શાસ્ત્રીજીનો મૃતદેહ જ્યારે ભારત પાછો લાવવામાં આવ્યો ત્યારે શરીરનો રંગ ભૂરો શા માટે થઈ ગયો હતો?

ઉત્સવ

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

ભારતના એક સૌથી લોકપ્રિય વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં વિચિત્ર સંજોગોમાં થયેલા શંકાસ્પદ મૃત્યુ વિશે વારંવાર ચર્ચાઓ થતી રહે છે. દેશ-દુનિયાનાં કોઈ વક્રદૃષ્ટા પણ એ વાતનો ઇન્કાર કરી નહીં શકે કે ફક્ત બે વર્ષના ટૂંકાગાળામાં શાસ્ત્રીજીએ મેળવેલી અભુતપૂર્વ લોકપ્રિયતાને કોઈ રાજકારણી આંબી નહીં શકે. સ્વતંત્ર ભારતનું સૌથી લોકપ્રિય સૂત્ર, ‘જય જવાન, જય કિસાન’ આપનાર લાલબહાદુર શાસ્ત્રીની જાણીતી ખૂબીઓથી તો વાચકો માહિતગાર જ હશે, પરંતુ કેટલીક બહુ નહીં ચર્ચાયેલી એમની સિધ્ધીઓ આ પ્રમાણે છે.
સમગ્ર દેશમાં હિન્દીને રાષ્ટ્રીય ભાષા નક્કી કરવાનો નિર્ણય એમણે કર્યો ત્યારે તમિલનાડુમા મોટું આંદોલન થયુ હતું. શાસ્ત્રીજીએ કોઈ પણ બળનો ઉપયોગ કર્યા વગર આ આંદોલનને શાંત કરી નાખ્યું હતું. તેઓ જ્યારે ઉત્તર પ્રદેશના પરિવહન અને ગૃહમંત્રી હતા ત્યારે સૌપ્રથમ વખત મહિલા કંડકટરની નિમણૂક કરવાની પ્રથા શરૂ થઈ હતી અને તોફાનીઓને લાઠી દ્વારા કંટ્રોલ કરવાને બદલે વોટર કેનનો ઉપયોગ કરવાનો નિર્ણય પણ શાસ્ત્રીજીની જ દેન છે. આણંદમાં અમૂલ દૂધની જે સફેદ ક્રાંતિ થઈ એના જશના ભાગીદાર પણ શાસ્ત્રીજી જ હતા.
૧૯૬૪માં જવાહરલાલ નહેરુના અવસાન પછી લાલબહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડા પ્રધાન બન્યા. ૧૯૬૫માં પાકિસ્તાને કચ્છનો પ્રદેશ પચાવી પાડવા માટે જ્યારે ભારત પર હુમલો કર્યો ત્યારે યુદ્ધમાં પાકિસ્તાનને ઘોર પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને સમગ્ર વિશ્ર્વમાં શાસ્ત્રીજીનું નામ ગુંજતુ થયું હતું. ભારત – પાકિસ્તાન વચ્ચે લાંબાગાળાની શાંતિ સ્થપાય એ માટે ૧૯૬૬ની ૧૦મી જાન્યુઆરીએ રશિયાના તાસ્કંદ ખાતે કરાર થયા હતા. ૧૦મીએ શાસ્ત્રીજીએ કરાર પર સહી કરી અને બીજી જ રાત્રે નિદ્રા દરમિયાન જ શાસ્ત્રીજીનું અવસાન થયું હતું. શાસ્ત્રીજીના અવસાનના શરૂઆતના દિવસોમાં મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો ગણાવવામાં આવ્યું હતું. જોકે દેશ આખામાં એવી ચર્ચા જોરશોરથી થઈ હતી કે કોઈ મોટા ષડયંત્ર હેઠળ શાસ્ત્રીજીનું કાસળ કાઢી નાખવામાં આવ્યું છે. યાદ રહે એ વખતે વોટ્સએપ કે ફેસબુક જેવું સોશિયલ મિડિયા નહોતું. ટી.વી. નહોતું, રેડિયો સરકારી કબજામાં હતો અને છાપાઓ ખૂબ જ મર્યાદીત પ્રમાણમાં હતા. આમ છતાં શાસ્ત્રીજીનો મૃતદેહ જ્યારે ભારત લાવવામાં આવ્યો ત્યારથી જ દેશ આખામાં એક જ ચર્ચા હતી કે શાસ્ત્રીજીના મૃત્યુની પૂરી તપાસ થવી જોઈએ. સામાન્ય રીતે વડા પ્રધાન જેવી વ્યક્તિ વિદેશ પ્રવાસે હોય ત્યારે ડોક્ટરની એક આખી ટીમ એમની સાથે હોય છે. શાસ્ત્રીજીનું અવસાન થયું ત્યારે નજીકમાં કોઈ ડોક્ટર હતા નહીં. તાસ્કંદ ખાતે એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને રિપોર્ટ આપી દેવામાં આવ્યો કે એમનું મૃત્યુ કુદરતી હતું. નવાઈની વાત એ છે કે એમનો મૃતદેહ ભારત આવ્યો ત્યાર પછી પણ એનું પોસ્ટમોર્ટમ ભારતમાં શા માટે નહોતું કરવામાં આવ્યું? કોના ઇશારાથી ઝડપભેર અંતિમ ક્રિયા પૂરી કરી દેવામાં આવી? જેવા પ્રશ્નોના જવાબો અનુત્તર જ રહ્યા.
લાલબહાદુર શાસ્ત્રીના પત્ની લલિતા શાસ્ત્રી ખૂબ સીધા વ્યક્તિત્વવાળાં હતાં. તેઓ કદી સક્રિય રાજકારણમાં પડ્યાં નહોતાં. આમ છતાં એ વખતે જ લલિતા શાસ્ત્રીએ એવી શંકા વ્યક્ત કરી હતી કે શાસ્ત્રીજીનું મૃત્યુ ઝેર આપવાને કારણે થયું છે. વડા પ્રધાનના પત્ની આટલો ગંભીર આક્ષેપ કરે ત્યારે એને હળવી રીતે લેવાય નહીં. આમ છતાં લલિતા શાસ્ત્રીની વાતને ગંભીરતાથી લેવાને બદલે તત્કાલીન સત્તાધીશોએ કોઈ તપાસ કમિટીની નિમણૂક કરી નહીં. ઠેઠ ૧૯૭૮માં ક્રાંત વર્મા નામના હિન્દી કવિએ કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો હતો. જેનું નામ ‘લલિતા કે આંસુ’ હતું.
પાછળથી એક રિટાર્યડ સીઆઇએના અધિકારી, રોબર્ટ ક્રાઉલી સાથે ગ્રેગરી ડગ્લાસ નામના પત્રકારે વર્ષો સુધી ટેલિફોનિક વાતચીત કરી. આ વાતચીતને આધારે ગ્રેગરી ડગ્લાસે ‘ક્ધવર્સેશન વિથ ધ ક્રો’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. સીઆઇએના એજન્ટ ક્રાઉલીએ એવી કબૂલાત કરી હતી કે ભારતના ન્યૂક્લિયર વૈજ્ઞાનિક હોમીભાભા જ્યારે વીએનામાં એક કોન્ફરન્સ સંબોધવા જતા હતા ત્યારે એમનું વિમાન આલ્પ્સની પર્વતમાળામાં તોડી પાડીને એમની હત્યા કરાવવામાં આવી હતી. એ પુસ્તકમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે હોમીભાભા અને લાલબહાદુર શાસ્ત્રીની હત્યાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે શાસ્ત્રીજી પણ ન્યૂક્લિયર પ્રયોગને આગળ વધારવા માગતા હતા.
૧૯૭૭માં જ્યારે કૉંગ્રેસની લોકસભા ચૂંટણીમાં હાર થઈ અને જનતા પક્ષની સરકાર બની ત્યારે તત્કાલીન કેન્દ્રીય પ્રધાન રાજનારાયણની અધ્યક્ષતામાં શાસ્ત્રીજીનાં મૃત્યુની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી હતી. શાસ્ત્રીજીનું મૃત્યુ કયા સંજોગોમાં થયું હતું અને એ માટે કોણ જવાબદાર હતું એની તમામ વિગતો શોધી નાખવા માટે આ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ રિપોર્ટમાં તારવેલા તારણો આજ સુધી બહાર આવ્યા નથી. કોઈને ખબર નથી કે કમિટીનો રિપોર્ટ ક્યાં અને કોની પાસે છે. થોડાં વર્ષો પહેલાં જાણીતા ફિલ્મ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ આ બાબતે ‘તાસ્કંદ ફાઇલ’ નામની ફિલ્મ પણ બનાવી હતી. પત્રકાર કુલદિપ નૈયર, અનુજ ધા, સૌતિક બિશ્વાસ, વકીલ અનુપ બોઝ તેમ જ લાલબહાદુર શાસ્ત્રીના કુટુંબીજનોનું માનવું હતું કે લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન તાસ્કંદમાં જે ભેદી સંજોગોમાં થયું છે એની સત્યતા જાણવાનો દેશને હક છે. ‘સીઆઇએઝ આઇઝ ઓન સાઉથ એશિયા’ નામનું પુસ્તક લખનાર લેખક અનુજ ધાએ, યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન માહિતી મેળવવાના અધિકાર (આરટીઆઇ) હેઠળ વડા પ્રધાન કાર્યાલયને અરજી કરીને રાજનારાયણ કમિટીનો રિપોર્ટ જાહેર કરવા માટે માગણી કરી હતી. જોકે તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહની ઓફિસે આ દસ્તાવેજો ‘ક્લાસિફાઇડ હોવાથી એ જાહેર નહીં કરી શકાય’ એવો બોદો જવાબ આપ્યો હતો. આરટીઆઇ કમિશનર શ્રીધર આચાર્યઉર્લ્લુએ પણ વડા પ્રધાનની ઓફિસ તેમજ વિદેશ મંત્રાલયને શાસ્ત્રીજીનાં મોતને લગતા ડોક્યુમેન્ટસ જાહેર કરવા લેખિતમાં કહ્યું હતું. આમ છતા જાત-ભાતના બહાના કાઢીને કમિટીનો રિપોર્ટ અને બીજા દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા નથી. આંચકાજનક વાત એ છે કે શાસ્ત્રીજીનું મૃત્યુ થયું ત્યારે તેમની પાસે પહોંચનાર એક માત્ર ભારતીય ડોક્ટર આર. એન. ચોગ અને શાસ્ત્રીજીના અંગત મદદનીશ રામનાથનાં મૃત્યુ પણ રોડ અકસ્માતમાં શંકાસ્પદ રીતે થયાં હતાં. લલિતા શાસ્ત્રીએ તો કહ્યું હતું કે ‘શાસ્ત્રીજીનો પાર્થિવ દેહ જ્યારે તાસ્કંદથી ભારત લવાયો ત્યારે એમનું શરીર ભૂરા રંગનું થઈ ગયું હતું અને શરીર પર કેટલાક ઘાના નિશાનો પણ હતા.’
શાસ્ત્રીજીનાં મૃત્યુને આજે ૫૬ વર્ષ થઈ ગયાં છે. વિદેશમાં એક વડા પ્રધાનના અચાનક થયેલા મૃત્યુના કોઈ વાજબી કારણ નહીં મળતા હોય ત્યારે સત્તાધીશોએ ફક્ત એમના કુટુંબીઓની લાગણીને માટે જ નહીં પરંતુ દેશની જનતાના સત્ય જાણવાના અધિકાર માટે પણ રાજનારાયણ કમિટીનો રિપોર્ટ જાહેર કરવો જરૂરી બને છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.