એવોર્ડ પેનલના ત્રણ સભ્યોએ સાહિત્ય બોર્ડમાંથી રાજીનામાં આપ્યાં
મુંબઈ: કથિત માઓવાદી વિચારક કોબાડ ગાંધીના સંસ્મરણના મરાઠી અનુવાદ માટેનો એવોર્ડ પાછો ખેંચવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પરના વિવાદ વચ્ચે એવોર્ડ પસંદગી સમિતિના ચાર સભ્યોએ ‘લોકશાહી પ્રક્રિયાઓનું અપમાન’ ટાંકીને રાજ્ય સાહિત્ય અને સંસ્કૃતિ બોર્ડમાંથી રાજીનામાં આપી દીધાં છે. મરાઠી ભાષા સમિતિના અધ્યક્ષ લક્ષ્મીકાંત દેશમુખે પણ રાજીનામું આપ્યું છે.
ચાર સભ્યો ડો. પ્રજ્ઞા દયા પવાર, નીરજા અને હેરામ્બ કુલકર્ણી અને વિનોદ શિરસાટ સમિતિના સભ્ય હતા, જેઓએ સ્વર્ગસ્થ યશવંતરાવ ચવ્હાણ સાહિત્ય પુરસ્કાર, ૨૦૨૧ માટે ગાંધીના પુસ્તક ‘ફ્રેક્ચર ફ્રીડમ: અ પ્રિઝન મેમોયર’ના મરાઠી અનુવાદની પસંદગી કરી હતી. જોકે સરકારે ન માત્ર એવોર્ડ પાછો ખેંચ્યો, પરંતુ એવોર્ડ પસંદગી સમિતિને પણ રદ કરી દીધી હતી.
છઠ્ઠી ડિસેમ્બરે સરકારના મરાઠી ભાષા વિભાગે ગાંધીના પુસ્તકના અનુવાદ માટે અનગા લેલેને એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ ગાંધીના કથિત માઓવાદી સંબંધોને કારણે સોશિયલ મીડિયા પર આ નિર્ણયની ટીકા થઇ હતી.
બોક્સ…
એવોર્ડ રદ કરવાથી પુસ્તકો વાંચવાનું બંધ નહીં થાય: સંજય રાઉત
કોબાડ ગાંધીના પુસ્તક વિવાદ પર હવે રાજકારણીઓએ પણ ઝંપલાવ્યું છે. એક રીતે જોવા જાવ તો વિરોધી પક્ષે સરકારની ટીકા કરવાની તકને જતી નહોતી કરી. સંજય રાઉતે આ અંગે પ્રહાર કરતાં કહ્યું હતું કે એવોર્ડ રદ કરવાની કોઇ જરૂર નથી. જે કમિટીએ એવોર્ડ આપ્યો હશે એણે સમજી વિચારીને આપ્યો હશે. આમ પણ એવોર્ડ રદ કરવાથી કંઇ પુસ્તકો વાંચવાનું બંધ નહીં થઇ જાય.
સરકારે આ ક્ષેત્રે દખલગીરી કરવી અયોગ્ય: અજિત પવાર
સાહિત્યમાં રાજકીય દરમિયાનગીરી વધી રહી છે. આ ગંભીર બાબત છે. છઠ્ઠી ડિસેમ્બરે ઉત્કૃષ્ટ સાહિત્યનો એવોર્ડ જાહેર થયો અને છ દિવસ બાદ તેને રદ પણ કરી દેવામાં આવ્યો. સરકારે આવી બાબતોમાં દરમિયાનગીરી કરવી યોગ્ય નથી. યશવંતરાવ ચવ્હાણે મહારાષ્ટ્રના નિર્માણથી સાહિત્ય, કલા, સંસ્કૃતિને હંમેશાં માનસન્માન આપ્યાં છે. એ જ પરંપરાને આગળ ધપાવવામાં આવી રહી છે. છ દિવસમાં જ સરકારે અચાનક પુરસ્કાર સમિતિને જ રદ કરીને અનગા લેલેનો એવોર્ડ રદ કર્યો.
સરકારને અધિકાર છે: સદાનંદ મોરે
ફ્રેક્ચર્ડ ફ્રીડમ પુસ્તક પર હાલમાં રાજ્યના સાહિત્યિક ક્ષેત્રે જોરદાર ચર્ચા ચાલી રહી છે. આનું કારણ છે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલો એવોર્ડ સરકારે જ રદ કરી દીધો છે. સરકારના નિર્ણયના વિરોધમાં લેખકોએ પુરસ્કાર પરત કરી દીધો તો બોર્ડના અમુક સભ્યોએ રાજીનામાં ધરી દીધાં. જોકે આ અંગે મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અને સાંસ્કૃતિક બોર્ડના અધ્યક્ષ સદાનંદ મોરેએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકારને એવોર્ડ આપવો કે ન આપવો તેનો પૂરેપૂરો અધિકાર છે. હું આ અંગે સરકારની વિરુદ્ધ કંઇ પણ બોલીશ નહીં.