Homeદેશ વિદેશશિંદે સેના ખરી શિવસેના

શિંદે સેના ખરી શિવસેના

ચૂંટણી પંચે એકનાથને ‘ધનુષ્ય-બાણ’ આપ્યું

નવી દિલ્હી: ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથને અસલી શિવ સેના તરીકે માન્યતા આપી હતી. સાથે ‘ધનુષ્ય-બાણ’ (‘તીર કામઠા’)નું ચિહ્ન પણ શિંદેના જૂથને ફાળવ્યું હતું. રાજકીય પક્ષ પર અંકુશ મેળવવા લાંબા સમયથી ચાલી રહેલી લડત અંગેના ૭૮ પાનાનાં આદેશમાં રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી પૂરી થાય ત્યાં સુધી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથને ફાળવવામાં આવેલું ‘સળગતી મશાલ’નું ચિહ્ન રાખવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્રણ સભ્યોના પંચ દ્વારા સર્વાનુમતે જાહેર કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેને ટેકો આપતા વિજય મેળવનાર ૫૫ વિધાનસભ્યને લગભગ ૭૬ ટકા
મત મળ્યા હતા. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેના જૂથના વિજેતા વિધાનસભ્યોને ૨૩.૫ ટકા મત મળ્યા હતા.
ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું હતું કે ૨૦૧૮માં શિવસેનાના બંધારણમાં કરવામાં આવેલો ફેરફાર ચૂંટણી પેનલમાં નોંધાયો નથી.
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાના જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપવાના ચૂંટણી પંચના નિર્ણયને બાળાસાહેબ ઠાકરેની વિચારધારાનો વિજય ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે હું ચૂંટણી પંચનો આભાર માનું છું. લોકશાહીમાં બહુમતનો વિજય થાય છે. બાળાસાહેબના વારસાનો, એમની વિચારધારાનો આ વિજય છે. અમારી શિવ સેના એ જ ખરી અને અસલી શિવસેના છે. બાળાસાહેબની વિચારધારાને ધ્યાનમાં રાખીને જ અમે ગયા વર્ષે મહારાષ્ટ્રમાં (ભાજપ સાથે) સરકાર રચી હતી.
દરમિયાન, શિવસેનાના વિભાજનને પગલે જૂન ૨૦૨૨માં મહારાષ્ટ્રના રાજકારણમાં નિર્માણ પામેલી ગંભીર કટોકટી સંબંધિત અરજી સાત ન્યાયાધીશની ખંડપીઠને સોંપવાનું સુપ્રીમ કોર્ટે શુક્રવારે નકારી કાઢ્યું હતું.
વર્ષ ૨૦૧૬માં અરુણાચલ પ્રદેશના નાબામ રેબિયા કેસનો નિર્ણય લેતી વખતે પાંચ ન્યાયાધીશની ખંડપીઠે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે વિધાનસભાના સ્પીકરને હોદ્દા પરથી દૂર કરવાની અરજી ગૃહમાં અગાઉથી અનિર્ણિત પડેલી હોય તેવા સંજોગોમાં સ્પીકર વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવતી અરજી હાથ ધરી ન શકે.
આ ચુકાદો મહારાષ્ટ્રના વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વડપણ હેઠળ બળવો કરનાર શિવસેનાના ધારાસભ્યોનો બચાવ કરે છે.
ઠાકરે પરિવારના વફાદાર મનાતા મહારાષ્ટ્ર વિધાનસભાના નાયબ સ્પીકર નરહરિ સીતારામ ઝીરવાલને હોદ્દા પરથી દૂર કરવાની માગણી કરતી શિંદે જૂથ દ્વારા આપવામાં આવેલી અરજી ગૃહમાં અનિર્ણિત પડી રહી હતી ત્યારે શિવસેનાના ઉદ્ધવ જૂથે પક્ષના બળવાખોર નેતાઓને ગેરલાયક ઠેરવવાની માગણી કરતી અરજી કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૬ના નાબામ રેબિયા કેસના ચુકાદાના સંદર્ભની જરૂર છે કે નહીં તે જાણીને કે પછી યોગ્યતાને આધારે જ આ કેસની સુનાવણી ૨૧ ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
નાબામ રેબિયા કેસના મૂળભૂત સત્યની વર્તમાન કેસની વાસ્તવિક સ્થિતિ પર પડેલી અસર અંગે ચર્ચાવિચારણા કરવાની જરૂર છે, એમ ખંડપીઠે કહ્યું હતું.
યોગ્યતાના ધોરણે કેસની સુનાવણી મંગળવારે સવારે ૧૦:૩૦ વાગે હાથ ધરવામાં આવશે, એમ ન્યાયાધીશ એમ. આર. શાહ, ક્રિષ્ણ મુરારી, હિમા કોહલી અને પી. એસ. નરસિંહાનો પણ સમાવેશ કરતી ખંડપીઠે કહ્યું હતું. (એજન્સી)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular