‘શિંદે સેના’નો ‘ઉદ્ધવ સેના’ પર વિજય

દેશ વિદેશ

ભાજપના રાહુલ નાર્વેકર ૧૬૪ વિરુદ્ધ ૧૦૭ મતથી વિધાનસભાના સ્પીકર ચૂંટાયા

વિજય: મહારાષ્ટ્ર વિધાનસભાના નવા ચૂંટાયેલા સ્પીકર રાહુલ નાર્વેકરને અભિનંદન આપતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ. (અમય ખરાડે)

મુંબઈ: ભાજપના રાહુલ નાર્વેકર રવિવારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાના ઉમેદવાર રાજન સાળવીને ૧૬૪ વિરુદ્ધ ૧૦૭ મતથી હરાવીને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર ચૂંટાયા હતા.
ભાજપનો ટેકો ધરાવતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાનો ‘ઉદ્ધવ સેના’ સામે મતના મોટા તફાવતથી વિજય થયો હોવાથી સોમવારે શિંદે સરકાર માટે વિશ્ર્વાસનો મત મેળવવાનું સરળ થવાની આશા રખાય છે. આ સાથે ૪૫ વર્ષના નાર્વેકર દેશના અત્યાર સુધીના સૌથી યુવાન સ્પીકર બન્યા હોવાનું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
નાર્વેકરના સસરા રામરાજે નાઈક (એનસીપી) વિધાન પરિષદના અધ્યક્ષ છે. ૨૮૮ સભ્ય ધરાવતા ગૃહના બે દિવસના વિશેષ સત્રની કામગીરી દક્ષિણ મુંબઈસ્થિત વિધાનભવન ખાતે રવિવારે સવારે ૧૧:૦૦ વાગે શરૂ થઈ હતી.
શિવસેનાના રમેશ લટકેના અવસાનને કારણે વિધાનસભાની એક બેઠક ખાલી પડી હતી.
નાયબ સ્પીકર હોવાને કારણે એનસીપીના નરહરિ ઝિરવાલ મતદાન નહોતા કરી શક્યા. મતગણતરી બાદ ઝિરવાલે કહ્યું હતું કે શિવસેનાના અમુક એમએલએએ પાર્ટીના વિપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. રેકોર્ડિંગની ચકાસણી કરી તેમની વિરુદ્ધ જરૂરી પગલાં લેવામાં આવવાં જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
૨૮૭માંથી ૨૭૧ એમએલએએ મતદાન કર્યું હતું, જ્યારે સમાજવાદી પક્ષના રઈશ શેખ, અબુ આઝમી અને એઆઈએમઆઈએમના શાહ ફારુખ મતદાન કરવાથી દૂર રહ્યા હતા.
૧૨ એમએલએ મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. ભાજપના લક્ષ્મણ જગતાપ અને મુક્તા તિલક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોવાને કારણે મતદાનમાં ગેરહાજર રહ્યા હતા.
મનીલૉન્ડરિંગ સહિત વિવિધ કેસનો સામનો કરી રહેલા એનસીપીના એમએલએ નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં હોવાને કારણે મતદાનમાં હાજર નહોતા રહ્યા. એનસીપીના અન્ય ચાર એમએલએ દત્તાત્રય ભારાણે, અન્ના બાનસોડે, નીલેશ લંકે અને બબનદાદા શિંદે મતદાન કરવા ફરક્યા જ નહોતા. કૉંગ્રેસના બે એમએલએ પ્રણીતી શિંદે અને જિતેશ અંતપુરકર પણ સત્રમાં ગેરહાજર રહ્યા હતા.
એઆઈએમઆઈએમના મુફ્તી મોહમ્મદ ઈસ્માઈલ પણ ગેરહાજર રહ્યા હતા. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.