મહારાષ્ટ્રમાં વિધાનસભાની બહાર હંગામો! સરકાર અને વિપક્ષ આમને સામને આવતા માહોલ ગરમાયો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહાવિકાસ અઘાડી સરકાર સત્તામાં હતી ત્યારે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરીને ભાજપ અને શિંદે જૂથના વિધાનસભ્યોએ આજે એટલે કે બુધવારે વિધાનસભાની બહાર તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપના ધારાસભ્યોએ NCP પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીનો ઉલ્લેખ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ‘અનિલ દેશમુખના બોક્સ…સિલ્વર ઓક ઓકે….લવાસા બોક્સ, સિલ્વર ઓક ઓકે….મહાપાલિકા બોક્સ, માતોશ્રી ઓકે….સ્ટેન્ડિંગ કમિટી બોક્સ, માતોશ્રી ઓકે…સચિન વાઝેના બોક્સ, માતોશ્રી ઓકે,’ એવો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

વિપક્ષે પણ એકનાથ શિંદે જૂથ અને સત્તામાં રહેલા ભાજપના ધારાસભ્યોને નિશાન બનાવીને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. એક જ સમયે બંને તરફથી સૂત્રોચ્ચાર અને વિરોધના કારણે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર ‘મહાભારત’ છેડાઇ ગયું હતું અને સ્થિતિ બેકાબૂ બની હતી. સુરક્ષાકર્મીઓએ દરમિયાનગીરી કરીને બંને પક્ષોને અલગ કર્યા હતા.

શિંદે જૂથના ધારાસભ્યો આક્રમક રીતે NCP વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા, પરંતુ ભાજપના ધારાસભ્યોએ માતોશ્રીનું નામ લેતા જ આ જૂથના ધારાસભ્યોના ચહેરા પર થોડી મૂંઝવણ જોવા મળી હતી.

નોંધનીય છે કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને ભાગેલા એકનાથ શિંદેના જૂથના નેતાઓને મોટી રકમ મળી છે. આ વાતને મુદ્દો બનાવીને મહાવિકાસ અઘાડીના કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના સભ્યો દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભામાં ચોમાસું સત્રની શરૂઆતમાં 50 ખોખે, એકદમ ઓકે એમ નારેબાજી કરવામાં આવી હતી, જેનો અર્થ એમ છે શિંદે જૂથના વિધાનસભ્યોને 50 કરોડની રકમ મળ્યા બાદ મહારાષ્ટ્ર પોલિટિક્સમાં સત્તાપલટો આવ્યો છે. એમના આ ટીકાસ્ત્રોના જવાબમાં શાસક શિંદે જૂથ-ભાજપની સરકારે આજે મહાવિકાસ અઘાડી સરકારના નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.