Homeઆમચી મુંબઈશિંદેની અપીલ નિષ્ફળ: પુણેની બંનેમાંથી એકેય પેટાચૂંટણી બિનવિરોધ નહીં

શિંદેની અપીલ નિષ્ફળ: પુણેની બંનેમાંથી એકેય પેટાચૂંટણી બિનવિરોધ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા પુણેમાં થનારી બે પેટાચૂંટણીઓ બિનવિરોધ કરવાની જે અપીલ કરવામાં આવી હતી તે નિષ્ફળ નીવડી રહ્યાનું જણાઈ રહ્યું છે. ભાજપના વિધાનસભ્ય મુક્તા ટિળકના નિધનને પગલે ખાલી પડેલી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના નેતા હેમંત રાસણે અને કૉંગ્રેસના ઉમેદવાર રવીન્દ્ર ધંગેકરે સોમવારે ઉમેદવારી પત્ર ભર્યા હતા અને ભાજપના દિવંગત વિધાનસભ્ય લક્ષ્મણ જગતાપની ખાલી પડેલી બેઠક પરથી તંની પત્ની અશ્ર્વિની જગતાપે સોમવારે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ મહાવિકાસ આઘાડીમાંથી અહીં કોણ ઉમેદવાર આપશે તેની રસાકસી ચાલતી હોવા છતાં અહીં ઉમેદવાર આપવાનું નક્કી છે, આમ બંને બેઠકો પર ચૂંટણી થશે અને બિનવિરોધ માટેની મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની અપીલ નિષ્ફળ ગઈ છે. આ બંને બેઠકો પર ૨૬ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને બીજી માર્ચે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને કૉંગ્રેસના નેતાઓને એવી વિનંતી કરી હતી કે રાજ્યની રાજકીય પરંપરાને ધ્યાનમાં રાખતાં દિવંગત વિધાનસભ્યોને પેટાચૂંટણીને બિનવિરોધ કરવી જોઈએ. આને માટે તેમણે અંધેરીની પેટાચૂંટણીનો દાખલો આપ્યો હતો જ્યાં રમેશ લટકેની ખાલી પડેલી જગ્યા પર બિનવિરોધ ચૂંટણી કરાઈ હતી.

બ્રાહ્મણ મહાસંઘ ભાજપનો વિરોધ કરશે
ચિંચવડની લક્ષ્મણ જગતાપના નિધનથી ખાલી પડેલી બેઠક પર તેમની પત્ની અશ્ર્વીનીને ઉમેદવારી આપવામાં આવી હતી, પરંતુ પુણેની કસ્બા પેઠ મતદારસંઘની પેટાચૂંટણીમાં તેમના પતિ શૈલેશ કે પછી પુત્ર કુણાલને ઉમેદવારી આપવાને બદલે નગરસેવક હેમંત રાસણેને ઉમેદવારી આપવામાં આવી હોવાથી બ્રાહ્મણ મહાસંઘ નારાજ થયો છે. હિંદુ મહાસભાના આનંદ દવેએ જાહેરમાં સોમવારે કહ્યું હતું કે ભાજપે હવે બ્રાહ્મણોની હકની બેઠકો છીનવીને અન્યોને આપવાનું ચાલુ કર્યું છે. ભાજપના કપરા સમયમાં તેમને જે લોકોએ સાથ આપ્યો તેને છોડીને હવે અન્યોને આગળ વધારવામાં આવી રહ્યા છે. અત્યારે બ્રાહ્મણોને અન્યાય કરવામાં આવ્યો છે અને તેનું પરિણામ ભાજપને ભોગવવું પડશે.
અહીં ઉલ્લેખનીય છે કે પુણેમાં અનેક સ્થળે એવા બેનરો લાગ્યા છે કે કુલકર્ણીનો મતદારસંઘ ગયો, ટિળકનો મતદારસંઘ ગયો અને હવે બાપટનો નંબર લાગશે? સમાજે ક્યાં સુધી સહન કરવાનું છે? આ બેનરની નીચે કસ્બાનો એક જાગૃત મતદાર એટલું જ લખવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના સિનિયર નેતા ગિરીશ બાપટની ઉમેદવારી છીનવાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપ બ્રાહ્મણોની બેઠકો પર અન્ય સમાજના લોકોને ઉમેદવારી આપીને બ્રાહ્મણોને અન્યાય કરી રહી છે એવું જણાવતાં બ્રાહ્મણ સમાજ ક્યાં સુધી આ અન્યાયને સહન કરશે એવો સવાલ કરવામાં આવ્યો છે.
રાસણેને અપાયેલી ઉમેદવારી બનશે વિવાદનું કારણ?
પુણેના કસ્બા પેઠ મતદારસંઘમાંથી મુક્તા ટિળકના પરિવારના લોકો ઉમેદવારી મેળવવાની અપેક્ષા કરી રહ્યા હતા તેને બદલે ભાજપે હેમંત રાસણેને ઉમેદવારી આપી હતી. આ બાબતે નારાજગી વ્યક્ત કરતાં મુક્તા ટિળકના પતિ શૈલેશ ટિળકે પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરતાં કહ્યું હતું કે પરિવારની કોઈ વ્યક્તિને ઉમેદવારી આપવામાં આવી હોત તો તેઓ મુક્તા ટિળકના કામને સારી રીતે પૂરું કરી શક્યા હોત. મુક્તા ટિળકના પતિ ઉપરાંત પુત્ર કુણાલ ટિળક પણ ઉમેદવારી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. મુક્તા ટિળકના પુત્ર કુણાલ ટિળકને ભાજપનો પ્રવક્તા બનાવી નાખવામાં આવ્યો છે.
કૉંગ્રેસે કહ્યું ભાજપે ટિળકને વિસારે પાડ્યા
મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સોમવારે કહ્યું હતું કે ભાજપે સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર ટિળક અને તેમના પરિવારને વિસારે પાડ્યા છે. મુક્તા ટિળક બાળ ગંગાધર ટિળકના પૌત્ર જયંતરાવ ટિળકના ભત્રીજા વહુ હતા. ટિળકના પરિવારને ભાજપે સત્તાના મદમાં વિસારે પાડી દીધો છે.
ભાજપે મુક્તા ટિળકના પરિવારને અને સ્વાતંત્ર્યસેનાની બાળ ગંગાધર ટિળકને વિસારે પાડી દીધા છે. ભાજપને પક્ષની જરૂરિયાત પૂરી થઈ જાય પછી લોકોને ભૂલી જવાની જૂની આદત છે, એમ પટોલેએ કહ્યું હતું.

તો રાસણેની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવશે: બાવનકુળે
મહારાષ્ટ્રની પરંપરાને ધ્યાનમાં રાખીને જો કૉંગ્રેસ અને એનસીપી કસ્બા પેઠ મતદારસંઘની ચૂંટણી બિનવિરોધ કરવા માટે તૈયાર હોય તો અમે રાસણેની ઉમેદવારી પાછી ખેંચી લઈશું, એવું નિવેદન મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ સોમવારે કર્યું હતું. ટિળકનો પરિવાર નારાજ હોવાના અહેવાલો વહેતા થયા બાદ બાવનકુળે તેમના પરિવારને મળવા માટે ગયા હતા. તેમણે એવો દાવો કર્યો હતો કે ૧૦૦૦ ટકા કોઈ નારાજ નથી. જો કૉંગ્રેસ આ બેઠક ટિળક પરિવારને મળે એવું ઈચ્છતી હોય તો તેઓ ચૂંટણી બિનવિરોધ કરે. ટિળક પરિવારના સભ્યને જ ઉમેદવારી આપવામાં આવશે. ચૂંટણી થવાની હોય તો જીતવાની સૌથી વધુ શક્યતા હોય એવા ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. આની પહેલાં પણ રાજ્યમાં અનેક વખત મૃતક જનપ્રતિનિધિના પરિવારને ઉમેદવારી આપવામાં આવી નથી, તેનાથી કશો ફરક પડતો નથી. ક્યાંય નારાજગી નથી. ટિળક પરિવાર ભાજપ પ્રત્યે નારાજ થાય એવી શક્યતા જ નથી, એમ બાવનકુળેએ કહ્યું હતું.

કૉંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરવા પહેલાં ટિળક પરિવારની લીધી મુલાકાત
પુણેની કસ્બા પેઠ વિધાનસભા પરથી કૉંગ્રેસના ઉમેદવાર રવીન્દ્ર ધંગેકરે ઉમેદવારી જાહેર થતાં જ સોમવારે વહેલી સવારે પુણેના કેસરીવાડામાં આવેલા સ્વ. મુક્તા ટિળકના ઘરની મુલાકાત લીધી હતી અને તેમના પતિ શૈલેશ તેમ જ પુત્રો કુણાલ અને રોહિતની સાથે ચર્ચા કરી હતી. કસ્બાપેઠ મતદારસંઘમાં કામ કરતી વખતે છેલ્લા ૨૦ વર્ષથી મારો મુક્તા ટિળક સાથે સંપર્ક હતો અને તેમનાં અધુરા રહેલા કામ હું પૂરા કરીશ એમ રવીન્દ્ર ધંગેકરે જાહેર કર્યું હોવાથી હવે અહીં ખરાખરીનો જંગ જોવા મળશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular