(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ક્રૂડતેલના વૈશ્ર્વિક ભાવમાં ૩.૧૧ ટકા જેટલો ઘટાડો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૬૯.૦૮ કરોડની ચોખ્ખી લેવાલી જળવાઈ રહી હોવાના એક્સચેન્જના પ્રાથમિક અહેવાલ અને ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅરોમાં રોકાણકારોની વ્યાપક લેવાલી નીકળતાં આજે સતત પાંચમાં સત્રમાં બજારની તેજી આગળ ધપતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૨૧૧.૧૬ પૉઈન્ટના અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૫૦ પૉઈન્ટના સુધારા સાથે નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૬૨,૨૯૩.૬૪ના બંધ સામે નરમાઈના ટોને ૬૨,૦૧૬.૩૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૧,૯૫૯.૭૬ અને ઉપરમાં ૬૨,૭૦૧.૪૦ની ઐતિહાસિક ઊંચી સપાટીને સ્પર્શીને અંતે આગલા બંધથી ૨૧૧.૧૬ પૉઈન્ટ અથવા તો ૦.૩૪ ટકાના સુધારા સાથે ૬૨,૨૯૩.૬૪ની નવી ઑલ ટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૮,૫૧૨.૭૫ના બંધ સામે નરમાઈના ટોને ૧૮,૪૩૦.૫૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૮,૩૬૫.૬૦ અને ઉપરમાં ૧૮,૬૧૪.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૦.૨૭ ટકા અથવા તો ૫૦ પૉઈન્ટના સુધારા સાથે ૧૮,૫૬૨.૭૫ના મથાળે બંધ રહ્યો હતો.
વૈશ્ર્વિક સ્તરના વિપરીત પરિબળો હોવા છતાં આજે મુખ્યત્વે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમા ઘટાડાતરફી વલણ રહેતાં તેલ કંપનીઓના માર્જિન પર સકારાત્મક અસર થવાના આશાવાદ સાથે ઑઈલ અને ગૅસ ક્ષેત્રના શૅરોની આગેવાની હેઠળ બજારમાં સતત પાંચમાં સત્રમાં તેજી આગળ ધપી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગત શુક્રવારે પણ ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવતા તેજીને ટેકો પૂરો પાડ્યો હતો. જોકે, હાલના તબક્કે વૈશ્ર્વિક રોકાણકારોની નજર આગામી બુધવારના અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ છે.
દરમિયાન આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૭ શૅરના ભાવ વધીને અને ૧૩ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૫ શૅરના ભાવ વધીને અને ૨૫ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળ વધનાર મુખ્ય શૅરોમાં સૌથી વધુ ૩.૪૮ ટકાનો વધારો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે નેસ્લેમાં ૧.૫૦ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૧.૪૪ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૧.૨૨ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૦.૮૩ ટકાનો અને વિપ્રોમાં ૦.૭૬ ટકાનો સુધારો આવ્યો હતો. તેની સામે સેન્સેક્સ હેઠળના મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૨૨ ટકાનો ઘટાડો ટાટા સ્ટીલમાં જોવા મળ્યો હતો. આ સિવાય ભારતી એરટેલમાં ૧.૧૦ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૧.૦૮ ટકાનો, એચડીએફસીમાં ૦.૮૫ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૦.૭૯ ટકાનો અને એચસીએલ ટેક્નોલૉજીસમાં ૦.૭૮ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ ખાતે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૭૭ ટકા અને મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૭૨ ટકા વધી આવ્યા હતા.
વધુમાં આજે સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં બીએસઈ ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૧.૪૯ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં ૧.૪૪ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૦.૭૦ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૬૪ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૫૯ ટકાનો અને ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૦.૪૬ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે બીએસઈ બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૧.૪૫ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૨૯ ટકાનો અને પાવર ઈન્ડેક્સમાં ૦.૨૧ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયા ખાતે સિઉલ, ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગની બજારો નરમાઈના ટોને બંધ રહી હતી. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હતું. આજે વૈશ્ર્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી ૩.૧૧ ટકા ઘટીને બેરલદીઠ ૮૧.૦૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાધારણ ત્રણ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો.
ક્રૂડતેલમાં ઘટાડો અને વિદેશી ફંડોની લેવાલીને ટેકે સેન્સેકસ ૨૧૧ પૉઈન્ટ અને નિફ્ટી ૫૦ પૉઈન્ટની તેજી સાથે નવી ટોચે
RELATED ARTICLES