા ભક્તોને પરિશ્રમ અને ભગવાનની મહત્ત્વતા નહીં સમજાત. તમારું વરદાન સંસારવાસીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરશે. સંસારના કલ્યાણ હેતુ તમારું આ વરદાન અનિવાર્ય હતું.’
એ જ સમયે ભગવાન ગણેશ ત્યાં પધારે છે.
ભગવાન ગણેશ: ‘પ્રણામ પિતાજી, પ્રણામ માતા. હું અહીં કૈલાસ પર એકલો જ છું મારા બંને ભાઇબહેન મારાથી દૂર પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. એક ભાઈના નાતે મારું પણ કર્તવ્ય છે કે મારી બહેનના લગ્ન કરાવું.’
માતા પાર્વતી: ‘ગણેશ શું તમને ખબર છે? તમારી બેન તપ શું કામ કરી રહી છે.’
ભગવાન ગણેશ: ‘નહીં માતા.’
માતા પાર્વતી: ‘તમારી બહેન અશોકસુંદરી પૂર્વાંચલના રાજા આયુના દીકરા નહુશ સાથે લગ્નગ્રંથિથી જોડાવા માટે તપ કરી રહી છે, તપ દ્વારા નહુશને પ્રસન્ન કરી તેમને મેળવવા માંગે છે.’
ભગવાન ગણેશ: ‘તો માતા શું હું એમ સમજું કે નહુશ દ્વારા અશોકસુંદરીની વરણી થતાં બહેન અશોકસુંદરી અહીં આવશે.’
માતા પાર્વતી: ‘અવશ્ય પુત્ર, અશોકસુંદરી પોતાનું તપ સફળ થયા બાદ એટલે નહુશ દ્વારા એની વરણી થયા બાદ જ અહીં કૈલાસ આવશે.’
ભગવાન ગણેશ: ‘તો મારે પ્રથમ પૂર્વાંચલ જઈ રાજા આયુ સમક્ષ તેમના પુત્ર નહુશ સાથે અશોકસુંદરીના લગ્નનો પ્રસ્તાવ મૂકવો પડશે.’
ભગવાન શિવ: ‘અવશ્ય પુત્ર, પૂર્વાંચલ જઈ રાજા આયુ સમક્ષ અશોકસુંદરીના વિવાહ નહુશ સાથે કરવાનો તમારો પ્રસ્તાવ પ્રસ્તુત કરો.’
માતા પાર્વતી: ‘સ્વામી આ કામ તો વરિષ્ઠોનું છે અને ગણેશ તો હજી બાળક છે.’
ભગવાન શિવ: ‘નહીં પાર્વતી, ગણેશ બાળક જરૂર છે પણ તેમની પાસે સહસ્ત્ર દેવોની બુદ્ધિ છે, ચિંતા ન કરો ગણેશને આશીર્વાદ આપી પ્રસ્થાન કરાવો.’
ભગવાન ગણેશ માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ લઈ ત્યાંથી પ્રયાણ કરે છે.
***
પૂર્વાંચલ પહોંચતાં જ ભગવાન ગણેશને એક સુંદર મહેલ દૃશ્યમાન થાય છે. તેઓ મહેલમાં પ્રવેશ કરવાં જતાં ત્યાં દ્વારપાળ તેમને
રોકે છે.
દ્વારપાળ: ‘થોભો બાળક, કોણ છો? આ રાજા આયુનો મહેલ છે અહીં કોઈને પણ પ્રવેશ વર્જિત છે.’
ભગવાન ગણેશ: ‘મને જ્ઞાત છે કે આ રાજા આયુનો મહેલ છે હું તેમના પુત્ર નહુશને મળવા જ આવ્યો છું.’
દ્વારપાળ: ‘તમારા જેવા સામાન્ય લોકોને મળવા માટે રાજકુમાર નહુશ પાસે સમય નથી, જાઓ અહીંથી…’
ભગવાન ગણેશ: ‘તમે મને ઓળખતા નથી એટલે આવું કહી રહ્યાં છો, હું આને મારું અપમાન નથી માનતો.’
દ્વારપાળ: ‘બાળક તું સમજી લે કે આ તારું અપમાન છે અને અપમાન થયા બાદ તું શું કરી લેશે? આ બાળકને હાથીના શિર્ષનું અભિમાન છે. જાઓ અહીંથી, હજી તો અમે વિનમ્રતાથી સમજાવી રહ્યા છીએ.’
ભગવાન ગણેશ: ‘તમે મારું અપમાન કરી રહ્યા છો પણ હું ખરાબ નહીં લગાડું. મને ખબર છે કે દ્વારપાળ બન્યા બાદ અહંકાર આવી જાય છે. હું અહીં મારી બેનના લગ્ન રાજકુમાર નહુશ સાથે કરવા અહીં આવ્યો છું. તુરંત જઈ રાજા આયુને મારા પધારવાના સમાચાર આપો.’
દ્વારપાળ: ‘બાળક તું ચાલ્યો જા, અહીં ફક્ત રાજા મહારાજા જ લગ્નનો પ્રસ્તાવ લઈ આવી શકે.’
ઘણી વિનવણી બાદ પણ દ્વારપાળો નહીં માનતા ભગવાન ગણેશ તેમને ચેતવણી આપે છે કે:
ભગવાન ગણેશ: ‘હવે આવનારા પરિણામ માટે તમે જવાબદાર હશો.’ એટલું કહી ભગવાન ગણેશ ક્રોધીત થઈ પોતાનો જમણો પગ જમીન પર પછાડતાં પૃથ્વીની ધરા ધ્રૂજી ઉઠે છે.
ગભરાયેલો એક દ્વારપાળ મહેલ તરફ દોડે છે અને રાજસભામાં પહોંચે છે
રાજા આયુ: ‘આ ધરા કેમ ધ્રુજી રહી છે, શું થયું.’
દ્વારપાળ: ‘મહારાજ એક બાળક નગરના દ્વાર પર આવ્યો છે અને કહે છે કે રાજા આયુને મળવું છે, એ બાળક બહુ વિચિત્ર લાગે છે, ધડ માણસનું છે પણ શિર્ષ હાથીનું છે.’
રાજા આયુ: ‘સમગ્ર સૃષ્ટિમાં એક જ બાળક હાથીનું શિર્ષ ધરાવે છે અને એ છે આપણા આરાધ્ય માતા પાર્વતી અને ભગવાન શિવના સુપુત્ર ભગવાન ગણેશ. મહારાણી કલાવતી ચાલો નગરના દ્વાર પર આપણે તેમનું સ્વાગત કરીએ.
રાજા આયુ અને મહારાની નગરના દ્વાર પર જઈ ભગવાન ગણેશનું સ્વાગત કરે છે અને તેમને આતિથ્ય સ્વીકારવાનું આમંત્રણ આપે છે.
ભગવાન ગણેશ: ‘માફ કરો રાજન, અમે ક્ધયા પક્ષવાળા છીએ, બહેનના ઘરનું પાણી પણ સ્વીકારતા નથી.’
મહારાણી કલાવતી: ‘તમે અમારા આરાધ્યા ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છો, આવું કેમ કહો છો, અમે તમારી વાત સમજી શકતા નથી. વિસ્તારથી સમજાવો.’
ભગવાન ગણેશ: ‘મહારાણી કલાવતી હું ભગવાન શિવ અને માતા પાર્વતીનો પુત્ર ગણેશ તમારી દીકરા નહુશ સાથે મારી બહેન અશોકસુંદરીના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો છું.’
રાજા આયુ: ‘તમારો પ્રસ્તાવ ખૂબ જ સુંદર છે પણ પ્રથમ તમે રાજકુમાર નહુશને મળી લો.’
ભગવાન ગણેશ અને રાજા આયુ તેમના મંત્રીમંડળ સાથે રાજકુમાર નહુશને મળવા જાય છે, ભગવાન ગણેશ જુએ છે કે પોતાના જેટલો નાનો બાળક કંઈક ક્રીડા કરી રહ્યો છે. મહારાણી કલાવતી ભગવાન ગણેશને નહુશનો પરિચય આપતાં કહે છે, ‘જુઓ આ મારો પુત્ર નહુશ છે, હજી તેની ઉંમર લગ્ન કરવા યોગ્ય નથી, તમારી બહેને પ્રતિક્ષા કરવી પડશે.’
ભગવાન ગણેશ: ‘નહુશની ઉંમર લગ્ન કરવા યોગ્ય નથી પણ નહુશ મારી બહેન અશોકસુંદરીને મળી લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લે તો બસ. સમય આવ્યે લગ્ન લેવાશે.’
નહુશ: ‘મને તમારો પ્રસ્તાવ સ્વીકાર છે ચાલો અશોકસુંદરીને મળી આવીએ.’
રાજા આયુ, મહારાણી કલાવતી, નહુશ અને મંત્રીગણ ભગવાન ગણેશ સાથે અશોકસુંદરી પાસે પહોંચે છે.
નહુશ: ‘અશોકસુંદરી આંખ ખોલો, હું નહુશ તમારા તપથી પ્રસન્ન છું.’
અશોકસુંદરી નહુશને જોઈ હર્ષ અનુભવે છે.
નહુશ: ‘હું તમારી સાથે મારા લગ્નનો પ્રસ્તાવ લઈ આવ્યો છું, આપણી ઉંમર લગ્ન યોગ્ય થશે ત્યારે આપણા લગ્ન લેવાશે. શું તમે મારા પ્રસ્તાવનો સ્વીકાર કરો છોે.’
નહુશના લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર કરતાં અશોકસુંદરી નહુશ, રાજા આયુ અને મહારાણી કલાવતીના આશીર્વાદ લે છે.
રાજા આયુ: ‘પુત્રી, અમે અહીં તમારા ભ્રાતા ગણેશની વિનંતીને લઈને ઉપસ્થિત થયા છીએ.’
અશોકસુંદરી: ‘ભ્રાતા ગણેશ.’
અશોકસુંદરી ભગવાન ગણેશને જોઈ હર્ષ અનુભવે છે અને તેમને ભેટી પડે છે.
હર્ષોલ્લાસ સાથે ભગવાન ગણેશ અને અશોકસુંદરી કૈલાસ પહોંચે છે. માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ લે છે.
અશોકસુંદરી: ‘ભ્રાતા ગણેશ, તમે આટલી નાની ઉંમરે ખૂબ મહાન કાર્ય કર્યું છે, હું તમને ભેટમાં શું આપું.’
ભગવાન ગણેશ: ‘બહેન તમે મને બહેનનું હેત આપો એ જ ઉત્તમ ભેટ છે.’
અશોકસુંદરી: ‘ભ્રાતા ગણેશ, તમારો હાથ લાવો, હું તમને રક્ષા દોરો બાંધું છું, જે કોઈ બહેન આજના દિવસે રક્ષા દોરો ભાઈને બાંધશે તો એ ભાઈનું હંમેશાં રક્ષણ થશે.’
(તે દિવસથી આજ સુધી સંસારવાસીઓ રક્ષાબંધન ઉજવે છે.) (ક્રમશ:)ઉ