(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મુખ્યત્વે આઈટી, ફાઈનાન્સ અને બૅન્ક શૅરોમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો બાર પૈસા તૂટતાં સતત બીજા સત્રમાં પીછેહઠ જોવા મળી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૨૫૦.૮૬ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૮૫.૬૦ પૉઈન્ટનો ઘટાડો આગળ ધપ્યો હતો.
આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૬૦,૬૮૨.૭૦ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને ૬૦,૬૫૨.૮૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૦,૨૪૫.૦૫ અને ઉપરમાં ૬૦,૭૪૦.૯૫ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૨૫૦.૮૬ પૉઈન્ટ અથવા તો ૦.૪૧ ટકાના ઘટાડા સાથે ૬૦,૪૩૧.૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૭,૮૫૬.૫૦ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૧૭,૮૫૯.૧૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૭,૭૧૯.૭૫ અને ઉપરમાં ૧૭,૮૮૦.૭૦ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૦.૪૮ ટકા અથવા તો ૮૫.૬૦ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૭,૭૭૦.૯૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે વિશ્ર્વ બજારમાં બૉન્ડની ઊપજમાં વધારો થવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને આઈટી શૅરોમાં અને અદાણી જૂથ પર તાજેતરમાં થયેલા આક્ષેપોને પગલે જાહેર ક્ષેત્રની બૅન્કોમાં વેચવાલીનું દબાણ વધ્યું હોવાથી પીછેહઠ જોવા મળી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. જોકે, મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના રિટેલ રિસર્ચ વિભાગના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને ડામવા માટે આક્રમક અભિગમ જાળવી રાખે તેવી શક્યતાને અને યુકેનો આર્થિક વૃદ્ધિદર ધીમો પડે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલી નરમાઈને કારણે પણ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ વધુ રહ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૮ શૅરના ભાવ ઘટીને અને ૧૧ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે એકમાત્ર ટાટા સ્ટીલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૨.૮૩ ટકાનો ઘટાડો સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈન્ફોસિસમાં ૨.૫૨ ટકાનો, ટીસીએસમાં ૧.૪૯ ટકાનો, ટૅક મહિન્દ્રામાં ૧.૪૮ ટકાનો, બજાજ ફાઈનાન્સમાં ૧.૪૪ ટકાનો અને વિપ્રોમાં ૧.૧૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૨.૦૭ ટકાનો વધારો ટિટાનમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૧.૮૮ ટકાનો, એનટીપીસીમાં ૧.૭૦ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૯૧ ટકાનો, સન ફાર્મામાં ૦.૮૨ ટકાનો અને આઈટીસીમાં ૦.૭૫ ટકાનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ ખાતે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં પણ ૧.૨૫ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં માત્ર ત્રણ ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા હતા, જેમાં કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૫૬ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૦.૨૦ ટકાનો અને ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૦.૧૫ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ઘટનાર ઈન્ડેક્સમાં મુખ્યત્વે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૧.૮૮ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૭૭ ટકાનો, ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં ૧.૭૧ ટકાનો અને ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો ઘટાડો આવ્યો હતો, માત્ર ક્ધઝ્યુમર ડ્યૂરેબલ ઈન્ડેક્સમાં ટકેલું વલણ રહ્યું હતું. દરમિયાન આજે એશિયામાં ટોકિયો, હૉંગકૉંગ અને સિઉલની બજાર ઘટાડા સાથે અને એકમાત્ર શાંઘાઈની બજાર સુધારા સાથે બંધ રહી હતી. તેમ જ આજે યુરોપનાં બજારોમાં મધ્યસત્ર દરમિયાન સુધારો દર્શાવાઈ રહ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસાના ઘટાડા સાથે ૮૨.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી ૧.૩૪ ટકા ઘટીને બેરલદીઠ ૮૫.૨૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૪૫૮.૦૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.