શિવસેના જૂથના પ્રવક્તા શિતલ મ્હાત્રેના વાઈરલ વીડિયો પ્રકરણે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા તપાસ કરવામાં આવશે એવી જાહેરાત રાજ્યના પ્રધાન શંભુરાજ દેસાઈ દ્વારા વિધાનસભામાં કરવામાં આવી હતી. એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આ એસઆઈટીનું ગઠન કરવામાં આવશે.
શિવસેના શિંદે જૂથ અને ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન દહીંસર ખાતે કરવામાં આવ્યું હતું. આ જ રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોનો પડઘો આજે વિધિમંડળના અધિવેશનમાં પણ પડ્યા હતા. વિધિમંડળના અધિવેશનમાં શિંદે અને ભાજપના વિધાનસભ્યો દ્વારા આ પ્રકરણે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વિધાનસભામાં આ પ્રકરણે થયેલી ચર્ચામાં શંભુરાજ દેસાઈએ એસઆઈટી દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવશે, એવી જાહેરાત કરી હતી. દેસાઈએ જણાવ્યું હતું દહીંસર પુલ હદમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં અનેક કાર્યકર્તા હાજર રહ્યા હતા. આ સમયે બાઈક રેલી પણ કાઢવામાં આવી હતી અને વીડિયોના સંવાદને એડિટ કરીને ફેસબુકના માધ્યમથી અપલોડ કરવામાં આવી હોવાની માહિતી પણ તેમણે આપી હતી. આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી પણ તેમણે સભામાં આપી હતી.
આ વાઈરલ વીડિયો પ્રકરણે પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 15મી માર્ચ સુધીની કસ્ટડી ફટકારવામાં આવી છે. આ પાંચમાંથી ચાર આરોપી તો ઠાકરે જૂથના અને એક જણ કોંગ્રેસનો કાર્યકર્તા હોવાની માહિતી આપી હતી.