રાજાપુરના પત્રકાર શશિકાંત વારિશેની હત્યામાં મોટો ખુલાસો થયો છે. આરોપી અંબરકરે પોલીસ સમક્ષ ગુનો કબૂલી લીધો છે. અંબરકરે જણાવ્યું છે કે વારિશેનો અકસ્માત નહીં પણ હત્યા હતી. આ હત્યા પૂર્વ નિયોજિત હતી, એમ એક અંગ્રેજી અખબારે જણાવ્યું છે. અંબરકર હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને ગઈકાલે કોર્ટે વધુ બે દિવસ માટે તેની પોલીસ કસ્ટડી લંબાવી છે.
તપાસ દરમિયાન પોલીસને અંબરકરના બેંક એકાઉન્ટ તેમજ કોલ રેકોર્ડની વિગતો મળી હતી. આ કૃત્યમાં અન્ય લોકો સામેલ છે કે નહીં એની પોલીસ તપાસ કરી રહી છે, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે અગાઉના કેસો અને આરોપી સામે નોંધાયેલી ફરિયાદોની પણ માહિતી મેળવી છે. તેની પાસે રિફાઈનરી વિરોધી કાર્યકરોને ધમકી આપવા અને હુમલો કરવાનો ગુનાહિત રેકોર્ડ છે. કારણ કે આરોપી રિફાઈનરી તરફી હતો અને પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને સરળ બનાવવા માટે કામ કર્યું હતું.
6 ફેબ્રુઆરીના રોજ વારીશેએ મરાઠી અખબાર મહાનગર ટાઈમ્સમાં એક લેખ લખ્યો હતો, જેમાં તેણે તાજેતરમાં રત્નાગિરીમાં પ્રસ્તાવિત રિફાઇનરી પ્રોજેક્ટના સમર્થક પંઢરીનાથ અંબરકર નામના જમીન વેપારી વિરુદ્ધ લખ્યું હતું. એણે નોંધ્યું હતું કે અંબરકર પર ગંભીર ગુનાઓનો આરોપ છે. લેખમાં એમણે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના બેનરો સાથે અંબરકરનો ફોટો દેખાયો હતો. વારિશેના આ લેખ બાદ છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ આરોપી અંબરકરની કાર હેઠળ તેમનો અકસ્માત થયો હતો. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ઇજાના કારણે સાતમી ફેબ્રુઆરીના રોજ વારિશેનું મૃત્યુ થયું હતું. વારિશેનો અતસ્માત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હોવાની વાતો વહેતી થઇ હતી અને વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો, જેને લઇને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શશિકાંત વારિશે હત્યા કેસની તપાસ માટે એસઆઈટીની રચનાની જાહેરાત કરી હતી. તે મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક ધનંજય કુલકર્ણીએ 12 સભ્યોની તપાસ ટીમની રચના કરી છે.