ગુજરાતી અને અન્ય ભાષાના સખા સહિયારા

ઉત્સવ

ઝબાન સંભાલ કે-હેન્રી શાસ્ત્રી

વિશ્ર્વમાં એવા કેટલાક દેશ છે જે વ્યવહારમાં સ્થાનિક ભાષા વાપરવાનો આગ્રહ રાખે છે. અલબત્ત, તેમને અંગ્રેજી માટે કોઈ રોષ કે વાંધાવચકા નથી, પણ ‘અમારા દેશમાં રહેવું હોય તો અમારી ભાષા શીખવી જ પડશે’ એવો તેમનો આગ્રહ હોય છે. યુરોપનો ‘ધ નેધરલેન્ડ્સ’ તરીકે ઓળખાતો દેશ એનું આગવું ઉદાહરણ છે. નેધરલેન્ડ્સના લોકો અને ત્યાંની ભાષા ડચ તરીકે ઓળખ ધરાવે છે. અલબત્ત, કેટલીક ડચ કહેવતો જાણ્યા પછી તમને એવા જ ભાવાર્થની ગુજરાતી કહેવત યાદ આવી જશે. ભાષામાં ભેદ હોય, ભાવમાં નહીં એ ફરી એક વાર સિદ્ધ થાય છે. ડચ ભાષા સમજવી અઘરી હોવાથી અહીં અંગ્રેજી અનુવાદથી કામ ચલાવી લઈએ. ડચ કહેવત છે To Make an Elephant out of Mosquito. મચ્છરને હાથી માની લેવો એ ભાવાર્થ પરથી જ અતિરેક કે અતિશયોક્તિની વાત છે એનો ખ્યાલ આવી જાય છે. જર્મન ભાષામાં પણ હાથી અને મચ્છરનાં ઉદાહરણ આપતી કહેવત છે. હવે મજા જુઓ કે અંગ્રેજીમાં આ કહેવત Making a Mountain out of a Molehill તરીકે જાણીતી છે. Molehill એટલે નાનકડા સસ્તન પ્રાણી દ્વારા ભીની માટીનો નાનકડો ગઠ્ઠો જમીનની અંદરથી ઉપર ધકેલવો. એ નાનકડા ગઠ્ઠાને પર્વત સમજી બેસવું. મતલબ એ જ કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. આટલી રજૂઆત પછી રાઈનો પર્વત કરવો – રાઈનો પહાડ કરવો એનું સ્મરણ ન થયું હોય તો જ નવાઈ. ડચ, જર્મન અને અંગ્રેજી કહેવતની જેમ અહીં પણ કદનો વિરોધાભાસ નજરે પડે છે. અલબત્ત, એક ફરક એ છે કે ગુજરાતી અને અંગ્રેજી કહેવતોમાં પદાર્થને પ્રાધાન્ય છે, જ્યારે ડચ અને અંગ્રેજ કહેવતમાં પ્રાણીના કદ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ભાષાની મજા જુઓ કે
રાઈ માટીનો ગઠ્ઠો – મચ્છર અને પર્વત હાથી બની જાય છે.
હવે બીજી ડચ કહેવત અને અન્ય ભાષામાં એ કઈ રીતે પ્રચલિત છે એ જાણીએ. ડચ કહેવત છે The Monkeys Come out of the Sleeve. શર્ટની બાંયમાંથી વાનર બહાર નીકળવા એવા શબ્દાર્થ પરથી અનુમાન બાંધી શકાય કે રહસ્ય છતું થઈ જવાની વાત છે. અંગ્રેજીમાં આ કહેવત To let the cat out of the bag and to spill the beans સ્વરૂપથી જાણીતી છે. કોથળામાંથી બિલાડી બહાર આવતાં કઠોળના દાણા વેરાઈ ગયા એવા શબ્દાર્થમાં રહસ્ય છતું થઈ ગયું એ જ ભાવાર્થ છે. સાચો ઈરાદો વ્યક્ત થઈ જવો એ અર્થ પણ સમાયેલો છે. ગુજરાતીમાં પણ વટાણા વેરાઈ ગયા કહેવત પણ આ જ ભાવાર્થ સાથે હાજર છે. વરસાદ વિશે તો દરેક ભાષામાં અવનવી કહેવતો જોવા મળે છે, કારણ કે જળ – વર્ષાને ભાષા કે પ્રાંત કે બીજા કોઈ સીમાડા નથી નડતા. વરસાદી ડચ કહેવત છે It is raining pipes. મતલબ કે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. મજેદાર વાત એ છે કે યુરોપિયન દેશોની સરખામણીમાં નેધરલેન્ડ્સમાં વધારે વરસાદ પડતો હોવાથી અહીં વરસાદી કહેવત વિવિધ સ્વરૂપે જોવા મળે છે. અન્ય વરસાદી ડચ કહેવતો છે It is Raining Cow Tails! It is raining Bricks! It is raining Razors! It is raining Telegraph Wires! It is raining Cups and Saucers! આ કહેવતોમાં એક વાત ઊડીને આંખે વળગે છે કે એવી વસ્તુઓ વરસવાની વાત છે
જે ક્યારેય ઉપરથી પડે કે વરસે નહીં. વરસાદની તીવ્રતા વ્યક્ત કરવા આવા ભાષાપ્રયોગ થયા છે. આ કહેવત અંગ્રેજીમાં It is raining cats
and dogs તરીકે જાણીતી છે. ડચ કહેવતમાં વિવિધ પદાર્થ છે, જ્યારે અંગ્રેજીમાં પ્રાણીની હાજરી છે.
હવે એક એવી ડચ કહેવતની વાત કરીએ જેનું સામ્ય અંગ્રેજી ઉપરાંત અન્ય ભારતીય ભાષામાં પણ નજરે પડે છે. એ કહેવત છે He who has butter on this head should stay out of the sun. એનો શબ્દાર્થ થાય છે માથા પર માખણ હોય તો તડકામાં ન નીકળાય, કારણ કે એમ કરવાથી માખણ પીગળી જાય. સમજવાનો છે ભાવાર્થ કે આપણામાં કોઈ દોષ ન હોય ત્યારે જ બીજાનો વાંક કાઢવો, બીજાની ભૂલ બતાવવી એ એનો ભાવાર્થ છે. અંગ્રેજીમાં આ કહેવત Those Who Live In Glass Houses should not Throw Stones તરીકે જાણીતી છે. તમારી સામે કોઈ આંગળી ચીંધે એમ ન હોય તો જ બીજાની સામે આંગળી ચીંધવી એ એનો ભાવાર્થ છે. આટલું વાંચી તમને ‘વક્ત’ ફિલ્મનો સદાબહાર સંવાદ चिनोय शेठ, जिनके अपने घर शीशे के हों, वो दूसरों पर पत्थर नहीं फेंका करते યાદ આવી જવો સ્વાભાવિક છે. ફિલ્મમાં રાજ કુમાર રેહમાનને હકીકતનું ભાન કરાવવા આ સંવાદ બોલે છે જેનો આધાર તો કહેવત જ છે. ગુજરાતીમાં આ કહેવત કાચના ઘરમાં રહીને પથરા ન ફેંકાય એ રીતે રૂઢ થઈ છે.
છેતરામણીના સંદર્ભમાં એક ડચ કહેવત છે કે Never believe someone who carries fire in one hand and water in the other. અર્થ એકદમ સ્પષ્ટ છે કે જો કોઈના એક હાથમાં અગ્નિ હોય અને બીજા હાથમાં પાણી હોય તો એવી વ્યક્તિનો ભરોસો કરવો નહીં. એ વ્યક્તિ દઝાડશે કે આગ ઠારશે એ ખાતરીપૂર્વક ન કહી શકાય. આ પરિસ્થિતિ છેતરામણી સાબિત થઈ શકે છે. ગુજરાતીમાં આને સમાંતર અર્થ ધરાવતી કહેવત છે કે હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. સત્ય કળી ન શકાય. હાથીના દાંત બતાવવા એટલે છેતરવું. કહે તેનાથી જુદું કરવું. કહેવું એક અને કરવું બીજું એટલે કે દગો કરવો.
—————
ભાષા मध्ये Friendship के उदहारण
હવે એવી કેટલીક કહેવતો પર નજર નાખીએ જે એકસરખા ભાવાર્થ સાથે ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં હાજર છે. પહેલાં આપણે ગુજરાતી-અંગ્રેજીની દોસ્તીનાં ઉદાહરણ જોઈએ. બહુ જાણીતી કહેવત છે કે બોલે તેનાં બોર વેચાય. પોતાનું કામ કરવા કે કઢાવી લેવા બોલવાની જરૂરિયાત પર આ કહેવત ભાર આપે છે. સાથે એવી પણ કહેવત છે કે ન બોલવામાં નવ ગુણ. મતલબ કે ખોટી સમજણ કે અધૂરા જ્ઞાન સાથે વાતચીતમાં સહભાગી થવાથી વ્યક્તિનું અજ્ઞાન જ છતું થાય છે એવો એનો ભાવ છે. આ બંને ભાવ દર્શાવતી કહેવત છે Discretion Helps. હકીકતમાં આ અત્યંત અર્થપૂર્ણ વાક્ય બ્રિટિશ સારસ્વત વિલિયમ શેક્સપિયરનું છે. Shakespeare once said the better part of valor is discretion. Knowing when to speak and when to be quiet is a skill we all have to learn. મતલબ કે શેક્સપિયર કહી ગયા છે કે વિવેકબુદ્ધિ, શાણપણ શૂરવીરનાં લક્ષણ છે. ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ આવડત આપણે કેળવી લેવી જોઈએ. હિન્દી-અંગ્રેજીનું સખ્ય દર્શાવતી કહેવતો છે एक हाथ से ताली नही बजती – It takes two to make a quarrel. જોયું, હિંદીથી અંગ્રેજીમાં રૂપાંતર થયું ત્યારે શબ્દાર્થને નહીં, પણ ભાવાર્થને મહત્ત્વ અપાયું છે. આ જ રીતે મરાઠી-અંગ્રેજીનું પણ ઉદાહરણ આપી શકાય. पिकते तिथे विकत नाही.  A thing is not valued where it belongs. આ ઉદાહરણ સ્પષ્ટ છે. હિન્દી અને મરાઠીમાં પણ એકસરખો ભાવાર્થ ધરાવતી કહેવતનો આનંદ લેવા જેવો છે. अधजल गगरी छलकत जाए. આ કહેવત ગુજરાતીમાં અધૂરો ઘડો છલકાય ઘણો એ રીતે તમે જરૂર જાણતા હશો. મરાઠી કહેવત છે उथळ पाण्याला खळखळकाट फार તરીકે જાણીતી છે. ઉથળ એટલે છીછરું અને ખળખળાટ એટલે અવાજ. ચકલી નાની ને ફૈડકો મોટો એ સમાનાર્થી કહેવત કહી શકાય. અંગ્રેજીમાં આ કહેવત Shallow water makes much noise તરીકે જાણીતી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.