મુંબઈ: શિર્ડીના સાંઈબાબા મંદિરની વાર્ષિક આવક વધીને ૯૦૦ કરોડ થઈ ગઈ છે અને આમ તેણે રેકોર્ડબ્રેક આવક કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ મહામારી પૂર્વે તેની વાર્ષિક આવક રૂપિયા ૮૦૦ કરોડ જેટલી હતી, જે એ સમયની સર્વોચ્ચ સપાટીએ હતી. આમ, 900 કરોડની મોટી વાર્ષિક આવક સાથે મંદિરની આવકનો જૂનો રેકોર્ડ તૂટયો છે. આ આવકમાં ૨૦૦ કરોડ તો મંદિર પરિસરમાં મૂકેલી દાન પેટીમાંથી જ રોકડ પેટે જ મળ્યા છે. કોવિડ સમયે લાંબા સમય સુધી મંદિર બંધ રહ્યું હતું અને ત્યાર બાદ પણ મંદિરના દરવાજા ખૂલ્યા ત્યારે સરકારે મર્યાદિત સંખ્યામાં ભક્તોને પ્રવેશની જ મંજૂરી આપી હતી.
એક તબક્કે તો મંદિરની આવક ૪૦૦ કરોડની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. પરંતુ, ગયા નાણાંકીય વર્ષમાં મંદિરમાં ભક્તોની સંખ્યામાં બેસુમાર વધારો જોવા મળ્યો હતો. તમામ નિયંત્રણો ઉઠાવી લેવામાં આવતાં ભક્તોનો ફૂટફોલ વધ્યો હતો. એક દિવસમાં આશરે ૬૦ હજાર ભક્તોએ બાબાના દર્શન કર્યાં હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોવિડનાં ત્રણ વર્ષને લીધે જે લોકો શિર્ડી ન હતા આવી શક્યા તેઓ પણ આ સમયગાળામાં દર્શને આવ્યા હતા. આથી મંદિરમાં ફૂટફોલ તથા દાન થકી મળતી આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો.
મંદિર સંકુલમાં મુકવામાં આવેલી દાન પેટી દ્વારા જ ૨૦૦ કરોડ રોકડા મળ્યા છે. આ ઉપરાતં ઓનલાઈન તથા દાગીનાની ભેટ વગેરે પણ આવક રુપે મંદિરને થાય છે. મંદિરે ૨૫૦૦ કરોડ રુપિયા તો બેન્ક ડિપોઝિટ પેટે જમા કરાવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા બેન્કો સાથે વાટાઘાટો કરી નોર્મલ વ્યાજ દરો કરતાં બે ટકા વધારે વ્યાજ મેળવવામાં આવે છે. આ વ્યાજ પણ ફરી ડિપોઝિટ જ કરીને જમા કરાવવામાં આવે છે.
જોકે, મંદિર કમિટીને એક વર્ષમાં ૮૦૦ કરોડની જાવક પણ છે. મંદિરના તમામ શ્રદ્ધાળુઓને વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત મંદિરવતી બે હોસ્પિટલનું પણ સંચાલન કરવામાં આવે છે. મંદિરમાં સિક્યોરિટી ઉપરાંત અન્ય વ્યવસ્થાઓ માટે આશરે સાત હજાર જેટલા કર્મચારીઓ છે. તેમાંના કેટલાક કર્મચારીઓ કાયમી ધોરણે તો કેટલાક કોન્ટ્રાક્ટ પ્રથા પર રાખવામાં આવ્યા છે. તેમના પગાર સહિતનો અન્ય મોટો ખર્ચ પણ મંદિર દ્વારા ઉઠાવવામાં આવે છે. મંદિર કમિટી દ્વારા આ જ આવકમાંથી ચાર શૈક્ષણિક સંસ્થાઓનું પણ સંચાલન કરવામાં આવે છે, એવી માહિતી મંદિરના વ્યવસ્થાપકો દ્વારા આપવામાં આવી હતી.