સુખ વહેંચવા ભલે સંગત જોઈતી હોય, પણ દુ:ખ વહેંચવા તો અંગત જ હોવું જોઈએ

મેટિની

અરવિંદ વેકરિયા

આમ હર્ષદ ગાંધી, એક સારા કલાકારનું ફાઈનલ કરી નાખ્યું નોકરના પાત્ર માટે. દેવેન્દ્ર પંડિત, નયન ભટ્ટ, સંજીવ શાહ, શરદ વ્યાસ પણ, લગભગ નાના સીન્સ હર્ષદના બધા સાથે હતા. મેં સ્ક્રિપ્ટ હર્ષદ ગાંધીને પહોંચાડી દીધી. બધું સમજાવી પણ દીધું. બે દિવસ પછી રિહર્સલ રાખવાનું નક્કી કરી લીધું. પંડિતજી અને નયનબહેનને પણ આ બે દિવસ રિહર્સલમાં આવવાનો વાંધો નહોતો. તેઓ સહકાર આપી સમય આપવા તૈયાર થઈ ગયા. બાકી આ રિપ્લેસમેન્ટ માથાનો દુખાવો હોય છે. હું મારી જ વાત કરું છું. શક્ય છે બીજાને આવા અનુભવ ન પણ થયા હોય. (કદાચ ખોટું બોલતા હોય.) આમાં બને છે એવું કે કોઈ કલાકારને તૈયાર કરવા માટે આપવો પડતો સમય સાથી કલાકારને સખત કઠતો હોય છે. નસીબ જોગે મારે બે મુખ્ય કલાકારો સાથે સંબંધ સારા હતા તો સંજીવ અને શરદ વ્યાસ દોસ્તો હતા એટલે એમણે પણ કોઈ વિરોધ ન કર્યો. આપણી ખુશીઓમાં એ લોકો હોય જ છે જે આપણને ગમે છે, પણ આપણા આવા વખતમાં એ લોકો સાથે રહે છે જેમને આપણે ગમીએ છીએ. ફરી વિઘરામ હોલમાં રિહર્સલ નક્કી કરી નાખ્યાં.
હર્ષદ ગાંધીએ જેટલો નાટકમાં એનો હિસ્સો હતો, એ બધા સંવાદો બે દિવસમાં કડકડાટ મોઢે કરી લીધા. આત્મવિશ્ર્વાસ, મનોબળ અને સંકલ્પનાં ત્રણ તીર જેના ભાથામાં હોય એ નિશાન વીંધી જ શકે, આ ‘ગાંધી’નું પણ એવું જ હતું.
વિઘરામમાં બે દિવસ સિરિયસલી રિહર્સલ કર્યાં. કલાકારોએ પૂરતો સહકાર આપ્યો. રાધાશ્રીએ પણ સહાયકની સરસ ભૂમિકા ભજવી. વિદ્યુત શાહ એની દૂરદર્શનની નોકરીના કામમાં અટવાયેલો હતો એટલે હાજર ન રહી શક્યો, પણ રાધાશ્રીએ ખોટ સાલવા ન દીધી.
રિહર્સલ દરમ્યાન ફરી મેં કોસ્ચ્યુમ માટે હર્ષદ ગાંધીને પૂછ્યું, ત્યાં સુધી કે જો એને રેડીમેઈડ ન ફાવતા હોય તો કે. કે. ટેલર્સ પાસે સીવડાવી લઈએ, પણ હર્ષદ ગાંધીની એક જ વાત કે એની કોઈ જરૂર નથી. બે જોડી હું એક થેલામાં નાખીને લેતો આવીશ. આમ પણ ઘરની વાત છે યાર! અંગત સંબંધને અંગત રહેવા દે. ત્યારે થયું કે સુખ વહેંચવા ભલે સંગત જોઈતી હોય, પણ દુ:ખ વહેંચવા તો અંગત જ હોવું જોઈએ. દુ:ખ તો નહોતું, પણ એક વાતનો અંગત આનંદ હતો કે નિર્માતાના પૈસા બચતા હતા.
બે દિવસના રિહર્સલ બાદ બધાના ચહેરા પર હળવાશ દેખાઈ રહી હતી. હર્ષદ ગાંધીએ બધાને હળવા કરી નાખ્યા. પોતાની રીતે સરસ પોતાના પાત્રને ઢાળી દીધું. બીજાને કદાચ યાદ નહિ હોય, પણ મિત્ર તરુણની યાદ મને આવી જતી હતી. જોકે નિયમ છે કે લાગણીઓથી શરૂ થયેલો સંબંધ અનુભવ પર આવીને ખતમ થઈ જતો હોય છે. કદાચ આ વાત તરુણ જાણતો હતો એટલે જ તરુણે પોતાની અણઆવડત બિનધાસ્ત જાહેર કરી દીધી. મારી જવાબદારી હું પૂરી ન કરી શક્યો. એ પૂરી ન થાય તો નાટક બગડે એમ કહી વિદાય લઈ લીધી હતી. આવું કહેવા અને નાટક છોડવા માટે પણ નૈતિક હિંમત જોઈએ. મારો ઈરાદો જો એને કાઢવાનો હોત તો મેં એને નાટકમાં લીધો જ ન હોત. જે ‘હળવી પળો’ ન રાખવાની મારી જીદે ‘જીવન ચોપાટ’ને નિષ્ફળતા અપાવી એટલે ચેતતું તો રહેવું જ જોઈએ એવું મારા મને કહ્યું. જીવનમાં એટલી બધી ભૂલો ન કરવી કે પેન્સિલ પહેલાં જ રબ્બર ઘસાઈ જાય.
બધો કાફલો હવે પ્રથમ શો બિરલા ક્રીડા કેન્દ્રમાં કરવા તૈયાર હતો. દીપક સોમૈયાએ ‘ફ્રી પબ્લિસિટી’ માટે અખબારોમાં ફોટાઓ પણ છપાવી નાખ્યા. બુધવારે બુકિંગ પણ સારું રહ્યું. શો ૭.૪૫ વાગ્યાનો જાહેર કરેલો. અંતે રવિવાર આવ્યો…
હવે બિરલા ક્રીડા કેન્દ્રમાં સમયની મર્યાદા જુદી. મ્યુનિસિપાલિટીનું થિયેટર એટલે ત્યાંના સેશન ૪-૪ કલાકના હોય. અમારો શો, જે સ્વાભાવિક બધા ૭.૪૫નો જ જાહેર કરતા હોય છે જે અમે કરેલો. એક કલાક પહેલાં એટલે કે ૬.૩૦ વાગે સ્ટેજ મળી જશે એમ હતું, પણ નસીબ, તે દિવસે આગળ કોઈ ઓરકેસ્ટ્રાનો પ્રોગ્રામ હતો. એ ખાલી કરવા તૈયાર જ નહિ. એનો વાંક પણ નહોતો. એનો સમય ૮ સુધીનો હતો છતાં ત્યાંના એ વખતના મેનેજર ગજેન્દ્રે એને ૭ વાગ્યા સુધીમાં સ્ટેજ ખાલી કરવાની શરતે જ થિયેટર આપેલું, હવે ૭ સુધી રાહ જોયા સિવાય છૂટકો જ નહોતો. છેવટે ૭.૦૫ વાગે કર્ટન પડ્યો. એ પછી એમનાં બધાં ઇન્સ્ટ્રુમેન્ટ, સ્પીકરો વગેરે કાઢવામાં ખાસ્સો સમય લાગ્યો.
હું આવા સમયે અચાનક ટેન્શનમાં આવી જાઉં. આ સ્વભાવ રહ્યો છે મારો. માંડ માંડ સ્ટેજ ખાલી થયું. પછી અમારા સેટ અને લાઈટની ગોઠવણી શરૂ થઈ. ૭.૩૫ થવા આવી હતી. ૭.૪૫નો શો જે ૮ વાગે તો શરૂ કરવો પડે. હવે? ૭.૪૫ વાગે બહારની લાઈટો ગોઠવી કર્ટન સાથે ફર્સ્ટ બેલ આપી પ્રેક્ષકોને ઓડિટોરિયમમાં અંદર લઈ લીધા. આટલું કરવામાં ૭.૫૦ તો થઈ ગઈ. બહાર બુકિંગ પર સરસ કરન્ટ ચાલી રહ્યું હતું.
સુભાષ આશરે સેટવાળા સાથે માથાકૂટ કરી સેટ લગાડવા માંડ્યો. લેવલ્સ વધારે હોવાથી સમય રેલાની જેમ ભાગતો હતો. લેવલ્સ બરાબર બેસતા નહોતા.
મારો ગુસ્સો વધતો જતો હતો. મેં સુભાષને કહ્યું, ‘યાર, આટલી વાર કેમ લાગે છે?’ ત્યારે એણે જે જવાબ આપ્યો એ મારે માટે ‘શોકિંગ’ હતો. મને કહે, ‘તેં સેટ ડિઝાઈન જ એવી શું કામ પસંદ કરી?’ હું હબક ખાઈ ગયો. અરે! સેટ ડિઝાઈન પ્રમાણે સેટ લગાડવાનું કામ સેટ ડિઝાઈનરનું હોય. એક્ઝિક્યુટ એણે કરવાનું હોય અને સેટિંગ્સના માણસો પાસે એણે કામ કઢાવવાનું હોય એને બદલે મારી સેટની પસંદગીનો દોષ કાઢે? ઉલટા ચોર કોટવાલ કો… એણે જ બતાવેલી ડિઝાઈનોમાંથી જ મેં એક પસંદ કરેલી ત્યારે એ કેમ અને કેટલી ત્વરાથી લગાડશે એ તો સેટ ડિઝાઈનર જાણતો જ હોયને! ભૂલ અહીં દરેકની થતી હોય છે, અમુક જાણતા નથી અને અમુક માનતા નથી. ખેર!
સેટ લગાડવાનું કામ ચાલુ હતું ત્યારે જ અમે બધા કલાકારોએ એક ખૂણામાં રંગદેવતાની પૂજા કરી લીધી. દરમ્યાન ધનવંત શાહ, જે અમારા નિર્માણ-નિયામક હતા એમણે આવીને કહ્યું કે અમુક પ્રેક્ષકો રિફંડ માગે છે. મેં કહ્યું જે પૈસા પાછા માગે છે એમને આપી દો. ભૂલ આપણી છે. નરોત્તમભાઈ મીનાવાલા પણ જોવા આવેલા એ પણ બેક-સ્ટેજમાં આવી ગયા. મને હિંમત આપતા ગયા. થોડું રિફંડ તો કરવું જ પડ્યું. ભૂલ મોડું કરવાની આપણી હતી એ સ્વીકારવું જ પડે. છેવટે ૮.૨૫ વાગે ત્રીજી બેલ વાગી. બધા કલાકારોને મેં કીધું ફોડ ડાલો. (ક્રમશ:)ઉ
***
લાવ તારો હાથ આપી જો મને,
હૃદયમાં ક્યારેક સ્થાન જો મળે,
પ્રેમ જેનું મૂળ છે એવું વૃક્ષ છું હું,
ક્યારેક તો ઉગાડી જો મને.
——
હાથમાં ફોન હોય તો જમતાં કલાક લાગે, પણ આપણો ફોન પત્નીના હાથમાં હોય તો બે મિનિટ જ લાગે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.