મુંબઈઃ દુનિયાની સૌથી મોટી લોકશાહીના સન્માનસમાન સંસદ ભવનના ઉદ્ધાટનને લઈને વિપક્ષોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે ત્યારે આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સૌથી મોટું નિવેદન આપીને વિપક્ષોની ટીકા કરી હતી. આ મુદ્દે આજે 19 જેટલા વિરોધ પક્ષે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમનો સામૂહિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આ બહિષ્કારનું કારણ જણાવતા વિપક્ષે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિને આ કાર્યક્રમથી દૂર રાખ્યાં છે, જે અભદ્ર કૃત્ય છે અને લોકશાહી પર સીધો હુમલો છે. વિપક્ષના બહિષ્કાર પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે વિરોધ કરવાનું તો વિપક્ષનું કામ છે. દેશની પ્રગતિ અને પ્રગતિ સૌની સમક્ષ છે. દેશને 11મા નંબરથી પાંચમા નંબર પર લાવવાનો શ્રેય માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ જાય છે. દરમિયાન તેમણે કહ્યું હતું કે જનતા બધું જાણે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે જે કંઈ કર્યું છે તે બધાની સામે છે. આગામી સમયમાં લોકસભાના તમામ રેકોર્ડ તૂટી જશે, એવું તેમણે જણાવ્યું હતું.
જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. તમામ 19 વિપક્ષી પાર્ટીઓએ આ કાર્યક્રમનો સામૂહિક બહિષ્કાર કર્યો છે અને કહ્યું છે કે આ સરકારના કાર્યકાળ દરમિયાન સંસદમાંથી લોકશાહીની ભાવના દૂર કરવામાં આવી છે અને રાષ્ટ્રપતિને સમારંભથી દૂર રાખવા એ ‘અભદ્ર કૃત્ય’ છે અને લોકશાહી પર સીધો હુમલો છે.
બીજી તરફ વિપક્ષના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે વિરોધ પક્ષોએ તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. વિપક્ષને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરતા કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે બહિષ્કાર કરવો અને બિનજરુરી મુદ્દાને મુદ્દો બનાવવો કમનસીબ છે. હું તેમને આ નિર્ણય પર ફરી વિચાર કરવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ કરું છું.