શિન્ઝો આબે: સુધારાવાદી વલણ ભારે પડ્યું?

ઉત્સવ

અભિમન્યુ મોદી

ઉમાશંકર જોશીએ લખેલું: ‘માનવીના હૈયાને નંદવામાં વાર શી?’ નંદવું એટલે હળવેકથી તૂટવું, પણ ૮ જુલાઈ, ૨૦૨૨ની સવારે એક એવી ઘટના બની જેમાં હૈયા પર લોઢાનો વજ્રઘાત થયો અને વિશ્ર્વ અચંબિત થઈ ગયું. એ દિવસે જાપાનના નારા શહેરમાં એક નેતા ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા. સીમિત સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો તેમને સાંભળી રહ્યા હતા. પત્રકારો પણ એફબી અને ઇન્સ્ટા લાઈવ કરવા માટે કેમેરા ગોઠવીને ઊભા હતા. અચાનક ધાંય… ધાંય… કરતી બે ગોળીઓનો અવાજ આવ્યો. આસપાસના લોકોએ જોયું તો કેમેરા જેવા દેખાતા એક સાધનમાંથી એક દૂબળો-પાતાળો શખસ ગોળીઓ ચલાવીને ત્યાં ઊભો છે. જેમને ગોળી વાગી એ નેતા તો તુરંત નીચે ઢળી પડ્યા. હુમલાખોરને લાગ્યું કે હવે લોકો અને ટીવી ચેનલોનું ધ્યાન મારા તરફ ગયું છે. આ જ સમય છે નાસી જવાનો… એટલે પેલાએ ભાગવાનો નનામો પ્રયાસ કર્યો અને પોલીસે તેને પકડી લીધો. આગળના ઘટનાક્રમથી તો તમે વાકેફ છો જ… આ દુર્ઘટના હતી જાપાનની… જ્યાં પૂર્વ પીએમ શિન્ઝો આબે પર જીવલેણ હુમલો કરી તેમની જાહેરમાં નિર્મમ હત્યા કરવામાં આવી.
‘જાપાન’… આ દેશનું નામ જ્યારે આપણી સામે આવે એટલે પહેલાં તો હિરોશિમા-નાગાસાકીનો પરમાણુ હુમલો જ યાદ આવે. અહીં એવો પ્રશ્ર્ન થાય કે શું જાપાને દુ:ખ સહન કરવા સિવાય બીજું કંઈ કર્યું જ નથી! કેમ બીજા વિશ્ર્વયુદ્ધની આ ગોઝારી ઘટનાને કારણે જ આપણને જાપાન યાદ આવે છે અને હવે તો નારા શહેર પૂર્વ પીએમની હત્યા બાદ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ ગયું છે. તો શું જાપાનની કોઈ સિદ્ધિ છે જ નહીં? પણ કહેવાય છેને કે ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’. જાપાનની ભૂમિ તો રક્તરંજિત છે. ઈ. સ. પૂર્વેની ૧૩૩૦મી સદીથી જાપાનનો લોહીથી ખરડાયેલો ઇતિહાસ મળી આવે છે. વર્ષો સુધી જાપાનના શાસકોએ યુદ્ધને જ પોતાનું કર્મ માનીને જાપાનની અંદરની સરહદોમાં હદબહારના રણસંગ્રામ કર્યા. લાખો લોકો મર્યા, હણાયા અને ફરી બેઠા થયા. આ યુદ્ધની નીતિને કારણે વિશ્ર્વ જાપાનથી અળગું હતું, પણ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન નાગાસાકી અને હિરોશિમા પર થયેલા વિનાશને પગલે સમગ્ર વિશ્ર્વની કરુણા જાપાન સાથે જોડાઈ.
બીજા વિશ્ર્વયુદ્ધ પછી તમામ ઉદ્યમી જાપાનીઓ રાત-દિવસ જોયા વગર પાછા ઉદ્યોગો ઊભા કરવા માંડ્યા. નિહોન કે નિયોન તરીકે ઓળખાતો આ દેશ ૬,૮૫૨ ટાપુઓનો બનેલો છે. તેમાં ચાર મોટા ટાપુનાં નામ હો નશુ, હોકેડો, કયુર અને શીકો કુ છે. જાપાનની ૯૭ ટકા જમીન આ ચાર ટાપુની છે. વસતિ ૧૨.૫૮ કરોડની છે. આજે રાષ્ટ્રસંઘના અંદાજ પ્રમાણે જાપાન જગતનું સૌથી મોટું ત્રીજું આર્થિક બળ છે. સૌથી વધુ આયાતો કરે છે. દરેક ઘરમાં સાઈકલની માફક મોટર છે. તેણે અમેરિકા સાથેની સમજૂતી પ્રમાણે યુદ્ધ જાહેર કરવાનો હક્ક ગુમાવ્યો છે, પણ તેની પાસે જગતનું સૌથી મોડર્ન મિલિટરી બળ છે. જાપાનને તો રાખમાંથી બેઠા થવાની આદત છે. ઊગતા સૂર્યના દેશમાં નવું આકાર લેતું રાજકારણ, ભૂકંપ, સુનામી અને પરમાણુ લીકેજની ત્રેવડી આફતથી ઘણું નુકસાન તો થયું છતાં આ આફતમાં પણ જાપાનનાં સંકલ્પ, ધીરજ અને કલ્પનાશીલતાને દેશ-દુનિયાએ નિહાળ્યાં હતાં. જાપાનનું રાજકારણ બાળકોના કેલિડોસ્કોપની યાદ અપાવે છે, જેમાં કાગળના રંગીન ટુકડા સતત પોતાની જગ્યા બદલતા રહે છે. એ જ રીતે રાજકારણીઓ પણ પોતાના પદ અને પાત્રને બદલીને દેશની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર રાજકારણ કરે છે. આજના જાપાનને સશક્ત અને સુદૃઢ બનાવવામાં શિન્ઝો આબે અને તેમના પરિવારનો મહત્ત્વનો ફાળો છે.
શિન્ઝો આબેને નાના અને તેમના દાદા તરફથી મળેલા વારસામાં રાજકારણ મળ્યું છે. તેમના નાના નોબુસુકે કિશી વિશે પ્રખ્યાત ચાઇનીઝ લેખક વાંગ કિજિયાંગે કિશી લખ્યું છે કે તેઓ માણસના સ્વાંગમાં રાક્ષસ હતા. નોબુસુકે કિશીના ચીન પર જાપાનના કબજા દરમિયાન ચાઈનીઝ લોકો પરના અત્યાચારોની આજે પણ ચર્ચા થાય છે. કિશીએ ૧૯૫૫માં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલપીડી)ની સ્થાપના કરી હતી. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન તેમણે પોતાની સેના માટે કમ્ફર્ટ વુમન તરીકે ઓળખાતી મહિલાઓ અને છોકરીઓને બળજબરીથી સેક્સ સ્લેવ તરીકે રાખી હતી. જાપાની સેનામાં આવી કમ્ફર્ટ વુમનની સંખ્યા ૮૦ હજારથી ૨ લાખની વચ્ચે હતી. આમાંની મોટા ભાગની છોકરીઓ કોરિયા, ચીન, તાઈવાન અને દક્ષિણ પૂર્વ એશિયામાંથી લાવવામાં આવી હતી.
શિન્ઝો આબેના દાદા કાન આબે પણ રાજકારણ સાથે જોડાયેલા હતા. તેઓ ૧૯૩૭થી ૧૯૪૬ સુધી યામાગુચી પ્રાંતના મતવિસ્તારમાંથી નીચલા ગૃહના સભ્ય હતા. શિન્ઝો આબેના પિતા, શિન્તારો આબે પણ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન કામકાજી પાયલોટ હતા. ૧૯૨૪માં જન્મેલા શિન્તારો આબે પછીથી અખબારના રાજકીય રિપોર્ટર બન્યા, બાદમાં રાજકારણી અને પછી ૧૯૮૨થી ૧૯૮૬ સુધી જાપાનના વિદેશપ્રધાન બન્યા હતા. આટલો મોટો રાજકીય વારસો ધરાવનાર શિન્ઝો આબે પરિવારથી તદ્દન વિપરીત હતા. તેમના મનમાં દેશપ્રેમની ભાવના ભારોભાર છલકાઈને આવતી હતી.
૨૧ સપ્ટેમ્બર, ૧૯૫૪ના રોજ ટોક્યોમાં જન્મેલા શિન્ઝો આબે બાળપણથી જ ક્રિએટિવ કાર્યોમાં રચ્યાપચ્યા રહેતા હતા. પિતા શિન્તારો લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને આગળ વધારવા મથ્યા કરતા ત્યારે શિન્ઝો અભિનયની દુનિયામાં પોતાનું નામ કરવા માટે સંઘર્ષ કરતા હતા. તેમના મતે તેઓ રાજકરણ માટે બન્યા નહોતા. તેમણે તો પોતાની અભિનયની કલાથી લોકોને મંત્રમુગ્ધ કરવા હતા. એ માટે બે-ત્રણ નાટકોમાં પણ આબેએ અભિનયનાં ઓજસ પાથર્યાં, પણ આ દુનિયામાં કલા માત્ર તમારો શીખ પૂરો કરે છે, પેટ નથી ભરતી. ઘર ચલાવવા માટે તો નોકરી જ કરવી પડે… પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યા બાદ ૧૪ એપ્રિલ, ૧૯૭૯માં આબેએ કોબે સ્ટીલ પ્લાન્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં બે વર્ષ રહ્યા, પણ તેમના માલિકની ક્ધિનાખોરીથી અકળાઈને તેમણે વર્ષ ૧૯૮૨માં કંપની છોડી દીધી. બીજી નોકરી શોધી, પણ જાપાનમાં તેમના જેવા શિક્ષિત બેરોજગારોનો રાફડો ફાટ્યો હતો. દેશ દુર્દશામાંથી પસાર થતો હતો. આવા સમયે દેશના વિકાસ અર્થે ક-મને તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેમની વારસાગત પેઢી કહી શકાય એવી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાઈ ગયા. આબેના પિતાનું ૧૯૯૩માં અવસાન થયું હતું અને ત્યાર બાદ આબેએ જાપાનના સાંસદ પદ માટે ચૂંટણી લડી હતી.
તેઓ ચૂંટણી જીત્યા અને યામાગુશીના સાંસદ બન્યા હતા. અન્ય ચાર ઉમેદવારોની સરખામણીમાં આબેને સૌથી વધુ મત મળ્યા હતા. આ સાથે આબેની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ ચૂકી હતી અને તેઓ દિવસે ને દિવસે વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા હતા.
૨૦૦૬માં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના આબે વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. વર્ષ ૨૦૦૭ સુધી તેઓ દેશના પીએમ હતા. જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર ૫૨ વર્ષની હતી. તેમના નામે બે રેકોર્ડ છે. આબે વિશ્ર્વયુદ્ધ પછી જાપાનના સૌથી યુવા પીએમ તો બન્યા જ, પરંતુ તેઓ બીજા વિશ્ર્વયુદ્ધ પછી જન્મેલા પ્રથમ પીએમ પણ હતા. શિન્ઝોના ૮ વર્ષના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં જાપાને વિકાસની નવી દિશાઓ સર કરી હતી. આબેએ જાપાનના રાજકારણની સાથે જ દેશના અર્થતંત્રને પણ નવો રંગ આપ્યો હતો. આબેના શાસનમાં જાપાન વૈશ્ર્વિક સ્તરે પણ તાકાતવર બન્યું. આબેની આર્થિક નીતિઓએ નવો શબ્દ આબેનોમિક્સને જન્મ આપ્યો હતો. તેના આધારે જ ભારતીય પીએમ નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓને મોદીનોમિક્સ નામ અપાયું હતું. પીએમ મોદી સાથેની તેમની મિત્રતા તો જગપ્રસિદ્ધ છે. આબે ૨૦૦૬માં પહેલી વાર વડા પ્રધાન બન્યા ત્યારે ભારતની મુલાકાતે આવેલા અને સંસદને સંબોધી હતી. ભારતની સંસદને સંબોધનારા આબે પહેલા જાપાની વડા પ્રધાન હતા. આબે ૨૦૧૨માં બીજી વાર વડા પ્રધાન બન્યા પછી ત્રણ વાર ભારત આવેલા. આબેના શાસનમાં ભારત-જાપાનના સંબંધો અત્યંત મજબૂત બન્યા. જાપાને ૨૦૦૮માં ભારતને દિલ્હી-મુંબઈ-દિલ્હી રેલવે પ્રોજેક્ટ માટે ૪,૫૦૦ કરોડ ડોલરની લોન સાવ નાખી દેવાના વ્યાજે આપી હતી. ભારત સાથેનો આર્થિક સહયોગ મોટા પાયે વધારવાની એ શરૂઆત હતી. બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ એ હદે વધ્યો કે અત્યારે જાપાન ભારતમાં ત્રીજા નંબરનું સૌથી મોટું રોકાણકાર છે. પોતાની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને પગલે ૨૦૨૦માં તેમણે સ્વૈચ્છિક રીતે વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું.
નાના કિશીએ શરૂ કરેલા કમ્ફર્ટ વુમનના ક્ધસેપ્ટના સૌથી મોટા વિરોધી આબે હતા. ૨૮ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ દક્ષિણ કોરિયા અને વડા પ્રધાન શિન્ઝો આબેની જાપાની સરકારે કમ્ફર્ટ વુમન અંગે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. એ કરાર હેઠળ શિન્ઝો આબે સરકાર માફી તરીકે કમ્ફર્ટ વુમનને ૧ અબજ યેન આપવા પણ સંમત થઈ હતી. સેટલમેન્ટ સમયે ૪૭ દક્ષિણ કોરિયન કમ્ફર્ટ મહિલાઓ જીવંત હતી. પોતાના આવા સુધારાવાદી વલણને કારણે જ આબે તેમના પક્ષમાં જ અળખામણા થયા હતા અને તેના જ પગલે તેમની હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્યારે તો આવા વાસ્તવવાદી નેતાની જાહેરમાં કરાયેલી કરપીણ હત્યાથી જગત સ્તબ્ધ છે.
આ દુનિયાનો પહેલો બનાવ નથી જ્યાં કોઈ રાજનેતાના શરીરને ગોળીથી વીંધીને તેની સરાજાહેર હત્યા કરવામાં આવી હોય. એકલા જાપાનમાં જ ઈ. સ. ૪૫૬માં તત્કાલીન કિંગ આનકો અને ઈ. સ. ૫૯૨માં રાજા શુસુનની હત્યા કરવામાં આવી હતી. ૧૯૦૯માં જાપાનના વડા પ્રધાન ઇટો હીરો બુસો, ૧૯૨૧માં વડા પ્રધાન હારા તકાશી અને ૧૯૩૨માં જાપાનના પીએમ સયોશી ઈનુકાઈનની તેમની જ ઓફિસમાં એક નેવી સોલ્જર દ્વારા હત્યા કરી દેવાઈ હતી. આ સિવાય ૨૦૦૭માં જાપાનના નાગાસાકી શહેરના મેયરની ગોળી મારી હત્યા થઈ હતી. આ પૂર્વે ગાંધીજી, અબ્રાહમ લિંકન, જોન કેનેડી, માર્ટિન લુથર કિંગ જુનિયર, મેરી-ફ્રાંકોઈસ સાડી કાર્નોટ અને યિત્ઝાક રાબીનને તો શિન્ઝો આબેની જેમ છડે ચોક લોકોના મેળાવડા વચ્ચે ગોળીથી વીંધી નાખવામાં આવ્યા હતા.
જે રીતે જાપાનના પૂર્વ વડા પ્રધાનની હત્યાના ઘટનાક્રમો રચાયા છે તેને જોતાં આમાં કોઈ મોટા ષડ્યંત્રની ગંધ પણ આવી રહી છે. આ હુમલો જાપાનમાં થયો હતો, પણ દુનિયામાં આ સમાચાર સૌથી પહેલાં ચીનથી પ્રસારિત થયા. સ્થાનિક મીડિયા પહેલાં ચીનને આ સમાચાર કેવી રીતે મળી ગયા? આબેની હત્યાના સમાચાર ફેલાતાંની સાથે જ ચીનમાં એક પ્રકારે જાણે જશ્નનો માહોલ બની ગયો હતો. આખી દુનિયા જ્યારે આબેના જીવન માટે પ્રાર્થના-દુઆ કરતી હતી ત્યારે ચીનના લોકો અને મીડિયા આટલાં ખુશ કેમ હતાં? એક પૂર્વ વડા પ્રધાનની આટલે નજીક સુધી કોઈ શખસ શસ્ત્ર લઈને કેવી રીતે પહોંચી શક્યો? આબે જાપાનના સૌથી મોટા રાજકીય પક્ષના અધ્યક્ષ હતા અને તેઓ જ્યાં પણ જતા હશે ત્યાં સાથે તેમનો કાફલો રહેતો હશે. જેમાં એમ્બ્યુલન્સ પણ હોવી જોઈએ. જોકે ગોળીબારમાં ઘાયલ થયા બાદ ૧૫ મિનિટ સુધી એમ્બ્યુલન્સની રાહ શા માટે જોવી પડી? તેમાં આટલું મોડું કેમ થયું?
શિન્ઝો આબે પર કેમેરા જેવી દેખાતી હેન્ડમેડ ગનથી સમુદ્રી આત્મરક્ષા દળના પૂર્વ સૈનિક ૪૨ વર્ષીય યામાગામી તેત્સુયાએ હુમલો કર્યો હતો. ફાયરિંગ પછી બહાર આવેલા ફોટોગ્રાફ્સથી આ બાબતનો ઘટસ્ફોટ થયો છે. યામાગામીએ ગનને એ રીતે ડિઝાઇન કરી હતી કે તે કેમેરા જેવી દેખાય. આ કારણે તેણે બ્લેક ગન પર કાળી પોલિથિન લપેટી હતી. વીડિયોમાં એ વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે યામાગામીએ ૧૦૦થી ૧૫૦ મીટર દૂરથી ગોળી ચલાવી હતી. જાપાન પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે યામાગામી ફોટો ખેંચવાને બહાને આબેની નજીક આવ્યો હતો. હાલ યામાગામીની પૂછપરછ કરવામાં આવી રહી છે. અહીં એક સવાલ પેદા થાય કે દેશ-દુનિયાનો વિકાસ કરનારા આવા મહાન નેતાઓના સુધારાવાદી વલણ સમાજનો વિકાસ કરે છે છતાં તેમને ગોળીઓનો શિકાર કેમ બનવું પડે છે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.